ચીખલીની દીકરીઓ દિયા અને હિરે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વગાડ્યો ડંકો, દુબઈમાં 3-3 ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ કર્યું રોશન
નવસારીના ચીખલી તાલુકાના પીપલગભણ ગામે રહેતી 13 વર્ષીય દિયા પ્રકાશ પટેલ ચીખલીની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. જેને અભ્યાસ સાથે રમતમાં રસ હતો. શાળામાં ખોખોની ટીમ બની.
ધવલ પરીખ/નવસારી: જીવનમાં અભ્યાસ સાથે રમત પણ જરૂરી છે. શાળામાં થતી વિવિધ રમતો થકી વિદ્યાર્થીઓમાં પડેલી ક્ષમતાનો ખ્યાલ આવે છે. ચીખલીની દિયા અને હિર સાથે પણ આવું જ કંઈ થયુ હતું. શાળાના વ્યાયામ શિક્ષકે ખો-ખો દરમિયાન તેમનામાં પડેલી દોડની ક્ષમતાને ઓળખી અને યોગ્ય તાલીમ આપી, વિશ્વ ફલક પર રમતી કરી, જેના કારણે આજે બંને દીકરીઓએ દુબઈમાં યોજાયેલી અંડર 14 એથલેટિક્સ ગેમ્સમાં દોડના વિવિધ વિભાગોમાં પોતાનો ઉત્ક્રુષ્ટ દેખાવ કરી ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યુ છે.
નવસારીના ચીખલી તાલુકાના પીપલગભણ ગામે રહેતી 13 વર્ષીય દિયા પ્રકાશ પટેલ ચીખલીની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. જેને અભ્યાસ સાથે રમતમાં રસ હતો. શાળામાં ખોખોની ટીમ બની, જેમાં વ્યાયામ શિક્ષક ધર્મેશ પટેલે દિયાની દોડવાની ક્ષમતાને ઓળખી અને એને એથલેટિક્સ ગેમ માટે તૈયારી કરવા પ્રોત્સાહિત કરી હતી. જેમાં દિયાના માતા પિતાએ પણ તેને સહયોગ આપ્યો અને એનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રથમ શાળામાં, ત્યારબાદ તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ દિયાએ 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડમાં ઉત્ક્રુષ્ટ દેખાવ કરીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
રાજ્ય કક્ષાએ પ્રથમ રહેતા તેની દિલ્હી ખાતે સંયુક્ત ભારત ખેલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ સ્પર્ધામાં પસંદગી થઈ અને ત્યાં પણ દિયા અવ્વલ રહી અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઉન્ડેશન દ્વારા દિયાની દુબઈ ખાતે 9 દેશો વચ્ચે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદગી થઈ હતી. જેમાં દિયા પટેલે એક નહી પણ ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આજે નવસારી પહોંચતા જ દિયા પટેલના ગામમાં હર્ષનો માહોલ જોવા મળ્યો હતો અને ગામ લોકોએ દિયાને તેની સિદ્ધિ બદલ હર્ષોલ્લાસ સાથે વધાવી લઈ ઉજ્વળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા.
જ્યારે ગોલ્ડ જીતીને આવેલી દીકરીને લઈ પિતાની છાતી ગદગદ થઈ છે. ખાસ કરીને હવે લોકો દિયાના પપ્પા તરીકે ઓળખશેની ખુશી પિતાને અધિક છે. રોજના સવારે અને સાંજે 3 - 3 કલાકની પ્રેક્ટિસ કરાવી દિયાનાં સપનાને સાકાર કરવામાં સહયોગ આપનાર માતા પિતાના આનંદનો પાર નથી અને ભારતને ગૌરવ અપાવનારી દીકરીના સપનાને સાકાર કરવા પૂરા પ્રયાસ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે.
દુબઈમાં 9 દેશો વચ્ચે રમાનારી સંયુક્ત ભારત ખેલ ફાઉન્ડેશન અને દુબઈ સરકાર તરફથી યોજાયેલી ચેમ્પિયનશિપમાં દિયાને પ્રારંભે વિવિધ દેશના ખેલાડીઓને જોઈ ડર લાગ્યો હતો, પણ પછી હિંમત કેળવી આત્મવિશ્વાસથી દોડ લગાવી અને 100 મીટર, 200 મીટર અને 400 મીટર ત્રણેયમાં અન્ય દેશોના ખેલાડીઓને પાછળ પાડી જીત મેળવી અને ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ પોતાના નામે કરી હેટ્રિક મારી હતી. દુબઈમાં જીત મેળવ્યા બાદ હવે દિયા ઓલમ્પિકમાં ભગા લેવાના સપના સાથે પોતાને તૈયાર કરી કરી રહી છે
દિયાની જેમ જ વાંકાલ ગામની હીર પટેલને નાનપણથી જ મેરેથોન દોડ જોઈને એથ્લેટ બનવાનું સપનું હતું. જેથી એની માતાએ તેને સપોર્ટ કર્યો અને ઉત્સાહ વધારવા સાથે દોડમાં આગળ વધે એવી આશાએ તાલુકાથી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવડાવ્યો હતો. શાળાના શિક્ષકે હિરમાં પણ દોડ માટેની ક્ષમતા પિછાણી અને તેને પણ દિયાની જેમ જ તાલીમ આપી મેરેથોન એટલે લાંબી દોડ માટે તૈયાર કરી હતી. હીર દીપેશ પટેલ પણ દુબઈમાં 1500 મીટર, 3 કિલોમીટર અને 5 કિલોમીટરની દોડ દોડી હતી. આકરો તાપ હોવા છતાં હિંમત કેળવી દોડેલી હીર પટેલે 5 મિનીટમાં 1500 મીટર, 10 મિનીટમાં 3 કિમી અને 20 મિનીટમાં 5 કિમીની દોડ પૂર્ણ કરી ત્રણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતાં. જેની કોચ ધર્મેશ પટેલની છાતી પણ ગર્વથી ફૂલી ગઈ હતી.
કોચ ધર્મેશ પટેલે પણ દુબઇની આકરી ગરમીમાં બંને ખેલાડીઓની તબિયત બગડે નહિ અને તેમને ડીહાઇડ્રેશનની સમસ્યા ન થાય એનું સતત ધ્યાન રાખ્યું હતું. કોચ ધર્મેશની આકરી તાલીમ અને માર્ગદર્શનમાં દુબઈનો આકરો તાપ પણ બંને દીકરીઓના મનોબળને હરાવી ન શક્યો અને દીકરીઓ ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ જીતીને ભારતને વિશ્વ ફલક પર નામના અપાવી છે.
માતા પિતાની હૂંફ અને પ્રેમ સાથે શિક્ષકની તાલીમ ભળતા ચીખલીની દિયા અને હીર બંને દીકરીઓએ નાની ઉંમરમાં વિશ્વ ફલક પર ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ જીતીને પોતાનું નામ ગુંજતું કર્યુ છે. ત્યારે સરકાર પણ આવા ખેલાડીઓને આર્થિક મદદ કરી પ્રોત્સાહિત કરે તો આવી અનેક ખેલ પ્રતિભા ગુજરાત અને ભારતનું ગૌરવ બની શકે છે.