છે આદિવાસી તાલુકાની નાનકડી સરકારી સ્કૂલ પણ કામ ઇન્ટરનેશનલ સ્કૂલને આંટે એવું
પીએમ મોદી ઘણા સમયથી ડિજીટલ ઇન્ડિયા માટે પ્રયાસ કરી રહ્યા છે
વાંસદા : દેશને ડિજીટલ બનાવવા માટે પીએમ મોદી મન કી બાતમાં અનેક વાર વાત કરી ચુક્યા છે અને તેઓ સતત લોકોને ડિજીટલ થવાની અપીલ કરી રહ્યા છે. તેમનું અનુસરણ કરી રહ્યું છે નવસારી જિલ્લાનું એક ગામ. અહીં મોદીના ડિજીટલ મંત્રને અપનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા ડિજીટલ ઇન્ડિયાને આગળ વધારવા માટે છેવાડાના ગામડાઓ પણ પ્રયાસ કરી રહ્યા છે. નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તાર વાંસદા તાલુકાનું એક ગામ છે જયાં સરકારી પ્રાથમિક શાળાના બાળકોને ડિજીટલ ટેકનોલોજીના માધ્યથી જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે.
કેસરી કેરીના ચાહકોને 440 વોટનો ઝાટકો લાગે એવા સમાચાર
પીએમ મોદી ઘણા સમયથી ડિજીટલ ઇન્ડિયા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે નવસારીના વાંસદા તાલુકામાં પીએમ મોદીનું સ્વપ્ન સાકાર થતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અહીંની સરકારી પ્રાથમિક શાળામાં બાળકો ડિજીટલ બની રહ્યા છે. આ સરકારી શાળામાં સ્માર્ટ બોર્ડ, VR BOX, ઈન્ટરનેટ, અને QR કોડની મદદથી વિદ્યાર્થીઓને ટેક્નોલોજીથી અવગત કરવામાં આવી રહ્યા છે. આ તમામ ટેક્નોલોજીની મદદથી વીડિયો પ્લે કરવા, ફોટાશોપ તેમજ 3D ટેક્નોલોજી અને DRONE કેમેરા ઓપરેટ કરવા સહિત તમામની અવનવી માહિતીઓ આપવામાં આવે છે.
શાળામાં ધોરણ 6થી 8ના બાળકો માટે એક રૂમ ગુગલ રૂમ બનાવવામાં આવ્યો છે.જેમાં સામાજિક વિજ્ઞાન વિષયના 400થી વધુ પ્રોજેક્ટ છે. રૂમમાં સ્માર્ટ બોર્ડ તથા ઈન્ટરનેટ સુવિધા છે, જેનો ઉપયોગ બાળકો જાતે કરે છે. સામાજિક વિજ્ઞાન વિષય માટે શાળાના આચાર્ય દ્વારા દરેક એકમના QR કોડ બનાવી બાળકોને આપેલા છે. બાળક રીસેસમાં શિક્ષકોના મોબાઈલથી આ કોડ સ્કેન કરે કે તરત એ પાઠનો વિડિયો જોવા માટે શાળામાં V R BOX છે જેથી બાળકો વિડિયોને આનંદથી નિહાળી જાતે અભ્યાસ મેળવે છે. વધુમાં શાળામાં આચાર્ય દ્વારા AR ટેકનોલોજીથી બાળકોને એક મગજનું તેમજ માનવ શરીરનું પ્રિન્ટ કરેલું પેજ પણ આપવામાં આવ્યું છે. શહેરની ખાનગી શાળા કરતા આ પ્રાથમિક શાળામાં બાળકોને આધુનિક રીતે આપવામાં આવતા શિક્ષણથી બાળકોની અભ્યાસ પ્રત્યે રૂચી વધી રહી છે અને બાળકો કંઇક નવું શિખવા તત્પર બને છે. કંઈક કરી બતાવવાની લગન અને દુરંદેશીતાના પરિણામે આ પ્રાથમિક શાળા ડિજીટલ ફલક પર પ્રસ્થાપિત થઇ છે ત્યારે આ શાળા રાજયની પ્રાથમિક શાળાઓ માટે ઉદાહરણ છે.