ઉમેશ પટેલ/વલસાડ :આપણે બધા જાણીએ છે કે બાબાસાહેબ આંબેડકરે ભારતનું બંધારણ બનાવ્યુ છે. બંધારણ દિવસ આવે એટલે આપણે આ વાતને યાદ કરીએ છીએ. પણ કોઈને ભારતનુ બંધારણ કેવુ છે, તેમાં કેવા હક અને અધિકારોનું વર્ણન કરાયુ છે તે વિશે માહિતી નથી. લોકો આ વિશે અજાણ છે. બાળકોમાં નાની વયે જ બંધારણનું શિક્ષણ આવે તે માટે ગુજરાતના આદિવાસી સમાજે પહેલ કરી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની પ્રાથમિક શાળાનાં બાળકોને બંધારણ ભણાવવાનો નવતર પ્રયોગ કરાયો છે. આદિવાસી પેઢીને અધિકારોથી વાકેફ કરવા મોટી ઢોલડુંગરી ગ્રામસભાએ ઠરાવ કર્યો હતો અને હાલ એ ભણતર શાળામાં અપાઇ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આદિવાસીઓ પોતાના હક માટે જાગૃત થાય અને ભારતીય બંધારણમાં આદિવાસીઓ સમુદાયને આપવામાં આવેલા અધિકારોથી આજની આદિવાસી પેઢી અવગત થાય તે હેતુથી સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષથી ભારતનું બંધારણ ભણાવવામાં આવી રહ્યુ છે. મોટી ઢોલડુંગરી ગ્રામ પંચાયતે રૂઢિગત ગ્રામસભામાં આ અંગે ઠરાવ કર્યો હતો. સંપૂર્ણ બહુલ આદિવાસી વિસ્તાર ધરાવતો ધરમપુર તાલુકાના અન્ય શાળાઓમાં પણ હવે આ પ્રયત્નો હાથ ધરાશે.



આદિવાસી નેતા કલ્પેશ પટેલ ગામના સાહસ વિશે જણાવે છે કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં આદિવાસી હક માટે સમુદાયને કેટલા બધા અધિકારો આપ્યા છે અને અનેક લાભકારી કાયદાઓ બનાવ્યા છે, તેની આજદિન સુધી અમને કોઈ જાણકારી જ ન હતી. ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ મને આ અધિકારોની જાણ થઈ. આદિવાસીની હવે પછીની પેઢી અત્યારથી જ તેમને બંધારણમાં મળેલા અધિકારો અને પોતાના હક પ્રત્યે જાગૃત થાય અને તેઓને સંપૂર્ણ જાણકારી મળી રહે તે હેતુથી મોટી ઢોલડુંગરી ગ્રામ પંચાયતે 14 માર્ચ, 2021 ના રોજ રૂઢિગત ગામસભામાં ઠરાવ કર્યો હતો. જે મુજબ હવે શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. 



મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ પટેલ કહે છે કે, શાળામાં ધોરણ 1 થી 8માં ભણતા તમામ બાળકોને અઠવાડિયામાં એક દિવસ, એક કલાક ભારતીય બંધારણ ભણાવવામાં આવે છે. ઠરાવ બાદથી શાળામાં બંધારણ ભણાવવાનું શરૂ કરાયુ હતું. હાલ બાળકો બંધારણ વિશે અભ્યાસ કરે છે. આ બાદ આ વિષય પર 10 જેટલા ગામોમાં ઠરાવ કરીને બંધારણના અભ્યાસ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.