હાર્દિકના સમર્થનમાંપાટીદારોએ કાઢી સદભાવના યાત્રા, ઉમિયા સંસ્થાએ આંદોલનને આપ્યું સમર્થન
ઉમિયા માતા સંસ્થાના મંત્રી દિલીપ પટેલે કહ્યું કે, ઊંઝા ઉમિયા માતા સંસ્થા એક કરોડથી વધુ પાટીદારોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં જે પણ નિર્ણય લેવામાં આવે છે તેની સીધી અસર થાય છે.
ઊંઝાઃ હાર્દિક પટેલ પાટીદાર અનામત અને ખેડૂતોની દેવા માફીને લઈને અમદાવાદમાં આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે પાટીદાર સંસ્થાઓએ પણ હાર્દિકને સમર્થન આપ્યું છે. ઊંઝા ઉમિયા માતા સંસ્થાએ ખેડૂતોની દેવા માફી અને અનામત મુદ્દે સમર્થન આપવાની જાહેરાત કરી છે. આજે રવિવારે સવારથી પાટીદાર સમર્થન યાત્રા પાટણથી નીકળી હતી જે ઊંઝા ઉમિયા માતાના મંદિર પુરી થઇ હતી. ત્યાર બાદ પાસના નેતા અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ઔપચારિક બેઠક યોજાઇ હતી. જેમાં ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામતના મુદ્દે ચર્ચા થઇ હતી. ચર્ચા બાદ ઊંઝા ઉમિયા માતા સંસ્થાનના મંત્રી દિલીપ પટેલે ખેડૂત દેવા માફી અને અનામત મુદ્દે સંસ્થાનનું સમર્થન આપતું નિવેદન આપ્યું હતું.
ઉમિયા માતા સંસ્થાના મંત્રી દિલીપ પટેલે કહ્યું કે, ઊંઝા ઉમિયા માતા સંસ્થા એક કરોડથી વધુ પાટીદારોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં જે પણ નિર્ણય લેવામાં આવે છે તેની સીધી અસર થાય છે. ત્રણ વર્ષ પહેલા અનામત આંદોલનને સંસ્થાએ સમર્થન આપ્યું હતું. હાલમાં સંસ્થાની મળેલી બેઠકમાં ખેડૂતોની દેવા માફી અને પાટીદાર અનામતને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
ખેડૂતોની દેવા માફીનો મુદ્દો હજારો પાટીદારોને અસર કરે છે તેથી આ બંન્ને મુદ્દે સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. બેઠકમાં ખેડૂતોની દેવા માફી મુદ્દે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને સરકારને પણ રજૂઆત કરવામાં આવશે.
અમદાવાદમાં આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દિકને સમર્થન આપવા માટે પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી 31 કિમી લાંબી સદભાવના પદયાત્રા શરૂ થઈ હતી. જે યાત્રા સાંજે ઉમિયા માતા મંદિરે પહોંચી હતી. આ યાત્રામાં 10 હજારથી વધુ લોકો જોડાયાનો પાસે દાવો કર્યો હતો.