`MLA આવે ત્યારે કલેક્ટરે ઉભા થવું અને...`, મેવાણીનો પ્રોટોકોલ શીખવાડતો વીડિયો વાયરલ થતાં મોટો વિવાદ
જીગ્નેશ મેવાણીએ 6 દિવસ અગાઉ અધિક કલેકટરને કરમાવત તળાવમાં પાણીના મુદ્દે રજુઆત કરી હતી. રજુઆત દરમિયાન ધારાસભ્યનો નિવાસી કલેક્ટરને પ્રોટોકોલ સમજાવતો વિડિયો વાયરલ થતા ગુરુ બ્રાહ્મણ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.
અલ્કેશ રાવ/બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતીથી વિજય મેળવ્યો છે. કોંગ્રેસ અને AAPને પછાડીને ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો મેળવીને ઐતિહાસિક જીત હાંસલ કરી છે. તેવામાં કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીનો એક વીડિયો હાલ ચર્ચામાં આવ્યો છે. કારમી હાર બાદ પણ જીગ્નેશ મેવાણી જનતા માટે કામ કરતા જોવા મળી રહ્યા છે.
વાયરલ વીડિયો બાદ વડગામના ધારસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ વધુ એક આવેદનપત્ર અપાયું છે. બનાસકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજે કલેકટરને આવેદન આપ્યું છે. જીગ્નેશ મેવાણીએ 6 દિવસ અગાઉ અધિક કલેકટરને કરમાવત તળાવમાં પાણીના મુદ્દે રજુઆત કરી હતી. રજુઆત દરમિયાન ધારાસભ્યનો નિવાસી કલેક્ટરને પ્રોટોકોલ સમજાવતો વિડિયો વાયરલ થતા ગુરુ બ્રાહ્મણ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. જીગ્નેશ મેવાણી મહિલા અધિક કલેકટરની માફી માંગે તેવી ઉઠી માંગ ઉઠી રહી છે.
મહિલા અધિકારીને પ્રોટોકોલ સમજાવતો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણી કલેકટરને તેમની ફરજ સમજાવતા જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જીગ્નેશ મેવાણી મહિલા કલેકટરને જણાવે છે કે, એક ધારાસભ્ય વિઝિટ કરે તો તમારે ઉભા થવું જોઈએ અને તેમને વેલકમ કરવું જોઈએ અને તે બેસે પછી બેસવું, એ ગેટ સુધી લેવા આવવું અને જગ્યા છોડે ત્યારે તેમને છોડવા આવવું આ એક પ્રોટોકોલ છે.
મહત્વનું છે કે, જીગ્નેશ મેવાણીના આ વીડિયોને જોતા લોકો દ્વારા અનેક સારી ખરાબ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. જેમાં કેટલાક લોકો જીગ્નેશ મેવાણી પર પ્રહાર કરતા MLAનો પાવર બતાવતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.