સુરત : આ નરાધમે 10 વર્ષની બાળકીને પીંખી નાંખી, હત્યા કરીને લાશ ઝાડીમાં ફેંકી
- ઝાડી ઝાંખરામાં શોધખોળ કરતા બાળકીની લાશ મળી આવી હતી. હાલ આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે કે કેમ તે જાણવા માટે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી
ચેતન પટેલ/સુરત :ડાયમંડ નગરી સુરત શહેર હવે ગુનાખોરી નગરી તરીકે ઓળખ ધરાવે રહી છે. સુરત શહેરમાં એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં ગુમ થયેલી ૧૦ વર્ષીય બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. બાળકી સાથે દુષ્કર્મ થયા હોવાની આશંકા સાથે તેને પીએમ રૂમ ખાતે મોકલી આપવામાં આવી હતી. આ સાથે પાંડેસરા પોલીસે બે પૈકી એક નરાધમને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : ભારત બંધ વચ્ચે અમરેલીમાં પરેશ ધાનાણી અને દિલીપ સંઘાણી વચ્ચે જોવા જેવા દ્રશ્યો સર્જાયા
સુરત શહેરના ઉધના વિજયનગરમાં રહેતા શ્રમજીવી પરિવાર મજૂરી કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને 10 વર્ષીય પુત્રી છે. પતિ-પત્ની બંને મજૂરીકામ કરતા હોય જેને કારણે બંને બાળકોને તેઓએ પાંડેસરા ભેદવાડ વિસ્તારમાં રહેતા તેમના ભાઈને ત્યાં બંનેને મોકલી આપ્યા હતા. દરમિયાન બપોરના સમયે બાળકી ઘર પાસેથી રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. જેથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. શરૂઆતના સમયે પરિવારજનોએ આસપાસના તમામ વિસ્તારોમાં બાળકોની શોધખોળ હાથ ધરી હતી. જોકે તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જેથી રાત્રિના સમયે પરિવારજનોએ આ અંગે પાંડેસરા પોલીસ મથકમાં બાળકીના ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : અમદાવાદ : વિરોધ કરી રહેલા NSUIના કાર્યકર્તા BRTSની 3 બસની ચાવી લઈને ભાગ્યા
ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. શરૂઆતના સમયે પોલીસે સ્થાનિક સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી. જેમાં સોસાયટીમાં જ રહેતા પ્રદીપ ભેસાની સાથે બાળકી દેખાઈ હતી. પ્રદીપે બાળકીને સ્થાનિક હોટલમાં નાસ્તો પણ કરાવ્યો હતો અને બાદમાં ત્યાંથી લઈને જતો રહ્યો હતો. સીસીટીવીની મદદથી પોલીસે પ્રદીપની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સ્થાનિક લોકોએ પ્રદીપને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો.
કોઈને શંકા ન જાય તે માટે પ્રદીપ હત્યા બાદ પણ બાળકીની શોધખોળમાં પરિવારની સાથે જ હતો. પ્રદીપની પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે પ્રદીપે તેના મિત્ર આનંદ સાથે મળી બાળકીની હત્યા કરી લાશને ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધી હતી. આરોપીની કબૂલાત સાથે જ પોલીસનો કાફલો તથા ઉપરી અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઝાડી ઝાંખરામાં શોધખોળ કરતા બાળકીની લાશ મળી આવી હતી. હાલ આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે કે કેમ તે જાણવા માટે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. તેમજ અન્ય આરોપી આનંદની પણ પોલીસે શોધખોળ હાથ ધરી હતી.