સરકારને કરોડો રૂપિયાનું હુંડિયામણ ચૂકવતા વેરાવળ બંદરના માછીમારોની હાલત કફોડી
સરકારને કરોડોનું હુંડિયામણ ચૂકવતા માછીમારોની કફોડી પરિસ્થિતિ બની છે. હાલ મત્સ્ય ઉદ્યોગ મૃતપાય સ્થિતિમાં આવી ગયો છે. ગુજરાતની ૨૫ હજાર કરતા વધારે બોટ ધરાવતા બોટ માલિકો બેહાલ બન્યા છે. માછીમારી કરવા પૂરતા ખર્ચની જોગવાઈ ન હોવાને કારણે માછીમારો ચિંતાતુર બન્યા છે. સરકાર યોગ્ય સહાય આપે તેવી માછીમારોની માંગણી છે.
હેમલ ભટ્ટ/મોરી :સરકારને કરોડોનું હુંડિયામણ ચૂકવતા માછીમારોની કફોડી પરિસ્થિતિ બની છે. હાલ મત્સ્ય ઉદ્યોગ મૃતપાય સ્થિતિમાં આવી ગયો છે. ગુજરાતની ૨૫ હજાર કરતા વધારે બોટ ધરાવતા બોટ માલિકો બેહાલ બન્યા છે. માછીમારી કરવા પૂરતા ખર્ચની જોગવાઈ ન હોવાને કારણે માછીમારો ચિંતાતુર બન્યા છે. સરકાર યોગ્ય સહાય આપે તેવી માછીમારોની માંગણી છે.
બોટ એસોસિયેશનના પ્રમુખ તુલશી ગોહેલે જણાવ્યું કે, ગુજરાત ભરના માછીમારો અનેક સમસ્યાઓથી ગુજરી રહ્યા છે. ગુજરાતમાં 25 હજાર કરતા વધારે બોટ છે. જેમાં વેરાવળમાં જ 5 હજાર જેટલી બોટો છે. હાલના સમયમાં ૩૦% બોટો માછીમારી માટે જઇ ન શકે તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે. સીઝન ચાલુ હોવા છતાં પણ માછીમારની આર્થિક પરિસ્થિતિ ના હોવાને કારણે દરેક બંદરો પર બોટો થપ્પા લાગ્યા છે. ચાલુ વર્ષ દરમ્યાન શરૂઆતથી જ કુદરતી આફતો અને કોરોના મહામારીના કારણે માછીમારોની કમર તૂટી ગઇ છે. ત્યારે કરોડો રૂપિયા એક્સપોટર્સ પાસે અને સરકારમાં ફસાઇ જતા માછીમારો બેહાલ બની ગયા છે. કુદરતી આફતોની સાથે સરકારે પણ કમ્મર તોડ 21 ટકા વેટ ડીઝલ પર નાંખ્યો છે. જેથી માછીમારોને બેવડો માર પડી રહ્યો છે. તે સંપૂર્ણપણે હટાવી લેવામાં આવે અને એક્સાઇઝ ડ્યુટી આશરે રૂ.32 છે, તે દુર કરવામાં આવે તો ડીઝલ સસ્તુ થાય અને માછીમારો અને બોટ માલિકોને ખર્ચમાં થોડી રાહત થાય.
આ પણ વાંચો : ખુલાસો : ધમણ વેન્ટિલેટરને કારણે વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગી હતી
ઓલ ઈન્ડિયા સી ફૂડ એક્સપોર્ટરના પ્રમુખ જગદીશ ફોફંડીએ જણાવ્યું કે, કોરોના મહામારીને લઇ અન્ય ઉદ્યોગની જેમ મત્સ્ય ઉદ્યોગને પણ માઠી અસર પહોંચી છે. કારણ કે જે માલનો વિદેશમાં નિકાલ કરવામાં આવે છે તે પૂરતા પ્રમાણમાં થતો નથી. તેમજ વધુ પડતો મત્સ્ય ઉદ્યોગ ચાઇના પર આધારિત છે. હાલના સમયમાં એક્સપોર્ટ થયેલ માલનું વળતર યોગ્ય સમયે મળતું નથી. જેથી કરીને માછીમારોને પણ તેમનું વળતર ચૂકવવામાં વિલંબ થાય છે. તેમજ એપ્રિલથી લઇને જે સરકારમાં એક્સપોર્ટર્સના કરોડો રૂપિયા જમા છે તે તાત્કાલિક રિલીઝ થાય તો પણ બોટ માલિકો અને માછીમારોને સહાયરુપ થઇ શકાય.
આ પણ વાંચો : સિનીયર સિટીઝન્સને સસ્તામાં પ્લોટ આપવાનું કહી છેતરપીંડી કરનાર ભાવેશ જાની પકડાયો
એક બોટનો મહિનાની ટ્રીપનો 4 લાખ જેટલો ખર્ચ થાય છે
જ્યારે આ વર્ષે વિદેશમાં જતી માછલીઓની નિકાસ કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને અટકી ગઈ છે. તેની અસર માછલીઓના ભાવ પર પડતા ગત વર્ષેની સરખામણીમાં 60 ટકા થી 70 ટકાનો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે 2019ના માર્ચ મહિનામાં કોરોના લોકડાઉનનાં હિસાબે માછીમારોની ફીશીંગ બોટોને દરીયામાંથી પરત બોલાવી લીધી હતી અને અઢી મહિના વહેલી બોટોને કિનારે બોલીવી દેતા પરિણામે આર્થિક નુકશાન ભોગવવુ પડ્યું છે. જ્યારે આ વર્ષે 1 ઓગસ્ટથી માછીમારીની સીઝન શરૂ થયેલ હતી, ત્યારે બોટ માલિકોએ પોતાના પરિવારના દાગીના ગિરવે મૂકીને વ્યાજે રૂપિયા લઈને તેમજ કંપનીઓ પાસેથી એડવાન્સ પેમેન્ટ લઇને બોટો દરિયાઇ ખેડવા રવાના કરી હતી. પણ ખર્ચના પૈસા ન નિકળતા બોટ બંધ કરી અને મોટાભાગની બોટો બંદર ઉપર લંગારી દેવામાં આવી છે તેવું માછીમાર રમેશ ડાલકીએ જણાવ્યું.
માત્ર વેરાવળ બંદર સરકારને કરોડો રૂપિયાનુ હુંડિયામણ આપતુ બંદર છે, જે 5 હજારથી વધુ બોટ ધરાવે છે. જ્યારે આ વર્ષે કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને માછીમારી ઉપર ગ્રહણ લાગ્યું હોય તેવી અસર હાલ વેરાવળ બંદર ઉપર જોવા મળે છે. જેમાં વેરાવળમાં હાલ 1,500 જેટલી બોટના 12,000 થી વધુ તેમજ ગુજરાતના સાડાત્રણ લાખ લોકોની રોજગારીને પણ અસર પહોંચી શકે છે.