વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં આજે સત્તા માટે જંગ, મતદારો નક્કી કરશે કોણ વહીવટ સંભાળશે
- 3 રાજ્યના 72 હજાર મતદારો આ ચૂંટણી માટે મતદાન કરશે. સુરત, રાજકોટ, મુંબઈ, જલગાંવ, અને કુક્ષી (મધ્યપ્રદેશ) થી મતદારો આવ્યા
- જે ટીમ વિજેતા બનશે તે ટીમ વડતાલ મંદિર અને તેના તાબાના મંદિરો સાથે નિ:શુલ્ક હોસ્પિટલ, સંસ્કૃત પાઠશાળા, ગૌશાળા વગેરેનો વહીવટ સંભાળશે
યોગીન દરજી/ખેડા :ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આજે ચૂંટણી યોજાશે. દેવ અને આચાર્ય પક્ષ વચ્ચે સત્તા મેળવવા માટે જંગ જામશે. સવારથી વડતાલ ટેમ્પલ બોર્ડ ઈલેક્શન માટે મતદાન શરૂ થયું છે. સાંજે 5.30 વાગ્યા સુધી મતદાન યોજાશે. 3 રાજ્યના 72 હજાર મતદારો આ ચૂંટણી માટે મતદાન કરશે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક મતદારો સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી માટે મતદાન કરશે. 16 માર્ચે પરિણામ જાહેર થશે.
વડતાલ મેનેજીંગ ટ્રસ્ટના સત્તાભાર માટે આજે મતદાન યોજાયું છે. જેમાં સવારથી જ મતદાતાઓની લાઈન લાગી છે. 10 પીએસઆઈ, 10 પીઆઈ સહિત 250 જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત અહી ખડકાયો છે. વડતાલના 32 બુથ મથકો પર 32 હજાર મતદાતાઓ મતદાન કરશે. જેના માટે સાંજે 5.30 સુધી મતદાન ચાલશે. આ માટે માસ્ક અને સેનેટાઇઝિંગ, તથા થર્મલગનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સાથે જ ઓક્સીમીટરથી મતદારના પલ્સ પણ ચેક કરાઈ રહ્યાં છે.
આ પણ વાંચો : જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ બાળક ધૈર્યરાજ માટે ગુજરાતના ખૂણેખૂણેથી મદદ આવી
વડતાલ સંસ્થામાં આસ્થા ધરાવતા 72 હજાર ભક્તો આજે મતદાન કરશે. જેના માટે વડતાલ સિવાય સુરત, રાજકોટ, મુંબઈ, જલગાંવ, અને કુક્ષી (મધ્યપ્રદેશ) થી મતદારો આવ્યા છે. આજે મતદાન બાદ 15 તારીખે મતપેટીઓ વડતાલ આવશે અને 16 તારીખે મત ગણતરી થશે. જે ટીમ વિજેતા બનશે તે ટીમ વડતાલ મંદિર અને તેના તાબાના મંદિરો સાથે નિ:શુલ્ક હોસ્પિટલ, સંસ્કૃત પાઠશાળા, ગૌશાળા વગેરેનો વહીવટ સંભાળશે.
આ પણ વાંચો : વિશ્વાસ ન થાય તેવો કિસ્સો રાજકોટમાં બન્યો, 13 વર્ષની કિશોરી પર 12 વર્ષના બે કિશોરોનું સામૂહિક દુષ્કર્મ
ઉલ્લેખનીય છે કે, વડતાલ બોર્ડના કુલ 7 પૈકીની 3 સીટ બિનહરીફ જાહેર થયેલ છે. સાધુ વિભાગમાં દેવ પ્રકાશ શ્રીદેવપ્રકાશદાસજી સ્વામી (ચેરમેનશ્રી) પાર્ષદ ઘનશ્યામ ભગત, અને બ્રહ્મચારી શ્રી પ્રભુતાનંદજી બિનહરીફ થયા છે. ગૃહસ્થ વિભાગના ચાર સભ્યો માટે મતદાન ચાલી રહ્યું છે. તો બીજી તરફ, સિદ્ધાંત પક્ષ દ્વારા બહિષ્કારની જાહેરાત કરતા શાંત ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે. સિદ્ધાંત પક્ષના ઉમેદવારો, ટેકેદારો કે તેમના ચૂંટણી એજન્ટો કોઈ ચૂંટણીમાં ભાગ નહીં લે. આ વિશે સિદ્ધાંત પક્ષના ઉમેદવાર નારણભાઈએ ZEE 24 કલાકને જણાવ્યું કે, તેઓએ સંપૂર્ણપણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જોકે, સત્તા કોના હાથમાં આવે છે તે તો 16 તારીખે જ માલૂમ પડશે.
આ પણ વાંચો : ઝીરો બજેટમાં તરબૂચની ખેતી કરીને વડોદરાના 2 ખેડૂતોએ 3 મહિનામાં લાખો કમાવ્યા