સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ, જો જો તમે પણ આવું દૂધ નથી પીતા ને!!!
યુરિયા ખાતર, તેલ, મિલ્ક પાવડર, શેમ્પુ સહીતની અલગ અલગ સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓને મિક્ષરમાં મિશ્રિત કરી ત્યારબાદ પાણી અને થોડું અસલ દૂધ ભેગું કરી દૂધ બનાવાતું હતું. આ ઉપરાંત આ ડુપ્લીકેટ અને ઝેરી દૂધના ફેટ વધુ આવતા હોવાથી તેનું વળતર પણ વધુ મળતું હતું.
જયેન્દ્ર ભોઇ, શહેરા: પંચમહાલના શહેરાથી સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેરા પાલિકાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે બાતમીના આધારે છટકું ગોઠવીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શહેરા નગરના મુખ્ય બજારમાં દિલીપ પરમાર નામનો શખ્સ છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી કનૈયા ડેરી ફાર્મ નામથી દૂધ દહીં છાસ અને અન્ય ડેરી પ્રોડક્ટ વેચવાનો ધંધો કરતો હતો. સાથે જ વધારાનું દૂધ અને માવો બનાવી હોલસેલ માર્કેટમાં વેચતો હતો.
કનૈયા ડેરી ફાર્મ આસપાસના વિસ્તારમાં ખુબ પ્રખ્યાત થઇ ચૂક્યું હતું. કારણ કે લોકોને સારું દૂધ માર્કેટ ભાવે મળતું હતું. લોકો દૂધની ગુણવત્તાથી આકર્ષાઈને અહીં દૂધ અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે લાઈનો લગાવતા હતા.પરંતુ લોકોને ક્યાં ખબર હતી કે તેઓ જે દૂધને આરોગ્યવર્ધક અને ગુણવત્તાયુક્ત માનીને પી રહ્યા છે તે તો ઝેર સમાન હતું.
શહેરાના મુખ્ય બજારમાં આવેલ મોકાની જગ્યામાં દુકાન હોવાથી ધંધો સારો ચાલતા ભેજાબાજ દિલીપના મનમાં વધુ કમાઈ લેવાની લાલચ જાગી અને ત્યારબાદ એટલે કે છેલ્લા એક દોઢ મહિનાથી શહેરામાં એક મકાન ભાડે રાખ્યું હતું. મકાન ભાડે રાખીને દિલિપે સફેદ દૂધનો કાળો કારોબાર શરુ કર્યો અને ઘરે જ દૂધ બનાવવાનું શરુ કર્યું. નકલી દૂધ બનાવવા માટે જે વસ્તુઓનો ઉપયોગ થતો હતો એ જાણીને તો આપના હોશ ઉડી જશે.
યુરિયા ખાતર, તેલ, મિલ્ક પાવડર, શેમ્પુ સહીતની અલગ અલગ સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓને મિક્ષરમાં મિશ્રિત કરી ત્યારબાદ પાણી અને થોડું અસલ દૂધ ભેગું કરી દૂધ બનાવાતું હતું. આ મિશ્રણ પાણીમાં નાખતા જ થોડી જ મિનિટોમાં નાની માત્રામાં તૈયાર કરેલ ઝેરી મિશ્રણ કેટલાય લીટર દૂધ મફતના ભાવમાં બનાવી અપાતું હતું. આ ઉપરાંત આ ડુપ્લીકેટ અને ઝેરી દૂધના ફેટ વધુ આવતા હોવાથી તેનું વળતર પણ વધુ મળતું હતું. અને લોકો પણ વખાણીને હોંશે હોંશે દૂધ અને તેની બનાવટો કનૈયા ડેરી ફાર્મમાંથી ખરીદતા હતા.
એક મહિના પહેલા મકાનમાં રહેવા આવ્યા બાદ નકલી દૂધ બનાવવવાનું શરુ કર્યાની માહિતી શહેરા નગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને મળી હતી, જેને આધારે એક છટકું ગોઠવીને આ વિભાગે દિલીપ પરમારના ઘરે ટિમ સાથે રેડ કરી હતી. જ્યાં નકલી દૂધ બનાવતા ઈસમોને પાલિકા ટીમે રંગે હાથ ઝડપી લીધા હતા અને સ્થળ પરથી મળેલ યુરિયા ખાતર, તેલ, દૂધનો જથ્થો અને ડુપ્લીકેટ દૂધ બનાવવા ઉપયોગમાં લેવાતી મિક્ષર શહિતની સામગ્રી જપ્ત કરી છે. મકાન તથા ડેરીને સીલિંગની કાર્યવાહી કરી હતી. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ ટીમે પણ ડુપ્લીકેટ દૂધ બનતી જગ્યાએથી દૂધ અને અન્ય વસ્તુઓ સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલી આપી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જો કે અહીં આ ચોંકાવનારા કથિત દૂધકાંડનો પર્દાફાશ તો થયો છે પરંતુ આ ડુપ્લીકેટ દૂધનો જથ્થો ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો? કેટલા સમય થી અને કેટલા લોકોને આ ઝેરી દૂધ પીવડાવવામાં આવ્યું અને આટલા લાંબા સમયથી કોની રહેમ નજર હેઠળ આ ગોરખધંધો ચાલી રહ્યો હતો તથા જાહેર આરોગ્ય સાથે ચેડાં માટે જવાબદાર કોણ? તે પણ તપાસ માંગી લે તેવો વિષય છે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube