કરોડોનું કૌભાંડ કરનાર વિનય શાહની મિલકતો ટાંચમાં લેવા યાદી તૈયાર કરાઇ
વિનય શાહ અને ભાર્ગવી શાહના ઘરેથી મળી આવેલા બેંક પાસબુકોના આધારે નાણાકીય વ્યવહારોની જાણકારી મેળવવા માટે બેંકોના સ્ટેટમેન્ટ પણ મંગાવ્યા છે
અમદાવાદ: કરોડોનું કૌભાંડ કરીને નાસી છૂટેલા વિનય શાહની નેપાળમાં ધરપકડ કરી લેવામાં આવી છે. તો વિનય શાહને ગુજરાતમાં ક્યારે લાવવામાં આવશે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે. વિનય શાહ અને ભાર્ગવી શાહ દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડી મામલે દિવસે દિવસે નવા ખુલાસા થઈ રહયા છે. CID ક્રાઇમે તપાસ દરમ્યાન અત્યાર સુધી કુલ 24 લોકોના નિવેદનો નોંધ્યા છે.
વિનય શાહ અને ભાર્ગવી શાહના ઘરેથી મળી આવેલા બેંક પાસબુકોના આધારે નાણાકીય વ્યવહારોની જાણકારી મેળવવા માટે બેંકોના સ્ટેટમેન્ટ પણ મંગાવ્યા છે. તો બીજી તરફ પરિવારના સભ્યો અને કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની મિલકતો ટાંચમાં લેવા માટેની પણ એક યાદી તૈયાર કરાઇ છે.
વિનય શાહની ચારેક કંપની ઓમાં લોકોએ કરોડોનું રોકાણ કર્યું છે. જેમાંથી માત્ર ડીજી લોકલ્સ કંપનીના 297 સભ્યોનું રૂપિયા 2.23 કરોડનું રોકાણ કંપનીમાં કર્યું હોવાનું CIDની તપાસ દરમ્યાન સામે આવ્યું છે.
રોકાણકારોને ચૂકવવા માટે CID ક્રાઇમે લગાવેલી સ્પે. એક્ટ GPID મુજબ જ્યારે મિલકતોની હરાજી કરવામાં આવે તો ચૂકવી શકાય. તે હેતુથી વિનય શાહની કાર કબ્જે કરવામાં આવી છે. સાથે જ તપાસ કરતા સામે આવ્યુ છે કે ભોગ બનનારાઓએ રૂપિયા 40.34 લાખ ગુમાવ્યા છે. હજી અનેક ભોગ બનનાર લોકોનો ધસારો નિવેદન નોંધાવા માટે જોવા મળી રહ્યો છે.