રાજકોટમાં GST વિભાગમાં કારનાં કોન્ટ્રાક્ટમાં મોટું કૌંભાડ; આ એક ઘટનાએ સમગ્ર ભાંડો ફોડ્યો

રાજકોટ સેન્ટ્રલ જીએસટી વિભાગમાં કારનાં કોન્ટ્રાક્ટમાં મોટું કૌંભાડ ચાલતું હોવાનું સામે આવ્યું છે. રાજકોટનાં કાલાવડ રોડ પર ગત 2 સપ્ટેમ્બરનાં સેન્ટ્રલ જીએસટી વિભાગનાં અધિકારીની કારનાં કાચ સાધું દ્વારા તોડવાની ઘટના સામે આવી હતી.

રાજકોટમાં GST વિભાગમાં કારનાં કોન્ટ્રાક્ટમાં મોટું કૌંભાડ; આ એક ઘટનાએ સમગ્ર ભાંડો ફોડ્યો

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ સેન્ટ્રલ જીએસટી વિભાગમાં કારનાં કોન્ટ્રાક્ટમાં મોટું કૌંભાડ ચાલતું હોવાનું સામે આવ્યું છે. રાજકોટનાં કાલાવડ રોડ પર ગત 2 સપ્ટેમ્બરનાં સેન્ટ્રલ જીએસટી વિભાગનાં અધિકારીની કારનાં કાચ સાધું દ્વારા તોડવાની ઘટના સામે આવી હતી. જેનો વિડીયો વાયરલ થયો હતો. જોકે આ વિડીયોમાં સેન્ટ્રલ જીએસટી વિભાગનાં અધિકારીની કારનું પાર્સિંગ પ્રાઇવેટ હોવાથી જાગૃત નાગરીક દ્વારા આરટીઆઇમાં માહિતી માંગવામાં આવી હતી. જે માહિતીમાં કોન્ટ્રાક્ટ બેઇઝ ચાલતી ગાડીઓમાં ટેક્સી પાર્સિંગ ઓનપેપર દર્શાવીને પ્રાઇવેટ પાર્સિંગની ગાડી દોડાવવામાં આવતી હોવાનો ભાંડો ફુંટ્યો હતો.

સેન્ટ્રલ જીએસટી વિભાગની જીજે10ડીજે4786 નંબરની ઇનોવા કારનાં માલીક ભાવીન બેરડીયાએ ખુલાસો કરતા કહ્યું હતું કે, 2 તારીખનાં મારી જ કારનાં કાચ સાધું દ્વારા તોડવામાં આવ્યા હતા. મેં પોલીસ ફરીયાદ કરતા અપિલ કમિશ્નર શિવ પ્રકાશ સિંઘે મને ગાડીનાં કાગળ સાથે ઓફિસમાં બોલાવ્યો હતો અને કારનાં માલીકને બોલાવવા જણાવ્યું હતું. કારનો માલીક હું જ હોવાનું કહેતા હવે કાર લઇને ન આવતો તેવું જણાવી દેવામાં આવ્યું હતું. જોકે કોન્ટ્રાક્ટર સુમિત પઢીયારે કારનાં કાચ તુટવાની ઘટના બાદ કાર લઇને ન આવવા આદેશ આપ્યા હતા. 

મુખ્ય કોન્ટ્રાક્ટર સુમિત પઢીયાર અને ભરત પઢીયાર છે. કાર માલીકે મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે, સેન્ટ્રલ જીએસટી વિભાગનાં અધિકારીઓની ગાડીઓ પ્રાઇવેટ પાર્સિંગની ચાલે છે. જોકે કોન્ટ્રાક્ટર ચોપડે ટેક્સિ પાર્સિંગની ચઢાવે છે. 9 મહિનાથી મારી કાર પેટા કોન્ટ્રાક્ટમાં ચાલે છે પરંતુ ઘટના બની ત્યારે અધિકારીઓ બે દિવસ પુરતી ભાડે લીધી હતી તેવો ખોટો જવાબ રજૂ કરી દીધો હતો. કારનાં માલીકને પેટા કોન્ટ્રાક્ટનાં 4.5 લાખમાંથી માત્ર 1.40 લાખના બિલનું ચુકવણું કરવામાં આવ્યું છે. જ્યારે બાકીનાં 3.10 લાખનું બિલ અટકાવી દેવામાં આવ્યું છે. 

સુત્રો પાસે થી મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ જીએસટી વિભાગનાં અપિલ કમિશ્નર શિવ પ્રકાશ સિંઘ આ કારમાં દરોડા કરવા માટે જતા હતા. જોકે આ કારનો ઉપયોગ સેટલમેટ માટે પણ કરવામાં આવતો હોવાની ચર્ચા છે. જો ચોપડે નોંધાયેલી ટેક્સી પાર્સિંગ કારનો ઉપયોગ કરવામાં આવે અને સેટલમેટમાં નામ ખુલે તો કાયદેસર કાર્યવાહી થઇ શકે. એટલા માટે પ્રાઇવેટ પાર્સિંગની કાર પેટા કોન્ટ્રાક્ટમાં આપી સેટલમેટમાં આ કારનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. 

આ પ્રકારની કાર ઝડપાય તો અધિકારી ઓન પેપર પોતાનો બચાવ કરી શકે તે માટે કોન્ટ્રાક્ટર અને સેન્ટ્રલ જીએસટી વિભાગનાં અધિકારીઓની સાંઠગાંઠ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ જીએસટી વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ તટસ્થ તપાસ કરાવે તો અનેક ભાંડાફુંટે તો નવાઇ નહિં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news