અમદાવાદમા મેયરને કેમ ચોરીછુપીથી કમલમમાં લઈ જવાયા? PM મોદીના રોડ શોમાં કેવી રીતે પાછળ રહી ગયા?
અમદાવાદના મેયર કિરીટ પરમાર પીએમ મોદીના રોડ શોમાં કાફલામાં પાછળ રહી ગયા હતા. આ દરમિયાન પીએમ મોદીનો કમલમમાં પ્રવેશ થઈ ગયો હતો. પરંતુ બાદમાં કમલમનો ગેટ બંધ કરી દેવાતા તેમને પ્રવેશ મળ્યો ન હતો
Trending Photos
- અમદાવાદના મેયર પીએમ મોદીના કાફલા સાથે જ એરપોર્ટથી કમલમ જવા રવાના થયા હતા. પરંતુ વચ્ચે ભીડમાં તેઓ પાછળ રહી ગયા હતા. જેથી તેઓ સમયસર કમલમ પહોંચી શક્યા ન હતા
ઝી મીડિયા/બ્યૂરો :પીએમ મોદી હાલ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. સવારથી લઈને અત્યાર સુધી તેમનો ભવ્ય કેસરિયો રોડ શો ચર્ચામાં છે. ત્યારે આ વચ્ચે એક એવી ઘટના બની, જેણે વધુ ચર્ચા જગાવી છે. એ છે અમદાવાદના મેયર. કમલમમાં હાજરી આપવા નીકળેલા અમદાવાદના મેયર કિરીટ પરમાર સાથે અજીબોગરીબ ઘાટ સર્જાયો હતો. રોડ શોને કારણે મેયર રસ્તામાં અટવાયા હતા. મેયર રોડ શોમાં ફસાયા હોવાથી સમયસર કમલમ પહોંચી શક્યા ન હતા. તેથી તેમને કમલમમાં પ્રવેશ અપાયો ન હતો. પીએમ મોદી પહોંચી ચુક્યા હોવાથી પ્રવેશ બંધ કરાયો હતો, અને મેયરને અંદર પ્રવેશ મળ્યો ન હતો. જોકે, બાદમાં તેમને ચોરીછૂપીથી કમલમમાં લઈ જવાયા હોવાનું જાણવા મળ્યુ છે.
ચોરીછુપીથી કમલમમાં લઈ જવાયા
બન્યુ એમ હતુ કે, અમદાવાદના મેયર કિરીટ પરમાર પીએમ મોદીના રોડ શોમાં કાફલામાં પાછળ રહી ગયા હતા. આ દરમિયાન પીએમ મોદીનો કમલમમાં પ્રવેશ થઈ ગયો હતો. પરંતુ બાદમાં કમલમનો ગેટ બંધ કરી દેવાતા તેમને પ્રવેશ મળ્યો ન હતો. સિક્યોરિટી દ્વારા તેમને ગેટ પર રોકી દેવાયા હતા. આખરે શહેરના મેયરને તડકામાં બોર્ડની પાછળ છુપાઈને ઉભુ રહેવુ પડ્યુ હતું. તેમણે કમલમમાં અન્ય નેતાઓનો સંપર્ક કરતા કોઈએ રિસ્પોન્સ આપ્યો ન હતો. આખરે લિસ્ટમાં નામ ચેક કરાતા તેમને 20 મિનિટ બાદ કમલમમાં પ્રવેશ અપાયો હતો. જોકે, આ ઘટના મીડિયાની નજરે ન ચઢે તે માટે મેયરને ચોરીછુપીથી કમલમમાં લઈ જવાયા હતા.
પ્રધાનમંત્રી @narendramodi ના 2 કલાકના ભવ્ય રોડ શો બાદ ગાંધીનગર કમલમ ખાતે પ્રધાનમંત્રી મોદીનું પુષ્પવર્ષાથી સ્વાગત@BJP4Gujarat @CRPaatil @sanghaviharsh @Bhupendrapbjp #ZEE24Kalak #NarendraModi pic.twitter.com/XDoaefOlR5
— Zee 24 Kalak (@Zee24Kalak) March 11, 2022
મેયર પીએમને રિસીવ કરવા એરપોર્ટ ગયા હતા
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનુ ભવ્ય સ્વાગત કરાયુ હતું. અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર અને મંત્રી જગદીશ પંચાલ હાજર રહ્યા હતા. અમદાવાદના મેયર પીએમ મોદીના કાફલા સાથે જ એરપોર્ટથી કમલમ જવા રવાના થયા હતા. પરંતુ વચ્ચે ભીડમાં તેઓ પાછળ રહી ગયા હતા. જેથી તેઓ સમયસર કમલમ પહોંચી શક્યા ન હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે