સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે અંગદાન, પાંચ લોકોને મળ્યું નવજીવન
ભાવનગરના ૨૦ વર્ષીય અંકિતાબેન અને રાજકોટના ૩૭ વર્ષીય મૈત્રૈય ભાઇ બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો.
અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે અંગદાન થયા છે. ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ દિન જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં થયેલ અંગદાનથી 5 પીડિત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
આ બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં 4 કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. જે સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હ્યદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, બે સિનિયર મંત્રીઓના ખાતા છીનવાયા
જ્યારે 86માં અંગદાનની વિગતમાં 37 વર્ષીય રાજકોટ , જેતપુરના વૈધ્ય મૈત્રૈયને 16મી ઓગસ્ટના રોજ ઢડી પડવાથી માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેમને પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરાતા બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલનો અંગદાન ક્ષેત્રનો સેવાયજ્ઞ અવિરત ચાલુ છે. તબીબો દિવસ-રાત, તડકી- છાયડી, વાર – તહેવાર જોયા વગર બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોના સહયોગ થી અંગદાન થકી નવીન જીંવન આપવાના ભાવ સાથે ફરજ રત છે. અત્યારસુધીમાં સિવિલ હોસ્પિટલમાં 86 અંગદાનમાં મળેલા 271 અંગો થકી 248 વ્યક્તિઓને નવ અવતરણ મળ્યું છે. તેમનું જીવન કાર્યક્ષમ બન્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube