સુરતઃ મહિલા હોમગાર્ડના શોષણ મામલે બે અધિકારીઓ સસ્પેન્ડ
શુક્રવારે હોમગાર્ડમાં ફરજ બજાવતી 24 મહિલાઓએ પોલીસ કમિશનર કચેરી ખાતે ફરિયાદ નોંધાવી હતી.
સુરતઃ મહિલા હોમગાર્ડના શોષણના મામલે જવાબદાર 2 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. હોમગાર્ડ વિભાગ ગાંધીનગરથી કાર્યવાહી કરતા સોમનાથ ગહેરવાર અને ભાવના કંથારિયાને સસ્પેન્ડ કરાયા છે. ઉલ્લેખનીય છે કે આ 24 મહિલા હોમગાર્ડ કર્મચારીએ અસભ્ય વર્તન, શારીરિક શોષણ અને નોકરી પર હેરાનગતિનો આક્ષેપ કર્યો હતો.
મહત્વનું છે કે, શુક્રવારે સુરત હોમગાર્ડમાં ફરજ બજાવતી 24 જેટલી મહિલાઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી. આ તમામ મહિલાઓએ ઉપરી અધિકારીઓ પર શારીરિક-માનસિક હેરાનગતિની ફરિયાદ કરાઇ હતી. આ તમામ મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે, ફરિયાદ દરમિયાન અમને ગમેં ત્યાં ટચ કરવામાં આવે છે. આ સાથે અમને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે છે.
આ સાથે મહિલાઓએ આરોપ લગાવ્યો કે, ફરજ પર હોઈએ ત્યારે કમાન્ડિંગ ઓફિસર તેમને સ્પર્શ કરે છે. આ સાથે મહિલાઓએ ફરિયાદ કરી કે, તેમને ઘરકામ માટે પણ બોલાવવામાં આવે છે. આ તમામ મહિલા હોમગાર્ડની ફરિયાદને આધારે સરકારે કાર્યવાહી કરતા બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.