વાવમાં વટ અને વર્ચસ્વના લિટમસ ટેસ્ટમાં કદાવર નેતા શંકરભાઈ ચૌધરી પાસ, ગેનીબેન ગયા ફેલ
Geniben Thakor Vs Shankar Chaudhary : વાવ વિધાનસભાની પેટા ચૂંટણીએ ભાજપના નેતાઓના અસ્તિત્વની લડાઈ હતી. 15 રાઉન્ડ સુધી પાછળ રહેલા ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની છેલ્લા રાઉન્ડમાં રોમાંચક જીત થઈ છે અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 2,353 વોટથી ચૂંટણી હાર્યા છે. અપક્ષ માવજી પટેલને માત્ર 27 હજાર વોટ મળ્યા છે. ત્યારે આ જીત સાથે જ શંકરભાઈ ચૌધરીનો વટ પડ્યો છે
Vav Byelection 2024 : વાવ પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. વાવ પેટાચૂંટણીમાં ભાજપની જંગી જીત થઈ છે, અને કોંગ્રેસની હાર થઈ છે. આ પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં પણ ગેનીબેન અને ભાજપ વચ્ચે છે એવું પહેલેથી જ કહેવાઈ રહ્યું હતું અને આખરે શંકર ચૌધરીએ ગેનીબેનનો ખેલ પાડી દીધો છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે વાવ પેટાચૂંટણીમાં જંગી જીત મેળવી છે. વટ અને વર્ચસ્વની લડાઈમાં ભાજપ જીતી ગયું છે. વાવના રાજકારણના શંકર ચૌધરી લિટમસ ટેસ્ટમાં પાસ થઈ ગયા છે.
શંકર ચૌધરી લિટમસ ટેસ્ટમાં પાસ
30 વર્ષના ભાજપના શાસન વચ્ચે એક માત્ર વાવ બેઠકની પેટા ચૂંટણી એ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર માટે વટનો સવાલ તો વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરી માટે પણ લિટમસ ટેસ્ટ બની રહ્યો હતો. લોકસભા બાદ ગેનીબેન ઠાકોરની જીતે બનાસકાંઠામાં ભાજપના દિગ્ગજ નેતાઓની રાજકીય કારકિર્દી સામે સવાલ ઉભા કરી દીધા હતા. છેલ્લા કેટલાક સમયથી ગેનીબેને વાવ બેઠક પર ભાજપને ફાવવા દીધું નથી.
વાવ બેઠક પર મતદાનના આંકડા અને ટકાવારી
વર્ષ 2022 મતદાન 74.95%
કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા
અપક્ષના અમીરામ આસલને 27,346 મત મળ્યા હતા
ગેનીબેનની લીડ- 15,601
વર્ષ 2017 મતદાન 81.22%
કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,328 મત મળ્યા હતા
ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીને 95,673 મત મળ્યા હતા
ગેનીબેનની લીડ- 6,655
વર્ષ 2012માં શંકરભાઈ ચૌધરી થયા હતા વિજેતા
ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીને 72,640 મત મળ્યા હતા
કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 60,729 મત મળ્યા હતા
શંકર ચૌધરીની લીડ- 11,911
વર્ષ 2007માં શું હતી સ્થિતિ
ભાજપના ઉમેદવાર પરબત પટેલને 73,230 મત મળ્યા હતા
બીજા ક્રમે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલને 30,521 મત મળ્યા હતા
ત્રીજા ક્રમે કોંગ્રેસના વિક્રમભાઈ પીરાભાઈ રાજપૂતને 28,072 મત મળ્યા હતા
પરબત પટેલની લીડ- 42,709
વર્ષ 2002માં કોંગ્રેસને મળી હતી જીત
કોંગ્રેસના ઉમેદવાર હેમાજી દરઘાજી રાજપૂતને 70,228 મત મળ્યા હતા
ભાજપના ઉમેદવાર પરબત પટેલને 58,402 મત મળ્યા હતા
હેમાજી રાજપૂતની લીડ- 11,826
ગેનીબેને કારણે શંકર ચૌધરીને પોતાની સીટ બદલવી પડી હતી અને અન્ય બેઠક પરથી ચૂંટણી લડવી પડી હતી. પરંતું પેટાચૂંટણી શંકર ચૌધરી માટે લિટમસ ટેસ્ટ હતી. કારણ કે, શંકર ચૌધરીએ પોતાના માનીતા સ્વરૂપજી ઠાકોરને ટિકીટ અપાવી હતી. તો હવે સ્વરૂપજી ઠાકોર જીત્યા છે તો શંકરભાઈ ચૌધરીને જશ મળ્યો છે.
આમ, વાવ પેટાચૂંટણીમાં ઠાકોર સમાજ ભાજપ માટે હુકમનો એક્કો બન્યો છે. લોકસભાની ચૂંટણીના માત્ર 6 મહિના બાદ જ ભાજપે વાવમાં કોંગ્રેસને બહારનો રસ્તો બતાવી દીધો છે. આખરે ગેનીબેને પોતાનો ગઢ ગુમાવ્યો છે, અને ભાજપનો વાવમાં વનવાસ પૂરો થયો છે.
1967થી 2017 સુધીમાં યોજાયેલી 12 વિધાનસભા ચૂંટણીમાં 7 વાર કોંગ્રેસનો, 2 વાર ભાજપનો, જ્યારે અપક્ષ, સ્વતંત્ર પક્ષ અને જનતાદળનો એક-એકવાર વિજય થયો છે.
વાવમાં વટ પાડ્યા બાદ ઝી 24 કલાક પર પાટીલની સૌથી પહેલી પ્રતિક્રીયા, જાણો શું કહ્યું