બુરહાન પઠાણ/આણંદ: તાલુકાના વડોદ ગામે રહેતા એક 08 વર્ષના બાળકનું નજીકમાં જ રહેતા આધેડે પૈસાની અદાવતમાં બાઈક પરથી અપહરણ કરીને વાસદ પાસેથી પસાર થતી મહિસાગર નદીએ લઈ જઈને નદીના પાણીમાં ડુબાડીને હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે વાસદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદ ગામના ચાવડાવાળા ફળિયામાં રહેતા દિનેશભાઈ વિનુભાઈ રાઠોડ મોગરની વ્રજભૂમિ હાઈસ્કૂલની સ્કૂલ બસ ઉપર ડ્રાઈવિંગ કરીને જીવન ગુજરાન ચલાવે છે. તેમના ત્રણ સંતાનો મોટી પુત્રી કુંજલ (ઉ.વ. 12), વિરાજ (ઉ.વ. 10) અને નયન (ઉ.વ. 08) ગઈકાલે બપોરના સુમારે ઘરની બહાર રમી રહ્યા હતા. ત્યારબાદ નયન મારે રમવું નથી, તેમ જણાવીને ઘરમાં જઈને પાણી પી સેન્ડલ પહેરીને ફળિયામાં જતો રહ્યો હતો. ત્યારથી તે ગુમ થઈ જવા પામ્યો હતો.


ગુમ થયેલા બાળકની મોડી રાત સુધી શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ મળી આવ્યો નહોતો. જેથી સવારે દિનેશભાઈએ વાસદ પોલીસ મથકે આવીને પુત્રના ગુમ થયાની પોલીસને જાણ કરતાં જ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી અને ઘરના તેમજ ફળિયાના રહીશોના નિવેદનો લીધા હતા જેમાં નજીકમાં જ રહેતા કનુભાઈ જશભાઈ ચાવડાની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે તેની આકરી પુછપરછ કરતાં તેણે જ નયનની હત્યા કરી નાંખી હોવાની કબુલાત કરી હતી.


બાળકનો હત્યારો કનુભાઈ ચાવડાએ થોડા સમય પહેલા નયનના દાદા પાસે ત્રીસ હજાર ઉછીના માંગ્યા હતા. પરંતુ તેમણે હમણાં મારી પાસે પૈસા નથી તેમ જણાવતાં કનુભાઈ ચાવડા ગુસ્સામાં હતો. દરમ્યાન બપોર ત્રણેક વાગ્યાના સુમારે નયન ફળિયામાં રમી રહ્યો હતો ત્યારે કનુભાઈ ચાવડા બાઈક લઈને ત્યાં પહોંચી ગયો હતો અને નયનને બાઈક પર બેસાડીને વાસદ પાસે આવેલી મહિસાગર નદીના ઝાડી-ઝાંખરાવાળી જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં પાણીમાં ધક્કો મારીને તેને હાથથી ડુબાડીને મારી નાંખ્યા બાદ બાઈક પર પરત આવી ગયો હતો. 


આ કબુલાતના આધારે પોલીસની ટીમ તેને લઈને વાસદ મહિસાગર નદીએ પહોંચી ગઈ હતી અને નયનની લાશનો કબ્જો કરીને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. એક તરફ નયનનો પરિવાર અને ફળિયાના લોકો નયનની શોધખોળમાં લાગી જવા પામ્યા હતા. જ્યારે બીજી તરફ કનુભાઈ ચાવડા જાણે કે કશુંય થયુ નથી તેમ વર્તતો હતો. પોલીસે તેની અટકાયત કરીને ખરેખર પૈસાની લેતીદેતી બાબતે જ હત્યાને અંજામ અપાયો છે કે કેમ તે અંગે વિસ્તૃત પુછપરછ કરાઈ રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube