અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે ગુજરાતની સૌથી મોટી ઈવેન્ટ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022 (Vibrant Gujarat) સમિટ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને પગલે આ નિર્ણય લેવાયો છે. આ સાથે જ અમદાવાદનો ફ્લાવર શો પણ રદ કરવામાં આવ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર AMC દ્વારા આયોજિત ફ્લાવર શો પણ રદ કરવાની જાહેરાત કરાઈ છે. જેની સત્તાવાર જાહેરાત બપોરે સ્ટેન્ડિંગ કમિટીમાં કરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે. કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10 મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 


મુ્ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટના આયોજન માટે સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી હરહંમેશ માનવજાતના કલ્યાણ, સુખ અને સલામતી તથા સ્વાસ્થ્ય સુખાકારીના હિત ચિંતક રહ્યા છે. 



મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, ગુજરાત વિકાસનું વૈશ્વિક મોડેલ છે અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશ્વભરના મૂડીરોકાણ કારો, ઉદ્યોગકારો, નિવેશકો માટે એક સક્ષમ પ્લેટફોર્મ બની રહી છે. આ સમિટમાં વિવિધ દેશોના વડાઓ, મહાનુભાવો, ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગ જગતના સંચાલકોએ સહભાગિતા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું  હતું.


આ 10 મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજ્યને વિશ્વ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ પાર કરાવે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારે તેનું સમયબદ્ધ આયોજન કર્યું હતું. આ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા રાષ્ટ્રો તથા સમિટમાં આવનારા મહાનુભાવો, ડેલિગેશન પ્રત્યે મુખ્યમંત્રીએ આભારની લાગણી વ્યક્ત કરી છે અને તેમના તરફથી આવો જ ઉમળકાભર્યો પ્રતિસાદ ભવિષ્યમાં પણ મળશે તેવી અપેક્ષા દર્શાવી છે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટના પૂર્વાધ રૂપે યોજાયેલી પ્રિ-વાયબ્રન્ટ સમિટની સફળતામાં સહયોગી કેન્દ્ર સરકારના મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓનો આભાર માન્યો છે. તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, ઈન્ડ્રસ્ટીઝ એસોસિએશન, વેપાર-ઉદ્યોગ મંડળોએ ખૂબ જ ટૂંકાગાળામાં આવી સમિટના આયોજનને સફળ બનાવવા માટે આપેલા સહકારને બિરદાવ્યો છે.