વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટરનો ફરી મોટો `કાંડ`; લારીધારકે કર્યા એવા આક્ષેપો કે મચ્યો ખળભળાટ
એટલું જ નહીં, લારી ચાલક યુવકે વીડિયોમાં જણાવ્યું છે કે તેઓએ મને એક કાર્ડ આપીને ઘરે મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ હું કાર્ડ લઈને તેમના ઘરે પહોંચતા મારો ફોન બહાર મુકાવી ઘરની અંદર પ્રવેશ આપ્યો અને અંદર છાયાબેન ખરાદીએ મને કહ્યું હતું કે લારી મુકવી હોય તો 1 હજાર આપવા પડશે.
રવિ અગ્રવાલ/વડોદરા: શહેરના ભાજપના મહિલા કોર્પોરેટર છાયાબેન ખરાદી ફરી વિવાદમાં આવ્યા છે. કારેલીબાગ અમિત નગર નજીક લારી ચલાવતા યુવકને લારી ઊભી રાખવા છાયા ખરાદીએ એક હજાર માગ્યા હોવાના આક્ષેપ કરતો વિડીયો વાઇરલ થયો છે. લારીધારકે વોર્ડ. 3ના ભાજપ કોર્પોરેટર છાયાબેન ખરાદી પર ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચ્યો છે. તેમણે જણાવ્યું કે ભાજપના મહિલા કોર્પોરેટર છાયાબેન ખરાદી લારી પર આવીને કોઈ કાર્યક્રમ માટે નાસ્તો લઈ ગયા હતા, તેઓએ મારી પાસે 1000 રૂપિયા માંગ્યા હતા, પરંતુ મેં આપ્યા નહોતા. તેમને રૂપિયા ન આપતા તેઓએ લારી ઉઠાવડાવી લેવાની ધમકી આપી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરના કારેલીબાગ અમિત નગર નજીક લારી ચલાવતા એક યુવકે ભાજપના મહિલા કોર્પોરેટર છાયાબેન ખરાદી પર લારી ઊભી રાખવા એક હજાર માગ્યા હોવાના આક્ષેપ કર્યો છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં લારી ચાલક યુવક મહિલા કોર્પોરેટર પર આરોપ લગાવતા જણાવી રહ્યો છે કે 2 મહિના પહેલા વોર્ડ.3ના ભાજપ કોર્પોરેટર છાયાબેન ખરાદી મારી લારી પર આવ્યા હતા અને તેઓએ મને ધમકાવીને કહ્યું હતું કે તે અહીંયા કોને પૂછીને લારી લગાવી છે તેમ કહીને ધમકાવ્યો હતો.
એટલું જ નહીં, લારી ચાલક યુવકે વીડિયોમાં જણાવ્યું છે કે તેઓએ મને એક કાર્ડ આપીને ઘરે મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ હું કાર્ડ લઈને તેમના ઘરે પહોંચતા મારો ફોન બહાર મુકાવી ઘરની અંદર પ્રવેશ આપ્યો અને અંદર છાયાબેન ખરાદીએ મને કહ્યું હતું કે લારી મુકવી હોય તો 1 હજાર આપવા પડશે.
લારી ચાલક યુવકે વીડિયોમાં પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, અગાઉ પણ ભાજપના મહિલા કોર્પોરેટર છાયાબેન ખરાદી લારી પર આવીને કોઈ કાર્યક્રમ માટે નાસ્તો લઈ ગયા હતા. પરંતુ મેં રૂપિયા આપ્યા નહોતા. રૂપિયા માંગવા ઘરે ગયો તો માત્ર 100 રૂપિયા આપ્યા હતા. વધુ રૂપિયાની માંગણી કરતા તેઓએ લારી ઉઠાવડાવી લેવાની ધમકી આપી આપી હતી, અને ધમકી આપતા જણાવ્યું હતું કે 1000 રૂપિયા નહિ આપે તો ધંધો બંધ કરાવી દઈશ.
આ ઘટના અંગે છાયાબેન ખરાદીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, આજુબાજુની સોસાયટીના લોકોએ મને રજૂઆત કરતા હું ત્યાં ગઈ હતી અને મેં કોઈ રૂપિયાની માંગણી કરી નથી. અગાઉ મેં નાસ્તો લીધો હતો તેના રૂપિયા પણ મેં ચૂકવી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube