ઝી બ્યૂરો, અમદાવાદઃ ઘણીવાર સરકાર, પોલીસ કે સ્થાનિક તંત્ર દ્વારા કેટલાંક કારણોસર કેટલાંક વિસ્તારોને પ્રતિબંધિત જાહેર કરાય છે. અથવા કોઈ સરકારી કચેરીઓ કે કોઈ એવા સ્થળો જ્યાં જોખમ ઉભું થઈ શકે એમ હોય ત્યાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવાની મનાઈ હોય છે. જોકે, છતાં આવા સ્થળોએ જઈને વીડિયો બનાવવાનો જાણે કે હવે ટ્રેન્ડ ઉભો થયો છે. તેથી લોકો કાયદાના લીરેલીરે ઉડાવીને આવી હરકતો કરતા હોય છે. આવી જ હરકત ગુજરાતની એક જાણીતી અભિનેત્રીએ કરી. જોકે, એ હરકત હવે તેને ભારે પડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રતિબંધ હોવા છતાં ધોધની બાજુમાં બેસીને વીડિયો બનાવવો હવે આ હીરોઈનને ભારે પડી રહ્યો છે. અહીં વાત થઈ રહી છે જાણીતી ગુજરાતી અભિનેત્રી ઝીલ જોશીની...અભિનેત્રી ઝીલ જોશીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પ્રતિબંધ હોવા છતાં જમજીર ધોધ ઉપર ઝીલ જોશીએ બનાવી હતી રીલ. વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યાર બાદ તેની સામે મામલો પણ નોંધવામાં આવ્યો હતો.


ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડ ગામ નજીક આવેલા પ્રખ્યાત જમજીર ધોધની બાજુની કોતરો ઉપર અમદાવાદની રહેવાસી એવી ગુજરાતી અભિનેત્રી ઝીલ જોશી દ્વારા ધોધની નજીક વીડિયો રીલ ઉતારી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરી હતી. જેથી કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના જાહેરનામાંનો ભંગ કરવા બદલ અભિનેત્રી સામે ફરિયાદ નોંધાતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અભિનેત્રી ઝીલ જોશી વિરૂદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


જમજીર ધોધમાં ભૂતકાળમાં ન્હાવા તથા સેલ્ફી લેવા જતાં લોકો મૃત્યુનો ભોગ બન્યા છે. જેથી આવી દુર્ઘટના અટકાવવા હેતુસર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામાંથી કોઈપણ વ્યક્તિઓને જમજીર ધોધમાં ન્હાવા માટે કે ધોધના ઉંડા પાણીમાં પ્રવેશ કરવા ઉપર તેમજ ધોધના કિનારાની કોતર ઉપર સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં ગુજરાતી અભિનેત્રી ઝીલ જોષીએ ગેરકાયદેસર રીતે ધોધની કોતરો ઉપર રીલ બનાવી હતી. જેથી આજ રોજ કોડીનાર પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી ઝીલ જોશી વિરૂદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. 


થોડા દિવસો પહેલાં પણ એક રાજકોટના કપલએ જમજીર ધોધ પર વીડિયો બનાવ્યો હતો. તેમના સામે પણ એફ. આઇ. આર. નોંધાઇ હતી. ઝીલ જોશીનો વીડિયો સામે આવતાં લોકોમાં ચર્ચા હતી કે, તંત્ર અભિનેત્રી સામે કાર્યવાહી કરશે કે કેમ ? તેવા અનેક સવાલો ઉભા થતાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કડક કાર્યવાહી કરતાં કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી.


આ અંગે જિલ્લા મેજીસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા ઈન્ફ્લુન્સર, સેલિબ્રિટીને લાખો લોકો અનુસરતા હોય છે. તેઓની ફરજ છે કે, પોતાનું કે લોકોનું જીવન જોખમાય તેવી કોઈપણ રીલ ન બનાવવી જોઈએ. જેથી અન્ય કોઈપણ આવું કૃત્ય કરવા પ્રેરીત ન થાય તે માટે આ મુજબની કાર્યવાહી કરવી જરૂરી છે. અભિનેત્રીએ આવું કરવાનું ટાળવું જોઈએ. 


કોણ છે એ અભિનેત્રી?
ઝીલ જોશી મૂળ અમદાવાદની રહેવાસી છે. તે ગુજરાતી ફિલ્મો અને ગીતોથી ફેમસ બની છે. વધુ ફેમસ થવાની લ્હાયમાં તે સોશિયલ મીડ઼િયા પર ખુબ એક્ટીવ રહે છે. જોકે, હાલમાં જ કરેલી એક હરકત તેની વધુ ચર્ચાસ્પદ બનાવી રહી છે. ગુજરાતી ફિલ્મ અને આલ્બમ સોન્ગથી જાણીતી બનેલી અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં આવી છે. ઝીલ જોશી સામે કોડીનાર પોલીસના હેડ કોસ્ટબલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.


શું હતુ વીડિયોમાં?
ઝીલ જોશી સામે આરોપ છે કે, તેણે ગીરના જામવાળા સીંગોડા નદીમાં આવેલા ખૂબસુરત જમજીર ધોધ નજીક ખુરશીમાં બેસી વીડિયો બનાવ્યો છે. એ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં અનેક સવાલો ઉઠ્યા હતા. કારણ કે, જમજીર ધોધ નજીક જવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે. જે પ્રતિબંધ ફરમાવતું કલેક્ટરનું જાહેરનામું છે, પરંતુ ઝીલ જોશી દ્વારા આ જાહેરનામાનો ભંગ કરી વીડિયો બનાવવમાં આવ્યો છે.