ચેતન પટેલ/સુરત :સુરત શહેર શહેરને ક્રાઈમ કેપિટલન બિરુદ મળી ચૂક્યુ છે. કોઈ ક્રાઈમ એવો નહિ હોય જે આ શહેરમાં થતો નહિ હોય. શહેરમાં મહિલા સલામતીને લગતા પ્રશ્નો ઉઠી રહ્યા છે. રોજેરોજ બની રહેલા બનાવોથી સુરતની મહિલા અસુરક્ષિત અનુભવી રહી છે. ત્યારે સુરતમાં 24 કલાકમાં છેડતીના બે બનાવો બન્યા છે. જેમાં એક કિસ્સામાં તો બીઆરટીએસના ડ્રાઈવરે જ યુવતીની છેડતી કરી છે. તો અન્ય કિસ્સામાં સરથાણા વિસ્તારમાં નાઈટ વોકમાં નીકળેલી પરિણીતાની છેડતી થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીઆરટીએસના ડ્રાઈવરે યુવતીને કહ્યું, 'આજે તારો ચહેરો જોઈને જ રહીશ' 
સુરતમાં BRTSના ડ્રાઈવરની શરમજનક કરતૂત સામે આવી છે. BRTS ના ડ્રાઈવરે 19 વર્ષની વિદ્યાર્થિનીની છેડતી કરી છે. કતારગામની 19 વર્ષીય વિદ્યાર્થીની અઠવાગેટ વિસ્તારની એક કોલેજમાં અભ્યાસ કરે છે. તે રોજ બીઆરટીએસ બસમાં તેની બે બહેનપણીઓ સાથે કોલેજ જાય છે. ત્યારે બસનો ડ્રાઈવર ઘણા સમયથી વિદ્યાર્થીની સામે ગંદી નજરથી જોતો હતો. બુધવારના રોજ અડાજણ પાસે મોટાભાગના પેસેન્જર બસમાંથી ઉતરી ગયા હતા, ત્યારે ડ્રાઈવર કેબિનમાંથી બહાર આવ્યો હતો. તેણે વિદ્યાર્થીનીને પાછળથી થપ્પો માર્યો હતો અને કહ્યુ હતુ કે, 'આજે તારો ચહેરો જોઈને જ રહીશ.' ડ્રાઈવરે જબરદસ્તીથી વિદ્યાર્થીનીનું માથુ પકડી લીધુ હતું.  જેના બાદ ગભરાયેલી શિવાની અઠવાગેટ પાસે ઉતરી ગઈ હતી. વિદ્યાર્થિનીએ માતાને આ અંગે જાણ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા ઘણા સમયથી ડ્રાઈવર વિદ્યાર્થિનીને ખરાબ નજરથી જોતો હોવાનો વિદ્યાર્થીનીએ આરોપ મૂક્યો. ત્યારે આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો : અમદાવાદમા મેયરને કેમ ચોરીછુપીથી કમલમમાં લઈ જવાયા? PM મોદીના રોડ શોમાં કેવી રીતે પાછળ રહી ગયા?


ચાલવા નીકળેલી પરિણીતાનો યુવકે હાથ પકડ્યો
સરથાણામાં નાઈટ વોકમાં નીકળેલી પરણીતાની છેડતી થઈ છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં એક 37 વર્ષીય પરિણીત મહિલાએ ફરિયાદ નોંધાવી કે, વિપુલ સલેડિયા નામનો યુવક કેટલાક દિવસોથી તેનો પીછો કરતો હતો. હું શાકભાજી ખરીદવા જઉ કે બાળકોને સ્કૂલે મૂકવા જઉ તો આ યુવક મારો પીછો કરતો. બુધવારે રાત્રે હુ નાઈટ વોક માટે નીકળી હતી ત્યારે યુવકે મારો રસ્તા ઉપર જ હાથ પકડી લીધો હતો. તેણે મને કહ્યુ હતુ કે, તું મારી સાથે વાત કેમ નથી કરતી. એમ કહી હાથ પકડી બળજબરી કરી હતી. સમગ્ર મામલો છેવટે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. સરથાણા પોલીસે વિપુલ સેલડિયાની અટકાયત કરી હતી.


ગુજરાતમા દુષ્કર્મના કેસ વધ્યા
ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય ગણાતુ હતું. અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતી મહિલાઓ પણ ગુજરાતમાં આવીને વખાણ કરતી કે, તેઓ ગુજરાતમાં રહીને સુરક્ષિત અનુભવે છે. પણ છેલ્લા બે વર્ષમાં એવુ થયુ કે ગુજરાતના માથા પરથી મહિલા સુરક્ષાનો તાજ છીનવાઈ શકે છે. ગુજરાતમાં જે હદે દુષ્કર્મના કેસ વધી રહ્યા છે તે જોતા હવે ગુજરાતની છબી બગડે તેવુ લાગી રહ્યુ છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં આ અંગે આંકડા માંગવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન નોંધાયેલા દુષ્કર્મના બનાવોની માહિતી વિધાનસભામાં આપવામાં આવી છે. જે મુજબ, ગુજરાતમાં બે વર્ષમાં 3796 દુષ્કર્મના કેસ બન્યા છે. જેમાં 61 સામુહિક દુષ્કર્મના કેસ છે.