વૃદ્ધની આખા જીવનની જમા પૂંજી એક ઝટકે થઈ ગઈ ગાયબ, પાડોશી પર વધુ પડતો વિશ્વાસ રાખવો ભારે પડ્યો
ઇન્ટરનેટ અને ઓનલાઇન બેન્કિંગ (online banking) ના આ જમાનામાં પોતાના બેંક એકાઉન્ટ કે એ.ટી.એમ કાર્ડ ની માહિતી જો તમે તમારા અત્યંત નજીકના કે વિશ્વાસુ માણસ સાથે પણ શેર કરતા હોય તો ચેતી જજો. કારણ ક્યારેક આપનો વધુ પડતો વિશ્વાસ તમને ભાર સાબિત થઈ શકે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો વલસાડમાં સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધને તેના જ જુના પડોશીએ લાખો રૂપિયાનો ચૂનો લગાવી બેંક એકાઉન્ટ સફાચટ કરી દીધું. જેથી વૃદ્ધને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જોકે વલસાડ સાયબર પોલીસે ગણતરીના સમયમાં સુરતથી આ ફ્રોડના આરોપીની ધરપકડ કરી લીધી છે.
ઊમેશ પટેલ/વલસાડ :ઇન્ટરનેટ અને ઓનલાઇન બેન્કિંગ (online banking) ના આ જમાનામાં પોતાના બેંક એકાઉન્ટ કે એ.ટી.એમ કાર્ડ ની માહિતી જો તમે તમારા અત્યંત નજીકના કે વિશ્વાસુ માણસ સાથે પણ શેર કરતા હોય તો ચેતી જજો. કારણ ક્યારેક આપનો વધુ પડતો વિશ્વાસ તમને ભાર સાબિત થઈ શકે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો વલસાડમાં સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધને તેના જ જુના પડોશીએ લાખો રૂપિયાનો ચૂનો લગાવી બેંક એકાઉન્ટ સફાચટ કરી દીધું. જેથી વૃદ્ધને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જોકે વલસાડ સાયબર પોલીસે ગણતરીના સમયમાં સુરતથી આ ફ્રોડના આરોપીની ધરપકડ કરી લીધી છે.
વલસાડના ગુંદલાવમાં રહેતા ગોરધનભાઈ રાઠોડ નામના એક વૃદ્ધે લાંબા સમય બાદ પોતાનું બેંક એકાઉન્ટ ચેક કર્યું હતું. તેમના એકાઉન્ટમાં જમા કરાયેલીલાખો રૂપિયાની જમા પૂંજીની જગ્યાએ માત્ર એક હજાર રૂપિયાનું જ બેલેન્સ બચ્યું હતું. તે જાણીને તેમના હોંશ ઉડી ગયા હતા. તેમના જાણ બહાર તેમના બેંક એકાઉન્ટમાંથી કોઈ ભેજાબાજે રૂપિયા 3.23 લાખ રૂપિયાથી પણ વધુની રકમ બારોબાર ટ્રાન્સફર કરી દીધી હતી. આથી ઠગાઈનો ભોગ બનેલ ગોરધનભાઈ રાઠોડે વલસાડ સાયબર ક્રાઇમ (cyber crime) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને પોલીસ પણ વૃદ્ધની મદદે દોડતી થઈ હતી. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી હતી.
આ પણ વાંચો : મોબાઈલને તમારો માલિક નહિ, નોકર બનાવો : જૈન સમાજનુ અનોખું અભિયાન, પર્યુષણમાં ગેજેટ્સથી દૂર રહેવાનો ઉપવાસ
ગોરધનભાઈ રાઠોડના બેંક એકાઉન્ટમાંથી બારોબાર લાખો રૂપિયા ચાંઉ કરી જનાર સુરતના કુણાલ પવાર નામના આરોપીને સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જે હકીકત બહાર આવી છે તે જાણીને પોલીસની સાથે ખુદ ભોગ બનનાર ગોરધનભાઈ પણ ચોંકી ગયા હતા. કારણ કે બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ચાઉં કરનાર કોઈ અન્ય ભેજાબાજ નહિ, પરંતુ ગોરધનભાઈ રાઠોડનો પાડોશી જ નીકળ્યો હતો. થોડા વર્ષો અગાઉ ગોરધનભાઈ રાઠોડ સુરત રહેતા હતા. અને સુરતમાં આરોપી કુણાલ પવાર તેમની પાડોશમાં રહેતો હતો. ગોરધનભાઈને એટીએમ કાર્ડનો ઉપયોગ કરતા આવડતું ના હોવાથી તેણે પાડોશી કુણાલ પર વિશ્વાસ મૂક્યો હતો અને તેના દ્વારા એટીએમથી રૂપિયા ઉપાડતા હતા. આ બાદ ગોરધનભાઈ સુરતથી વલસાડ રહેવા આવ્યા હતા. પરંતુ કુણાલ પવારના મનમાં લાલચ જાગી હતી. તેણે ગોરધનભાઈના એટીએમ કાર્ડ અને મોબાઈલનો ઉપયોગ કરી ડમી પેટીએમ વોલેટ બનાવ્યું હતું. ત્યારબાદ તે અવારનવાર ગોરધનભાઈમાં બેંક એકાઉન્ટમાંથી તેણે બનાવેલા ડમી પેટીએમ વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો.
આ પણ વાંચો : પોલીસ પણ મોઢામાં આંગળા મૂકી જાય તેવુ ક્રાઈમ, 12 વર્ષના ટેણિયાએ મોજશોખ માટે 4 વાહન ચોર્યા
આમ સાત મહિનામાં તેણે ધીરે ધીરે કરી કુણાલે 3.23 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી અને બારોબાર ઉપાડી લીધી હતી અને ખાતામાં માત્ર એક હજાર રૂપિયા જ બાકી રાખ્યા હતા. જોકે ગોરધનભાઈએ આ બેંક એકાઉન્ટ ચેક કર્યું ન હતું. સાત મહિના સુધી તેમના ખાતામાંથી ચોરીછૂપીથી થઈ રહેલા પૈસાના ટ્રાન્સફરની જાણ તેમને થઈ ન હતી. પરંતુ તેઓએ સાત મહિના બાદ એકાઉન્ટ તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. ગોરધનભાઈ સુરત રહેતા હતા ત્યારે ગોરધનભાઈના મકાનને વેચવામાં કુણાલે દલાલની ભૂમિકા ભજવી હતી. જેથી રાઠોડ પરિવાર કુણાલને મિત્ર તરીકે માનતા હતા. જેથી જ્યારે જ્યારે કુણાલ ગોરધનભાઈને તેનો મોબાઈલ માંગતો હતો, ત્યારે ભોળપણમાં ગોરધનભાઈ પોતાનો મોબાઈલ આ ચીટર કુણાલને આપતા હતા. તેમની આ જ ભોળપણનો દૂરુપયોગ કરી આરોપીએ વૃદ્ધ સાથે ફ્રોડ કર્યું હતું. જોકે વલસાડ પોલીસની સાયબર સ્પેશિયલ ટીમે કુણાલને સુરતના ઘોડદોડ રોડથી દબોચી લીધો છે.
આ પણ વાંચો : લવરિયાથી પીડાતા હોય તો તરત ડોક્ટરને બતાવો, નહિ તો દેવદાસ કરતા પણ ખરાબ હાલ થશે
વલસાડ પોલીસે આરોપી કુણાલની આગવી ઢબે પૂછપરછ કરતા વધુ ચોંકાવનારી હકીકત બહાર આવી હતી કે, આરોપી કુણાલ પવાર અગાઉ જુગારના ગુનામાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. તેનુ દેવું વધી જતા અને જુગારની લત લાગી જતાં તેણે શોર્ટકટમાં પૈસા બનાવવા અને જુગાર રમવા પોતાના જ જૂના પડોશીને ચૂનો લગાવવાનું પ્લાનિંગ કર્યું હતું. ડમી પેટીએમ વોલેટ બનાવીને આ કારસ્તાન કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
આમ દિવસેને દિવસે સાયબર ગુનાઓમાં તોંતિગ વધારો થઇ રહ્યો છે, ત્યારે પોલીસ પણ હવે આધુનિક ટેક્નોલોજીના સહારે સાયબર ગઠિયાઓને ઝડપી પાડવા સક્ષમ બની છે. વલસાડ સાયબર પોલીસ સ્ટેશનની શરૂઆત થઇને ગણતરીના સમયમાં જ તેમણે અનેક ગુનાઓના ભેદ ઉકેલી લીધા છે.