હાર્દિક દીક્ષિત, વડોદરાઃ વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે અનેક કાર્યો કરવામાં આવે છે. પરંતુ પાન-મસાલા ખાઈને રસ્તા પર થુંકતા લોકો ગંદકી ફેલાવી રહ્યાં છે. પરંતુ હવે મહાનગર પાલિકાએ આવા લોકોને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. હવે વડોદરાના જાહેર માર્ગો પર થુંકતા પહેલાં લોકોએ સો વાર વિચાર કરવો પડશે. વડોદરા પાલિકાએ આ માટે દંડ ફટકારવાની કામગીરી શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે જાહેરમાં થુંકશો તો દંડ ભરવો પડશે
વડોદરા મહાનગર પાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પર થુંકતા લોકો વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. આ માટે પાલિકાની ટીમ સીસીટીવીની મદદ લઈ રહી છે. જે વ્યક્તિ થુંકતા સીસીટીવીમાં કેદ થશે તેના ઘરે દંડની નોટિસ મોકલવામાં આવશે. પાલિકા દ્વારા જુદા-જુદા 17 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. 


આ પણ વાંચો- માત્ર 500 રૂપિયા માટે મિત્રની કરી હતી હત્યા, 19 વર્ષ બાદ તમિલનાડુથી ઝડપાયો આરોપી


સીસીટીવીથી રખાશે નજર
વડોદરામાં જાહેર માર્ગો પર થુંકતા અને કચરો નાખતા લોકો પર નજર રાખવા માટે સિટી સિવિક સેન્ટરમાં 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી જાહેરમાં ગંદકી ફેલાવનાર લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. આવા લોકોને ઘરે દંડ ભરવા માટે નોટિસ મોકલવામાં આવી રહી છે. પાલિકા દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાં કર્મચારીઓ 24 કલાક નજર રાખી રહ્યાં છે. 


પાલિકાએ શરૂ કરી ઝૂંબેશ
વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં ગંદકી ફેલાવનાર સામે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. શહેરના ટ્રાફિક પોઈન્ટ પર આવેલા સીસીટીવી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યાં છે. જે વાહન ચાલકો રસ્તા પર થુંકશે તેના ફૂટેજના આધારે તેને ઘરે નોટિસ ફટકારવામાં આવશે. વડોદરા મનપાએ વાહન ચાલકોના માલિક સુધી પહોંચીને દંડ વસૂલવાનું પણ શરૂ કર્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube