ભારત બંધ વચ્ચે અમરેલીમાં જોવા જેવા દ્રશ્યો સર્જાયા, પરેશ ધાનાણી દુકાનો બંધ કરાવવા નીકળ્યા, તો દિલીપ સંધાણીએ...
Trending Photos
- અમરેલી શહેરમાં પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડાપકડી જેવો માહોલ ઉભો થયો હતો.
- પરેશ ધાનાણી આગળ અને પોલીસ પાછળ તેવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
કેતન બગડા/અમરેલી :આજે ભારત બંધ (Bharat Bandh) ના એલાનને સફળ બનાવવા માટે અમરેલી શહેરમાં ભાજપ અને કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. નેતા વિપક્ષ પરેશ ધાનાણી બંધને સફળ બનાવવા માટે, તો દિલીપ સંઘાણી બજાર ખુલી રાખવા માટે લોકોને વિનંતી કરતા નજરે પડ્યા હતા. આજે નેતા વિપક્ષ પરેશ ધાનાણીની આગેવાનીમા કોંગ્રેસ આક્રમક જોવા મળી હતી અને અમરેલી શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
આ પણ વાંચો : Bharat Bandh : શાંત ગુજરાતમાં કોંગ્રેસનો કાંકરીચાળો, અનેક કાર્યકર્તાઓની અટકાયત, અનેક નજરકેદ
પહેલા પરેશ ધાનાણી દુકાનો બંધ કરાવવા આવ્યા
અમરેલી શહેરને ભારત બંધ સાથે જોડવા માટે નેતા વિપક્ષ પરેશ ધાનાણી પોતાનુ સ્કુટર લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દુકાનદારોને બંધમાં જોડાવા વિનંતી કરતા નજરે પડ્યા હતા. કેટલાક દુકાનદારો પરેશ ધાનાણીની વાત માનીને દુકાનો બંધ પણ કરતા હતા. પરંતુ ત્યારબાદ પોલીસ પહોંચી હતી અને પરેશ ધાનાણીની અટકાયતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરેશ ધાનાણી પોતાનુ સ્કુટર લઈને છટકી જવા સફળ થયા હતા. ત્યાર બાદ અમરેલી શહેરમાં પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડાપકડી જેવો માહોલ ઉભો થયો હતો. પરેશ ધાનાણી આગળ અને પોલીસ પાછળ તેવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આખરે જીવરાજ મહેતા ચોકમાંથી પોલીસે પરેશ ધાનાણીની અને કેટલાક કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
પાછળ દિલીપ સંઘાણી દુકાનો ચાલુ કરવવા નીકળ્યા
અમરેલી શહેરમાં પરેશ ધાનાણીની અટકાયત બાદ ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી પણ નીકળી પડ્યા હતા. તેઓ પોતાની સાયકલ લઈને શહેરની મુખ્ય બજારમાં નીકળ્યા હતા અને દુકાનદારોને ધંધા રોજગાર શરૂ રાખવા વિનંતી કરતા નજરે ચડ્યા હતા.
ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની દોડાદોડી વચ્ચે અમરેલી શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે