વડોદરા દુષ્કર્મ કેસમાં આખરે પીડિતાને મળ્યો ન્યાય, કોર્ટે આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા
વડોદરા ચકચારી ગેંગરેપ કેસમાં આખેર પીડિતાને આજે ન્યાય મળ્યો. શહેરના નવલખી મેદાનમાં થયેલા ગેંગરેપમાં યુવતી સાથે ખરાબ કૃત્ય કરનાર બંને આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે
રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરા ચકચારી ગેંગરેપ કેસમાં આખેર પીડિતાને આજે ન્યાય મળ્યો. શહેરના નવલખી મેદાનમાં થયેલા ગેંગરેપમાં યુવતી સાથે ખરાબ કૃત્ય કરનાર બંને આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વડોદરા કોર્ટમાં આજે સુનાવણી દરમિયાન આરોપી કિશન માથાસુરિયા અને જશો સોલંકીને પોસકોની કલમ 6/1 હેઠળ આરોપી દોષિત ઠેરાવ્યા હતા અને ત્યારબાદ કોર્ટ દ્વારા બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જો કે, 6/1 ની કલમમાં ફાંસીની સજાની જોગવાઈ છે. ત્યારે ખાસ સરકારી વકીલે બંને નરાધમોને ફાંસી આપવાની માંગ કરી છે.
28 નવેમ્બર 2019 ના દિવસે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ થયું હતું. વડોદરાના નવલખી મેદાનમાં સગીરા તેના મંગેતર સાથે બેઠી હતી તે દરમિયાન બંને આરોપી કિશન માથાસુરિયા અને જશા સોલંકી ત્યાં આવી પહોંચ્યા હતા. આ બંને આરોપીઓએ સગીરાના મંગેતરને માર માર્યો અને ત્યારબાદ સગીરાને ઝાડી-ઝાંખરામાં ઢસડી જઈને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. જો કે લાંબો સમય વડોદરા પોલીસ આ કેસમા તપાસ કરી રહી હતી, પણ કંઈ હાથ લાગ્યુ ન હતુ. આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડીને વડોદરા પોલીસના હવાલે કર્યા હતા.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે બનાવને રેરેસ્ટ ઓફ ધી રેર ગણી આરોપીઓને ફાંસીની સજા આપવા લેખિતમાં રજુઆત કરી હતી. બંને પક્ષોની દલીલો પૂર્ણ થતાં સ્પેશિયલ કોર્ટ આજે વર્ચ્યુઅલ ચુકાદો આપ્યો હતો. સ્પોશિયલ કોર્ટના ન્યાયધિશ આરટી પંચાલે બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને ત્યારબાદ કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
ઉલ્લેખનીય છે કે, 28 નવેમ્બરના રોજ 14 વર્ષની સગીરા પર બંને નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા તેના મંગેતરને મળવા માટે નવખલી પાસે આવી હતી. બંને આરોપીઓ વડોદરા આવીને ફુગ્ગો વેચવાનું કામ કરતા હતા. બંને એક વર્ષથી ઝૂંપડુ બાંધીને રહેતા હતા. પરંતુ તેમ છતાં બંને પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. ફુગ્ગા વેચતા કિશન પાસે ગેંગરેપ સમયે 2 મોબાઇલ હતાં. જે પૈકી સાદો મોબાઇલ પોલીસે કબજે કર્યો છે જ્યારે એક એન્ડરોઇડ મોબાઇલ શોધવા પોલીસે તેના ફૂટપાથના રહેઠાણે તપાસ કરી હતી. એનરોઇડ મોબાઇલમાં તે પોર્ન ફિલ્મ જોતો હોવાનો ખુલાસો થયો હતો.