Vadodara Corporation રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા મહાનગરપાલિકા સતત વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે વધુ એક વખત કોર્પોરેશનનો અંધેર વહીવટ સામે આવ્યો છે. કોર્પોરેશને 7 વર્ષ પૂર્વે તોડેલ વસાહતના રહીશોને વેરા બિલ બજાવી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં 7 વર્ષ પહેલાં કોર્પોરેશને અટલાદરા કલાલી રોડ પર આવેલી ભીમ તળાવ વસાહતને તોડી પાડી હતી. વસાહતમાં રહેતા તમામ લોકોને સર્વોદયનગર અને શાંતિનગરમાં બનેલા સરકારી આવાસ યોજનામાં મકાનો ફાળવી દેવાયા હતા. આટલા વર્ષોથી તમામ રહીશો શાંતિથી જીવન જીવતા હતા, પણ પાલિકાએ 400 લોકોને વર્ષ 2022-23 ના વેરા બજાવતા લોકો ડઘાઈ ગયા. જે જગ્યા પર લોકો રહેતા નથી, તે જગ્યાના વેરા લોકોને બજાવતા લોકોએ વિરોધ કર્યો છે. 


મહત્વની વાત છે કે હાલમાં ભીમ તળાવ વસાહતની જગ્યાએ કોર્પોરેશને બગીચો બનાવી દીધો છે, તો નાગરિકોને વેરા કેવી રીતે આપવામાં આવ્યા તેના પર સવાલો ઉઠી રહ્યા છે. કોર્પોરેશને ગરીબોને બગીચાની જગ્યાના 8000 થી 19000 સુધીના વેરા આપતાં લોકોએ કોર્પોરેશન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા. તેમજ સ્થાનિક લોકોએ કોર્પોરેશન પાસે વેરા બિલ પરત ખેંચે તેવી માંગ પણ કરી.



મહત્વની વાત છે કે, ભીમ તળાવ વસાહતના નાગરિકો હાલમાં જે સરકારી આવાસ યોજનામાં રહે છે ત્યાંના વેરા બિલ હજી સુધી પાલિકાએ નથી બજાવ્યા. પણ જ્યાં કોર્પોરેશને બગીચો બનાવી દીધો ત્યાંના વેરા બિલ લોકોને બજાવ્યા છે. જેને લઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તપાસના આદેશ આપ્યા છે, સાથે જ જો પાલિકાની ભૂલ હશે તો તેની સુધારાશે તેવું આશ્વાસન પણ આપ્યું છે.


ઉલ્લેખનીય છે કે કોર્પોરેશને વેરા વસૂલાત અભિયાન વેંગવતું બનાવ્યું છે, જેમાં અધિકારીઓ આડેધડ લોકોને વેરા બિલ બજાવતા હોવાનું સામે આવી રહ્યુ છે. ત્યારે વેરાની પઠાણી ઉઘરાણીમાં લોકોને માનસિક રીતે હેરાનગતિ કરવી કેટલી યોગ્ય તે સવાલ કોર્પોરેશનના અધિકારીઓ પર ઉઠી રહ્યા છે.