નવનિયુક્ત મંત્રીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી વિભાગોની ફાળવણી
ગુજરાતની વિજય રૂપાણી સરકારનું શનિવારે વિસ્તરણ થયું હતું અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડા ઉપરાંત ભાજપના બે ધારાસભ્યેએ શનિવારે હોદ્દા અને ગુપ્તતાના મંત્રીપદના શપથ લીધા હતા
હીતલ પારેખ/ ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નવ નિયુક્ત મંત્રીઓને વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગ, યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યકક્ષા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા તથા કુટિર ઉદ્યોગ રાજ્યકક્ષા વિભાગ સોંપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે ગાંધીનગરમાં રાજભવન ખાતે યોજાયેલા સમારોહમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડા, ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ અને ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જવાહર ચાવડાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા અને યોગેશ પટેલ તથા ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. એ સમયે મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ ન હતી.
શું ઈતિહાસ તો નહિ બની જાય ને ખંભાતની કલ્પસર યોજના?
આ અગાઉ શુક્રવારે કોંગ્રેસના બે ધારાસભ્ય જવાહર ચાવડા(માણાવદર) અને પરસોત્તમ સાપરિયા (ધ્રાંગધ્રા)એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. જેમાંથી જવાહર ચાવડા બપોરે જ ભાજપમાં જોડાઈ ગયા હતા અને શનિવારે તેમણે કેબિનેટ મંત્રી તરીકેના શપથ પણ લઈ લીધા છે. પરસોત્તમ સાપરિયા સોમવારે ભાજપમાં જોડાય એવી શક્યતા છે.
મંત્રીઓને ખાતાની ફાળવણીની સાથે સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી, ભાવનગરના વાઇસ ચાન્સેલર તરીકે મહિપતસિંહ ચાવડાની નિયુક્તિ કરી છે.