સુરત/ગુજરાત : આજે પણ અનેક પરિવારો એવા છે, જેઓ દીકરીના જન્મને દુખદ ઘટના ગણાવે છે. પરંતુ સુરતના એક પરિવાર માટે દીકરીનો જન્મ ઉત્સાવનો પ્રસંગ લઈને આવ્યો છે. દિકરી વ્હાલનો દરિયો કહેવતને સુરતના પિતાએ સાર્થક કરી છે. પરિવારમાં પ્રથમ વાર લક્ષ્મીના અવતાર તરીકે ઓળખાતી દિકરીનો જન્મ થતા માતા-પિતા અને પરિવારજનોની ખુશીનો કોઇ પાર નથી. પરિવારમાં પહેલીવાર દિકરીનો જન્મ થતા પિતાએ અનોખી રીતે દિકરીને આવકારી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કિસ્સો સુરતનો છે. સામાન્ય રીતે વરઘોડો દીકરાના લગ્નનો નીકળતો હોય છે. ત્યારે આજે એક ખાસ વરઘોડો સુરતની એક દીકરી માટે નીકળ્યો હતો. જ્યાં એક પરિવારમાં દીકરીના જન્મને  ઉજવાયો હતો. આ પરિવારના ઘરે દીકરી જન્મતા જે પિતાએ ઢોલનગારાના નાદ સાથે દીકરીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એટલુ જ નહિ, પિતાએ સ્વાગત માટે કોઈ કચાશ રાખી ન હતી. ડિજેના તાલે દીકરીના આગમનને વધાવાયું હતું. દીકરી માટે ખાસ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમા તેમના સંબંધીઓ, મિત્રો તથા પાડોશીઓને આમંત્રિત કરાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્નેહીઓ એકઠા થયા હતા, અને દીકરીનું આવુ સ્વાગત જોઈને આશ્ચર્ય પામ્યા હતા. 


સમાજમાં બેટી બચાવોનુ મહત્વ સમજાવવા માટે સુરતના પરિવારે જ પહેલ કરી છે તે અનોખી છે. પિતાએ દીકરીના જન્મને લક્ષ્મીનો અવતાર ગણાવ્યો હતો. પિતાએ કહ્યુ કે, અમારા પરિવારમાં દીકરી જન્મતા જ મારી ખુશીનો કોઈ પાર રહ્યો નથી. હું ધૂમધામથી મારી દીકરીને મારા ઘરે લઈ જઈ રહ્યો છું. મારા ઘરે લક્ષ્મીજી આવ્યા છે, તેથી તેનું સ્વાગત મેં આવી ધામધૂમથી કર્યું હતું. તો બીજી તરફ જ્યારે હોસ્પિટલમાંથી બહાર નીકળેલી પત્ની માટે આ સમગ્ર આયોજન એકદમ સરપ્રાઈઝ રાખવામાં આવ્યું હતું, તેથી તે પણ આ ઉજવણી જોઈને દંગ રહી ગઈ હતી. જોકે પોતાની દીકરીનું આવુ સ્વાગત જોઈને માતાના ચહેરા પર તેની ખુશી સ્પષ્ટ ઝળકાઈ આવતી હતી. 


તો બીજી તરફ, વરઘોડા બાદ દીકરીનો શાનદાર રીતે ગૃહપ્રવેશ કરાયો હતો અને શોભાયાત્રામાં સામેલ થનારા તમામ લોકોને નાસ્તો આપવામાં આવ્યો હતો. દીકરીના સ્વાગત માટે આખી સોસાયટીમાં સજાવટ કરવામાં આવી હતી. સોસાયટીના દરેક આંગણે રંગોળી પાડવામાં આવી હતી. તેમજ દીકરીને જે ગાડીમાંથી હોસ્પિટલમાંથી લાવવામાં આવી હતી, તેને પણ લગ્નમાં વરરાજાની ગાડી હોય તેમ સજાવાઈ હતી.