નિલેશ જોશી/વાપી: વલસાડ જિલ્લાના વાપીમાં રહેતા એક શિક્ષિત વ્યક્તિએ ભગત ભુવા અને તાંત્રિકના ચક્કરમાં અંધવિશ્વાસથી પ્રેરાઇ અને તાંત્રિક પર વિશ્વાસ કરવો ભારે પડ્યો છે. કોરોના કાળમાં પરિવારમાં થયેલા માતા-પિતાના મોત કોઈ રોગને કારણે નહિ પરંતુ ઘરમાં પનોતી અને ભૂત પ્રેતના વાસના કારણે જ થયું હોય તેવું એક તાંત્રિકે ભરાવી દેતા તાંત્રિક વિધિના બહાને લાખો રૂપિયાની રોકડ રકમ અને સોના ના દાગીના મળી અંદાજે સાડા એકવીસ લાખથી વધારે ગુમાવવાનો વારો આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ભોગ બનેલાએ વહેલી તકે પોલીસનો સંપર્ક કરતાં વલસાડ જિલ્લા એલસીબીએ લોકોને ઘરમાં ભૂત પ્રેત અને ડાકણનો વાસ હોવાનો ડર બતાવીને વિધિના બહાને લાખો રૂપિયા એઠી લઈને એક કથિત તાંત્રિકની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. આ કથિત તાંત્રિકની આગવી ઢબે પુછપરછ હાથ ધરતાં આગામી સમયમાં આ તાંત્રિક ટોળકીએ આચરેલા અન્ય કારનામાઓ પણ બહાર આવવાની શક્યતા જોવાઇ રહી છે.


આ બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના વાપીના બલીઠાના આસ્થા આવાસ ત્રિવેણી સોસાયટીમાં રહેતા અને એક કારના શોરૂમમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા નિલેશ મેરવાન નામના એક વ્યક્તિના પરિવારમાં કોરોના સમયે પ્રથમ તેમના પિતાનું મોત થયું હતું અને ત્યારબાદ તેમના માતાનું પણ મોત નીપજ્યું હતું. પરિવારમાં થોડાક સમયમાં જ એક સાથે બે મોત થતાં પરિવારજનો આઘાતમાં હતા. એવા સમયે નિલેશ મેરવાનના મૃતક પિતાના મોબાઈલ પર રુદ્ર માલવીય મહારાષ્ટ્ર નામના એક વ્યક્તિનો ફોન આવ્યો હતો.


પોતે તાંત્રિક હોવાનું ફોન પર વાત કરતા રુદ્ર મહાલય મહારાજ નામના વ્યક્તિએ નિલેશ ભાઈને તેમના માતા પિતાનું મોત કોઈ રોગને કારણે નહીં, પરંતુ તેમના ઘરમાં ભૂત પ્રેત અને અન્ય મેલી વિદ્યાનો વાસ હોવાનો ડર બતાવ્યો હતો. રુદ્ર માલવીય નામના વ્યક્તિએ ફોન પર એ પણ જણાવ્યું હતું કે, જ્યારે નીલેશ મેરવાનના પિતા જીવિત હતા એ વખતે પણ તેઓએ તેમને ઘરમાં પ્રેતનો વાસ હોવાનું જણાવ્યું હતું. અને વિધિ કરવા કહ્યું હતું. પરંતુ તેઓએ ન માનતા ભૂત પ્રેત એ બંનેનો ભોગ લીધો હતો તેવો ડર બતાવ્યો હતો અને તેમના પિતાની જેમ હવે તેઓ પણ જો વિધિ નહીં કરાવે તો ઘરમાં વધુ એક સભ્ય નું મોત થશે. અને હવે પરિવાર માં પુત્રનું પણ ટૂંક સમયમાં મોત થશે તેવો ડર બતાવ્યો હતો.


જો ઘરમાં આવનાર આફતને રોકવી હોય તો હવે તાંત્રિક વિધિ કરાવવી જ પડશે. આવો પણ ઉપાય બતાવ્યો હતો. આથી થોડાક સમયમાં જ માતા પિતાને ગુમાવનાર નીલેશ મેરવાન એ હવે પરિવારના કોઈ અન્ય સભ્યનું મોત ન થાય તેવું ઇચ્છતા હતા. આથી આ ભગત ભુવા અને તાંત્રિકની વાતોમાં આવી અને વિધિ કરવા તૈયારી દર્શાવી હતી. 


આથી રુદ્ર મહારાજ અને તેમના અન્ય એક સાગરિત હજૂરનાથ ઉર્ફે કમલગીરી દાડમનાથ મદારી મહારાજ નામના બે કથિત તાંત્રિક ઘરે આવ્યા હતા. અને વિધિના બહાને અવારનવાર નિલેશ મેરવાન નામના વ્યક્તિ પાસેથી રોકડ સાડા 14 લાખ રૂપિયા પડાવ્યા હતા અને ત્યારબાદ દાગીના પર પણ વિધિ કરવી પડશે તેવું જણાવી અંદાજે સાડા સાત લાખની કિંમતના દાગીના અને રોકડ રકમ એક પેટીમાં મૂકી અને દીવા ધૂપ કર્યું હતું. અને ત્યારબાદ પરિવારજનોએ જણાવ્યું હતું કે, જો આ પેટી તેમને પૂછ્યા વિના ખોલશે તો દાગીના રાખ થઈ જશે અને તમામ દોલત ગુમાવવી પડશે તેવો પણ ડર બતાવ્યો હતો.


આથી પરિવારજનો થોડા દિવસ દાગીનાની પેટી ખોલી ન હતી. પરંતુ ત્યારબાદ પરિવારના સભ્યોને શંકા જતા તેઓએ પેટી ખોલતા અંદરથી દાગીના અને રોકડ રકમ ગાયબ હતી. આથી પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા તેઓએ તાત્કાલિક વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.


ફરિયાદ મળતા વાપી ટાઉન પોલીસ અને વલસાડ જિલ્લા એલસીબી પોલીસ આ ઠગ તાંત્રિકને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. અને ગણતરીના દિવસોમાંજ વલસાડ જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી. લોકોના ઘરમાં ભૂત પ્રેતની હાજરી હોવાનો ડર બતાવી અને તાંત્રિક વિધિના બહાને લાખો રૂપિયા પડાવતી કથિત તાંત્રિક ગેંગના હજૂરનાથ ઉર્ફે ગીરી દાડમનાથ મદારી મહારાજ નામના આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો. પકડાયેલ આરોપીની આગવી ઢબે પુછપરછ શરૂ કરતાં પોલીસને આગામી તપાસમાં આ તાંત્રિક ગેંગે આચરેલા અન્ય કારનામાઓના ભેદ પણ ઉકેલ આવવાની શકયતા જોવાઈ રહી છે..