કોરોના સામે નવુ શસ્ત્ર, યુવા તબીબને મોતના મુખમાંથી બહાર લઈ આવી ecmo થેરાપી
- 30 વર્ષીય ડો.વિશાલ કોરોના દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતે ખૂબ ગંભીર રીતે કોરોનાથી સંક્રમિત થયા હતાં.
- 40 દિવસનાં અંતે ડો.વિશાલ મોતને હાથ તાળી આપી આજે પુન: કોરોના દર્દીઓની સારવારમાં લાગી ગયાં
હાર્દિક દિક્ષીત/વડોદરા :કોરોનાની બિમારીમાં દર્દીની ગંભીર બની જતી પરિસ્થિતિ માટે હવે ઇકમો થેરાપી આશાનું નવું કિરણ લઇને આવી છે. કોરોના (corona virus) થી સંક્રમિત થઇ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતાં વડોદરાનાં યુવા તબીબને આ ઇકમો થેરાપી (ecmo therapy) એ નવું જીવન બક્ષ્યું છે.
દેશ અને ગુજરાતમાં હાલ કોરોનાનાં કેસો ખૂબ ઝડપથી વધી રહ્યાં છે. રોજેરોજ હજારોની સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યાં છે અને મોટી સંખ્યામાં દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પણ પામી રહ્યાં છે. આ તમામ વચ્ચે કોરોનાને કારણે ક્રિટીકલ થઇ જતાં દર્દીઓ માટે એક મેડિકલ થેરાપી આશાનું નવું કિરણ લઇને આવી છે. આ થેરાપીનું નામ ઇકમો થેરાપી છે. જેને વડોદરાનાં યુવા ડોક્ટર વિશાલ સરધારાને નવું જીવન બક્ષ્યું છે.
આ પણ વાંચો : કોરોના બાદ ચીનથી ફેલાયો વધુ એક ઘાતક વાયરસ, જે પુરુષોને બનાવે છે નપુંસક
30 વર્ષીય ડો.વિશાલ કોરોના દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતે ખૂબ ગંભીર રીતે કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા હતાં. તેમની હાલત એટલી હદે ગંભીર બની હતી કે, તેમનાં ફેફસાંએ કામ કરવાનું લગભગ બંધ કરી દીધું હતું. વડોદરાની સવિતા હોસ્પિટલમાં સતત 20 દિવસ સુધી સારવાર લીધાં બાદ પણ તેમની તબિયત સુધરવાને બદલે વધારે બગડી હતી. અને તેઓ મોતનાં મુખ સુધી પહોંચી ગયાં હતાં. પરંતુ આવા સમયે તેમની વ્હારે આવી સુરતનાં નિષ્ણાત તબીબોની એક વિશેષ ટીમ, કે જે ઇકમો થેરાપી થકી ડો.વિશાલને બચાવવામાં લાગી પડી. કોરોના સામે ઝઝૂમી રહેલાં ડો.વિશાલનાં ફેફસાં ખૂબ ક્ષતિગ્રસ્ત થઇ ગયાં હતાં. આ ઉપરાંત તેમનાં મગજની નસ, લીવર, આંતરડા સહિતનાં શરીરનાં ઘણાં અંગો પણ ખરાબ થઇ ગયાં હતાં. તેવામાં ઇકમો થેરાપી તેમનાં પર એપ્લાય કરવી ખૂબ કઠિન કામ હતું. તેમ છતાં ડો.વિશાલનું મક્કમ મનોબળ અને ડોક્ટરોનાં આત્મવિશ્વાસે ચમત્કાર કરી બતાવ્યો.
આ પણ વાંચો : પો. ઈન્સ્પેક્ટર પીજે પટેલે સચિવાલયના પાર્કિંગમાં ગાડીમાં જ આપઘાત કર્યો
ડો.વિશાલને ઇકમો થેરાપીથી સારવાર આપવામાં આવી અને તેમનાં કામ કરતાં બંધ થઇ ગયેલાં તેમનાં શરીરનાં ઓર્ગન પાછાં જીવંત બની કામ કરતાં થયાં અને 40 દિવસનાં અંતે ડો.વિશાલ મોતને હાથ તાળી આપી આજે પુન: કોરોના દર્દીઓની સારવારમાં લાગી ગયાં છે. પોતાને નવું જીવન મળતાં તે બદલ ડો.વિશાલે તેમને બચાવનારા તબીબોની ટીમનો આભાર વ્યક્ત કરવાની સાથે ઇકમો સારવાર થકી ક્રિટિકલ કોરોના દર્દીઓને બચાવવાનો સંકલ્પ કર્યો છે.
કોરોનાને કારણે મોતનાં મુખ સુધી ધકેલાઇ ગયેલાં ડો.વિશાલને સુરતનાં ડો.હરેશ વસ્તરપરા અને ડો.દિપક વિરડીયાની ઇકમો ટીમે બચાવી લઇ નવું જીવનદાન પ્રદાન કર્યું છે. આ થેરાપી હાલનાં સમયમાં ક્રિટિકલ દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. પણ આ સારવાર ખૂબ ખર્ચાળ હોવાથી સામાન્ય પરિવારને તે પરવડે તેમ નથી.
આ પણ વાંચો : આ 8 બોલિવુડ હીરોને સ્ત્રી જન્મ મળ્યો હોત તો આવા દેખાયા હોત, દીપિકા પતિને ઓળખવો મુશ્કેલ બનશે
કોરોનાનાં દર્દીઓને નવું જીવન બક્ષતી ઇકમો થેરાપી વધુ ખર્ચાળ હોવાથી ઇકમો ટીમનાં તબીબ ડો. હરેશ વસ્તરપરાનું કહેવું છે કે, સરકાર આ બાબતે આગળ આવી, ઇકમો થેરાપી વધુ સસ્તી બને તે માટેનાં પ્રયાસો કરે તે જરૂરી છે. જેથી કરીને સામાન્ય વ્યક્તિ પણ આ થેરાપી થકી કોરોના સામેનો જંગ જીતી શકે.