ઝી બ્યુરો/આણંદ: ગુજરાતી ફિલ્મ જગતમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે, કારણ કે ગુજરાતી નાટકો અને ફિલ્મોના પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું 83 વર્ષની વયે નિધન થયું છે. ચારુબેન પટેલનું 83 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આણંદ તાલુકાના બાકરોલ ગામમાં રહેતાં હતાં. ગુજરાતી ફિલ્મોના પીઢ અભિનેત્રી ચારુબેન પટેલે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં આજે અંતિમ શ્વાસ લીધા હતા. ચારુબેન પટેલ ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતી ફિલ્મોના પીઢ અભિનેત્રી ચારુબેન પટેલને તાજેતરમાં પગમાં ફ્રેક્ચર થયું હોવાથી કરમસદ સ્થિત કૃષ્ણ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે સવારે તેમને અચાનક હાર્ટ-એટેક આવતાં હોસ્પિટલમાં જ તેમનું નિધન થયું હતું. હાલ તેમના પાર્થિવ દેહને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રખાશે અને રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ચારુબેન છેલ્લા ઘણા સમયથી બાકરોલ ખાતે રહેતા હતા.


1998માં ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યુ
ચારૂબેને આમ તો વર્ષ 1965માં પહેલી ઓરવોકલર ફિલ્મ લીલુડી ધરતીમાં કામ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1998માં ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. ચારૂબેને લગભગ 70 જેટલી ફિલ્મો કરેલી છે. જેમાં મૈયરમાં મનડું નથી લાગતું, મેં તો પાલવડે બાંધી પ્રિત, માંડવડા રોપાવો માણારાજ, દીકરીનો માંડવો, જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મિર્ચમસાલા તથા રિહાઈ નામની બે હિન્દી ફિલ્મો પણ કરેલી છે. જ્યારે ત્રણ હિન્દી સીરીયલ કરેલી છે. ખાસ તો ચારુબેન  ‘એક ડાળના પંખી’ સિરિયલમાં કલા સાંગાણીનો રોલ અદા કરીને તેઓ વધુ પ્રચલિત થયાં હતાં.


ચારૂબેને 1963માં કોર્પોરેશનમાં નોકરી શરૂ કરી
ગુજરાતી ફિલ્મોના પીઢ અભિનેત્રી ચારુબેન પટેલનો આફ્રિકાના યુગાન્ડામાં 12 જાન્યુઆરી 1940ના રોજ જન્મ થયો હતો. ચારૂબેને બી.એ. ઓનર્સ, એલ.એલ.બી. હિન્દી સાહિત્યરત્ન વર્ધાનો અભ્યાસ કર્યો હતો. તેઓએ 23 વર્ષની ઉંમરે એટલે કે, વર્ષ 1963માં AMCમાં નોકરી શરૂ કરી હતી. ચારૂબેને 24 વર્ષની ઉંમરે નોકરીની સાથે નાટ્યક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું હતુ. તેમણે અમદાવાદની સંસ્થાઓ સાથે નાટકોમાં અભિનય કરેલા છે.


ચારૂબેને આ સીરિયલોમાં કર્યું છે કામ
ચારૂબેને દર્શન થીયેટર્સના નેજા હેઠળ લગભગ 15 નાટકોનું નિર્માણ પણ કર્યું હતું. તેમણે અમે અને અમારી ભૂરી, ડાહીમાંની વાતો, ન્યાય અન્યાય, નારીતું નારાયણી, ગામડું જાગે છે. ભાતભાત કે લોગ, લેખકનો આયનો વિગેરે સીરીયલ્સના લગભગ 500 જેટલા એપીસોડ કરેલા છે. કોમર્શીયલ સીરીયલ્સમાં હુતો હુતી તાગડધિન્ના, સ્ત્રીશક્તિ, મહાશક્તિ, મને બચાવો, આટાપાટા, અંગાર, સબરસ, સંબંધ, તણખાં, ગુનેગાર, બમચીક, ઝાકળ ઝંઝા, ઘટના ખુશમિજાજ, ગૃહલક્ષ્મી, ડોક્ટરની ડાયરી, ભેદ ભરમ, ગ્રહશાંતિ, ઘર ઘરની વાત, પાલવ, માણસ એક ઉખાણું વિગેરે લગભગ 100 જેટલી સીરીયલ્સમાં કામ કર્યું છે.