રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરાના સોની પરિવારના 6 સભ્યોના સામૂહિક આપઘાતના પ્રયાસ મામલે મોટો ખુલાસો થયો છે. જ્યોતિષીઓના ચુંગાલમાં ફસાઈ સોની પરિવારે આપઘાત કર્યાની માહિતી સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે સામૂહિક આપઘાત કેસમાં બચી ગયેલા સોની પરિવારના ભાવિન સોનીએ સમા પોલીસ સ્ટેશનમાં જ્યોતિષીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરિયાદમાં તેમને કહ્યું કે સ્વાતી સોસાયટીમાં આવેલું મકાન રૂપિયા 40 લાખમાં વેચવા માટે અને એક સાથે દેવું ચૂકવવા માટે પિતા નરેન્દ્રભાઇ જ્યોતિષીના ચક્કરમાં આવી ગયા હતા. જેમાં વડોદરા, અમદાવાદ અને રાજસ્થાન પુષ્કરના જ્યોતિષી સહિત 9 જ્યોતિષીઓએ વિધી, વાસ્તુદોષ, ઘરમાં ખાડો ખોદીને દાટેલું ધન કાઢવા માટે રૂપિયા 32.25 લાખ પડાવ્યા હતા. જ્યોતિષીઓના ભરોસે રહેલા પિતાએ મકાન બાનાખત પેટે અશોકભાઇ મિસ્ત્રી પાસેથી લીધેલા રૂપિયા 23.50 લાખ વાયદા મુજબ પરત આપી શકે તેમ ન હોવાથી પિતાના કહેવાથી પરિવારે ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતું.


આ પણ વાંચો:- ઘરનો મોભી નરેન્દ્ર સોનીએ જ બધાને ઝેર ભરેલું પીણું આપ્યું હતું, પછી પૌત્રને લઈને પલંગ પર સૂઈ ગયા હતા 


વડોદરાના ગોત્રી કેનાલ પાસે રહેતા જ્યોતિષી હેમંત જોષી મકાન વેચવાની આપેલી જાહેરાત વાંચીને પિતાનો સંપર્ક કર્યો હતો, ત્યાર બાદ તે ઘરે આવ્યો હતો. ઘરે આવેલા જ્યોતિષી હેમંત જોષીએ ઘરમાં તપાસ કરીને જણાવ્યું કે, તમને વાસ્તુદોષ નડે છે અને તમારા ઘરમાં ગુપ્ત ધન દાટેલું છે. જે ખાડો ખોદીને કાઢવું પડશે. તે માટેની વિધિ માટે 35 હજાર રૂપિયા લીધા હતા. ત્યાર બાદ હેમંત જોષીએ અમદાવાદના જ્યોતિષી સ્વારજ જોષીનો સંપર્ક કરાવ્યો હતો.


સ્વરાજ જોષી પણ ઘરે આવ્યો હતો. તેણે રસોડાની એક ટાઇલ્સ હટાવી ખાડો ખોદી તેમાંથી બે તાંબાના કળશ બહાર કાઢ્યા હતા. જે પૈકી એક કળશમાંથી સોનાના સિક્કા અને બીજા કળશમાંથી હાડકા નીકળ્યા હતા. સોનાના સિક્કા ભરેલ કળશ તિજોરીમાં મૂકી દીધો. જ્યોતિષી સ્વરાજે રસોડામાં બીજા 16 કળશ દટાયેલા હોવાનું જણાવતા પરિવાર ખુશ થઇ ગયો હતો. ધન ભરેલા 16 કળશ કાઢવા માટે રૂપિયા 13.50 લાખનો ખર્ચ થશે, તેમ જણાવતા મોભી નરેન્દ્રભાઇએ જના ફાઇનાન્સમાં મકાન ગીરવે મૂકી 15 લાખ રૂપિયાની લોન લીધી હતી.


આ પણ વાંચો:- આ જ્યોતિષીઓએ મળીને સોની પરિવારના રૂપિયા ખંખેરી કંગાળ બનાવ્યા, મોત સિવાય બીજો કોઈ રસ્તો ન રહ્યો


જે પૈકી રૂપિયા 8 લાખ આવાસ ફાઇનાન્સમાં ભરી દીધા હતા. બાકી વધેલા રૂપિયા 7 લાખ અને મકાન વેચાણના બાના પેટે મેળેલા રૂપિયા 7 લાખ મળીને કુલ રૂપિયા 14 લાખમાંથી રૂપિયા 13.50 લાખ જ્યોતિષી સ્વરાજને આપ્યા હતા. જે રકમ આપ્યા બાદ બીજા ત્રણ કળશ ભાડાના મકાનમાં ખાડો ખોદીને કાઢ્યા હતા. જે ત્રણ કળશ પૈકી એક કળશમાંથી માટી, બીજા કળશમાંથી હાડકાં અને ત્રીજા કળશમાંથી બે કિલો ચાંદી નીકળી હતી.


પહેલાં નીકળેલા સોનાના સિક્કા ભરેલા કળશમાંથી એક ચિઠ્ઠી લખી હતી કે, આ કળશ તળાવમાં પધરાવી દેવો. જેથી પિતા સોનાના સિક્કા ભરેલો કળશ પાણીમાં પધરાવી આવ્યા હતા. જ્યોતિષી સ્વરાજે બીજી વિધિ કરવા માટે બીજા રૂપિયા 9 લાખની માંગણી કરતા નરેન્દ્રભાઇએ બીજી વિધિ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. દરમિયાન ઘરે જ બેસી રહેતા નરેન્દ્રભાઇ સોનીએ અખબારોમાં આવતી જ્યોતિષીની જાહેરાતો જોઇને અમદાવાદના પ્રહલાદ નામના જ્યોતિષીનો સંપર્ક કર્યો હતો.


આ પણ વાંચો:- સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં સામે આવ્યું જ્યોતિષી કનેક્શન, 4 પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી


તેઓએ ઘરમાં વિધિ કરવા માટે 2 લાખ રૂપિયા લીધા હતા. જ્યોતિષી પ્રહલાદે તેઓના સાગરીત દિનેશને ઘરે મોકલ્યો હતો. દિનેશે ઘરમાંથી સાડા ત્રણ ફૂટનો સાપ કાઢીને બતાવ્યો હતો. જે સાપ દિનેશ પ્લાસ્ટિકના ડબામાં લઇને જતો રહ્યો હતો. બાદમાં જ્યોતિષી પ્રહલાદે પરિવારના મોભી નરેન્દ્રભાઇને જણાવ્યું કે, સાપના નિવારણ માટે રૂપિયા 7 લાખ જેટલો ખર્ચ થશે. જોકે, નરેન્દ્રભાઇ સાપની વિધિ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. 


ત્યારબાદ નરેન્દ્રભાઇ સોની અમદાવાદ રાણીપ વિસ્તારના જ્યોતિષી સમીર જોષી પાસે ગયા હતા. તેને પણ ઘરમાં ધન દટાયેલું હોવાનું જણાવ્યું હતું અને તેની વિધિ માટે રૂપિયા 5 લાખ લીધા હતા. સમીર જોષી વિધિ માટે ઘરે આવ્યો હતો. અને ઘરમાંથી ચાર કળશ દાટેલા કાઢ્યા હતા. જે પૈકી એક કળશમાંથી ચાંદી નીકળી હતી અને બાકીના ત્રણ કળશમાંથી હાડકાં નીકળ્યા હતા. હાડકાં ભરેલા કળશ જ્યોતિષી લઇ ગયો હતો.


આ પણ વાંચો:- વિદાય વેળાએ જ કન્યાનું થયું મોત, લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો


એક કળશમાંથી નીકળેલી ચાંદી વડોદરાના માંડવી ખાતે આવેલા જિંજુવાડીયા જ્વેલર્સની ત્યાં વેચતા સોની પરિવારને રૂપિયા 1.50 લાખ મળ્યા હતા. જ્યોતિષી સમીરે બીજી વિધિ કરવા માટે બીજા રૂપિયા 8 લાખ માગતા સોની પરિવારે આપ્યા ન હતા. તે બાદ વર્ષ-2019માં નરેન્દ્રભાઇ રાજસ્થાન પુષ્કર દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં એક જ્યોતિષી મળી જતાં તેઓને પોતાની આર્થિક સ્થિતી અંગે વાત કરી હતી. તે જ્યોતિષીએ વિધિ કરીને દેવામાંથી મુક્ત કરી દેવાની લાલચ આપી રૂપિયા 4 લાખ લીધા હતા.


જોકે, આ જ્યોતિષી વિધિ કરવા વડોદરા આવે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત નરેન્દ્રભાઇએ વડોદરાના પાણીગેટ આયુર્વેદીક ત્રણ રસ્તા પાસે સાહિલ વ્હોરા નામના જ્યોતિષીનો સંપર્ક કર્યો હતો. તેઓને વિધિ કરવા માટે રૂપિયા 3.50 લાખ આપ્યા હતા. સાહિલ વ્હોરા ઓગષ્ટ-2020માં ઘરે આવ્યો હતો. અને તેણે ઘરમાં ખાડો ખોદી 10 ચાંદીના સિક્કા તથા સન-1920ની સાલના ચલણી સિક્કાઓ કાઢીને આપ્યા હતા. જે સાહિલ વ્હોરા લઇ ગયો હતો.


આ પણ વાંચો:- ચૂંટણી પરિણામ જોઈ નટુભાઈએ એક બાદ એક પોતાની જાતને માર્યા 45 થપ્પડ, જુઓ Video


આ ઉપરાંત અમદાવાદના જ્યોતિષી વિજય જોષીનો સંપર્ક કર્યો હતો. તેને પણ ઘરમાં આવી વિધી કરવાના નામે ટુકડે-ટુકડે રૂપિયા 4 લાખ પડાવ્યા હતા. જ્યારે તેના અન્ય એક સાગરીત અલ્કેશ જોષી પણ વિધિ કરવા માટે ઘરે આવ્યો હતો. અને રસોડામાં ખાડો ખોદ્યો હતો. પરંતુ, કંઇ મળી આવ્યું ન હતું. આમ જ્યોતિષીઓ 32.25 લાખ રૂપિયા પડાવી લેતા પરિવાર દેવાદાર બની ગયો હતો અને છેવટે સામૂહિક આપઘાત કરવાનો વારો આવ્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના મોત થયા હતા અને 3 સભ્યો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.


સામૂહિક આપઘાત કેસમાં પોલીસે બે ગુના દાખલ કર્યા જેમાં 9 જ્યોતિષીઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો અને મૃતક નરેન્દ્ર સોની સામે પૌત્ર ને ઝેરી પદાર્થ પીવડાવવા ને લઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો. મહત્વની વાત છે કે સામૂહિક આપઘાત કેસમાં નરેન્દ્ર સોની, રિયા સોની અને પાર્થ સોની નું મોત થયું છે જ્યારે ભાવિન સોની, દીપ્તિ સોની અને ઉર્વશી સોની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જેમાં દીપ્તિ અને ઉર્વશી સોનીની હાલત ખુબ ગંભીર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube