રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરા સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી દરમિયાન અનેક લોકોના ધંધા બંધ થઈ ગયા, તો કેટલાક લોકોની નોકરી છૂટી ગઈ પરંતુ વડોદરાના બે એન્જિનિયર યુવકોએ કોરોના મહામારી સામે હાર્યા વગર સલૂન માટે ટ્રેકી એપનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, જે એપ એક જ વર્ષમાં સલૂન સંચાલકોમાં ભારે લોકપ્રિય બની છે અને યુવાનો સારી કમાણી પણ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોકરીના બદલે સ્ટાર્ટઅપ શરૂ કર્યું
વડોદરા શહેરના તરસાલીના ગોવિંદનગરમાં રહેતા 24 વર્ષીય શિખર લક્ષ્મીકાંત મકવાણાએ બાબરીયા ઇન્સ્ટીટ્યુટમાંથી B.E. મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા 24 વર્ષીય શિવાંગ મહેન્દ્રસિંહ રાઠોડે ITM યુનિવર્સમાંથી B.E.મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ બન્નેને નોકરી કરવી નહોતી. જેથી બન્ને યુવાનો સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહ્યાં હતાં. આખરે બન્નેએ સાથે મળીને લાઇવ સલૂન ટ્રેકિંગ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે.


આ પણ વાંચો:- કચ્છ: ઘોરાડને બચાવવામાં વનવિભાગ નિષ્ફ્ળ, અભ્યારણ્યમાં એક પણ પક્ષી ન હોવાની કેન્દ્રીય વનમંત્રાલયની કબૂલાત


મિકેનિકલ એન્જિનિયર શિવાંગ મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, અમે બંનેએ ટ્રેકી એપ બનાવવાનું નક્કી કર્યું ત્યારે અમારી પાસે નાણાંનો અભાવ હતો. જોકે, અમે પરિવાર તરફથી મળતી પોકેટ મનીમાંથી રૂપિયા બચાવીને એપ તૈયાર કરી અને ત્યારબાદ સરકાર તરફથી પણ સ્ટાર્ટઅપ શરૂ માટે સહયોગ મળ્યો હતો. અમે જાન્યુઆરી-2020માં ટ્રેકી એપ શરૂ કરી, પરંતુ શરૂ કર્યાં બે મહિનામાં જ કોરોના મહામારીના કારણે અમારા સ્ટાર્ટઅપને ગ્રહણ લાગ્યું અને લોકડાઉનને કારણે અમારો બિઝનેસ આગળ વધતો અટકી ગયો, જોકે અમે હિંમત હાર્યા વિના લોકડાઉનના સમયમાં એપના ફીચર પર કામ કરવાનું ચાલુ રાખ્યું. લોકડાઉન પૂર્ણ થયા પછી ફરીથી અમે અમારા બિઝનેસને આગળ વધાર્યો હતો.


શિવાંગે વધુમાં જણાવ્યું હતું કે, અમારૂ વર્લ્ડનું પહેલુ લાઇવ સલૂન ટ્રેકિંગ પ્લેટફોર્મ છે. અમારી એપમાં માત્ર 30 મિનિટની અંદર જ ગ્રાહકને એપોઇમેન્ટ મળી જાય છે. હાલ અમારી સાથે 70 જેટલા સલૂન જોડાયેલા છે, અને તેમાં અમારા 2 હજારથી વધુ એક્ટિવ કસ્ટમર છે. જે અમારી ટ્રેકી એપ થકી એપોઇમેન્ટ બૂક કરાવીને રેગ્યુલર સલૂનની મુલાકાત લે છે. અમારૂ ધ્યેય સલૂન જેવા અનઓર્ગેનાઇઝ સેક્ટરને ઓર્ગેનાઇઝ કરવાનું છે.જેમા અમને ઘણે અંશે સફળતા મળી છે. જોકે, આવનારા દિવસોમાં અમે ગુજરાત સહિત દેશભરના મેટ્રો સિટીના તમામ સલૂનને ટ્રેકી પ્લેટફોર્મ પર લાવવા માગીએ છીએ. જેથી કરીને લોકોને સલૂનમાં ઝડપથી સર્વિસ મળી રહે અને કલાકોના સમયની પણ બચત થાય.


આ પણ વાંચો:- ખેડા અકસ્માત: શત્રુંડા પાટીયા પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત, એક મહિલાનું મોત અને 4 વ્યક્તિને ઇજા


મિકેનિકલ એન્જિનિયર શિખર મકવાણાએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં સલૂનોમાં હાઇજીન, સેફ્ટી અને વેઇટિંગ એ સૌથી મોટી સમસ્યા બની બની ગઇ છે. ત્યારે અમારી ટ્રેકી એપથી એપોઇમેન્ટ બૂક કરીને ગ્રાહક ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે. જેથી સલૂનમાં રૂપિયાની લેવડ-દેવડથી બચી શકાય છે. આ ઉપરાંત ગ્રાહકોને વેઇટિંગમાં બેસવું પણ પડતુ નથી. જેથી સલૂનોમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન થઇ શકે છે. સલૂન ઇન્ડસ્ટ્રીઝને અમારી એપથી ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે.


કોઇ ગ્રાહક જ્યારે અમારી એપ પર જાય, ત્યારે તેને નજીકના તમામ સલૂન જોવા મળે છે અને લાઈવ અપડેટ, લાઇવ એપોઇમેન્ટ અને એડવાન્સ બૂકિંગના ફીચરથી ગ્રાહક બૂકિંગ કરાવી શકે છે. જેમાં લાઇવ એપોઇમેન્ટમાં ગ્રાહકને 30 મિનિટની અંદરના સમયમાં જ એપોઇમેન્ટ મળી જાય છે અને ગ્રાહકને જે સમયે જોઇએ, તે સમયે એપોઇમેન્ટ મળે છે તેમ કહેતા શિખર મકવાણાએ ઉમેર્યું કે, સલૂનમાં જઇને વેઇટિંગમાં બેસવુ પડતું નથી. તેમના માટે સલૂનમાં સીટ ખાલી જ હોય છે. જ્યારે એડવાન્સ બુકિંગમાં ગ્રાહકને 4 કલાક પછીનું બુકિંગ મળે છે. આ ઉપરાંત ટ્રેકી એપમાં સલૂનમાં ચાલતી લાઇવ ઓફર દેખાય છે. આ ઉપરાંત અમારી સાથે જોડાયેલી સલૂનોમાં ટ્રેકીના કસ્ટમરને પ્રાયોરિટી આપવામાં આવે છે.


આ પણ વાંચો:- કોરોનાની ત્રીજી લહેર સામે સુરત નવી સિવિલ હોસ્પિટલની તૈયારીઓ શરૂ, બાળકો માટે ઘાતક સાબિત થશે આ વેરિયન્ટ


શરૂઆતમાં બે મિત્રોએ મળીને આ એપ શરૂ કરી હોવાનું કહેતા બન્નેએ જણાવ્યું હતું કે, આજે અમારી ટીમમાં 19 જેટલા મેમ્બર છે. હાલ અમે પારૂલ યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ સ્ટુડિયોમાં બેસીને કામ કરીએ છીએ. તેમના તરફથી અમને ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે. માત્ર 24 વર્ષની ઉંમરે એપ બનાવીને દેશભરની સલૂનોને એક પ્લેટફોર્મ પર લાવવાની જીદ થકી બંને યુવાનો આગળ વધી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube