વડોદરા શહેરને હોર્ડિંગ જંગલ થતું રોકવા તંત્રએ આપી જાહેરાત, પણ ઠેરઠેર જાહેરનામાનો ભંગ
વડોદરા શહેરમાં ચાર રસ્તા અને ટ્રાફિક જંક્શન પર હોર્ડિંગ્સના કારણે અકસ્માતના અનેક બનાવો બન્યા છે, જેના કારણે વડોદરા કોર્પોરેશને વર્ષ 2018માં ચાર રસ્તા અને ટ્રાફિક જંક્શન પર હોર્ડિંગ્સ અને બેનર લગાવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
રવિ અગ્રવાલ/વડોદરા: સ્માર્ટ સિટી હવે હોર્ડિંગ્સની સીટી બની ગઈ છે, કારણ કે શહેરમાં તમામ ચાર રસ્તાઓ અને ટ્રાફિક જંક્શન પર મસ્ત મોટા જાહેરાતના હોર્ડિંગ્સ લાગેલા જોવા મળી રહ્યા છે. વડોદરામાં ચાર રસ્તાઓ અને ટ્રાફિક જંક્શન પર કોર્પોરેશને હોર્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યા બાદ પણ તેનું પાલન થઈ રહ્યું નથી.
વડોદરા શહેરમાં ચાર રસ્તા અને ટ્રાફિક જંક્શન પર હોર્ડિંગ્સના કારણે અકસ્માતના અનેક બનાવો બન્યા છે, જેના કારણે વડોદરા કોર્પોરેશને વર્ષ 2018માં ચાર રસ્તા અને ટ્રાફિક જંક્શન પર હોર્ડિંગ્સ અને બેનર લગાવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. કોર્પોરેશને જાહેરાતના હોર્ડિંગ્સ ચાર રસ્તા, સર્કલ કે ટ્રાફિક જંક્શન પર 50 મીટરની ત્રીજ્યામાં ન લગાડવા જાહેરનામું બહાર પાડ્યું હતું, એટલું જ નહિ પણ ટ્રાફિકની સમસ્યા જોખમાય ન તે રીતે હોર્ડિંગ્સ લગાવવા આદેશ કર્યો હતો.
ઉપરાંત તમામ સર્કલના અંદરના ભાગે અને સર્કલની રેલીંગ પર હોર્ડિંગ્સ ન લગાવવા પણ આદેશ કર્યો હતો. પણ આજે કોર્પોરેશનના જાહેરનામાનો કોઈ અમલ થઈ રહ્યો નથી. વડોદરા શહેરમાં વિધાનસભા ચૂંટણીના પગલે દરેક ચાર રસ્તા, સર્કલ અને ટ્રાફિક જંક્શન પર વિવિધ રાજકીય પક્ષો, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ અને ખુદ કોર્પોરેશનના મસ્ત મોટા જાહેરાતના હોર્ડિંગ્સ લાગેલા છે. જેના કારણે વાહનચાલકોનું ધ્યાન હોર્ડિંગ્સ વાંચવામાં ભટકાય છે. જેથી અકસ્માતનો ભય રહેલો છે.
વડોદરાના એડવોકેટ શૈલેષ અમીને અનેકવાર ચાર રસ્તા, સર્કલ અને ટ્રાફિક જંક્શન પર લાગેલા હોર્ડિંગ્સ હટાવવા કોર્પોરેશનમાં રજૂઆત કરી છે. તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા નથી. પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતે પણ ચાર રસ્તા પર લાગેલા હોર્ડિંગ્સ દૂર કરવા માંગ કરી છે.
ક્યાં ક્યાં મહત્વના ચાર રસ્તા, સર્કલ કે ટ્રાફિક જંક્શન પર હોર્ડિંગ્સ લાગેલા છે તેની વાત કરીએ તો કાલાઘોડા સર્કલ, ફતેગંજ સેફ્રોન ટાવર ચાર રસ્તા, અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, કોર્પોરેશન કચેરી સામે, ગોત્રી યશ કોમ્પલેક્ષ ચાર રસ્તા, વૃંદાવન ચાર રસ્તા, એલ એન્ડ ટી વુડા સર્કલ, કોઠી ચાર રસ્તા અને તુલસીધામ ચાર રસ્તા.
ચાર રસ્તા, સર્કલ અને ટ્રાફિક જંક્શન પર લાગેલા જાહેરાતના હોર્ડિંગ્સ મામલે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે, ચાર રસ્તા પર લાગેલા હોર્ડિંગ્સ હટાવવા અધિકારીઓને આદેશ આપ્યા છે. સાથે જ કોર્પોરેશને હોર્ડિંગ્સ લગાવી ભૂલ કરી તે ફરી વખત ન થાય તેનું ધ્યાન રાખીશું તેવી વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશને બનાવેલા નિયમોનું ખુદ કોર્પોરેશન જ પાલન કરતી નથી, ત્યારે રાજકીય પક્ષો કે સામાન્ય નાગરિકો પાસે નિયમોનું પાલન કેવી રીતે કરાવશે તે સવાલ ઉઠી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube