ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતના 18 હજાર ગામડાની 32 હજાર જેટલી પ્રાથમિક શાળાને આવરી લેતા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો. જેમાં અનેક જગ્યાએ નેતાઓ ભૂલકાઓને નિશાળમાં પ્રવેશોત્સવ કરાવી રહ્યા છે. રાજનેતાઓ અહીં ભૂલકાઓ સાથે બાળક બનીને મસ્તી કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં અનેક મંત્રીઓના એવા વીડિયો વાયરલ થયા છે, જેણે જોઈને તમારા મોઢા પર એકવાર તો સ્માઈલ આવી જશે. ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના એવા વીડિયો વાયરલ થયા છે, જેમાં કોઈ ભૂલકાઓ સાથે હીંચકે ઝૂલી રહ્યું છે, તો કોઈ વડલા પર ચઢી રહ્યું છે, અથવા તો ટ્રેકટર ચલાવીને બાળકોને સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા છે. 


જિતુ વાઘાણી બાળકો સાથે હીંચકે ઝૂલ્યા
આજે ભાવનગરમાં ચિત્રા-ફુલસર-નારી વોર્ડના નારી ગામમાં આવેલી જગદીશ શ્વરાનંદ સરકારી પ્રાથમિક શાળાના બાળકો કલામહાકુંભ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા, જેના ભાગરૂપે આ બાળકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાજયના શિક્ષણમંત્રી એ બાળકો સાથે હિંચકા ખાઈ બાળપણ યાદ કર્યું હતુ. તેઓએ નારી પ્રાથમિક શાળાના બાળકો સાથે બાળ સહજ ભાવે હળીમળી ગોષ્ઠી કરી હતી. એટલું જ નહીં, વાઘાણીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે ઘણો સમય પસાર કર્યો હતો અને ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને સન્માનિત કર્યા હતા. બાળકો સાથે હીંચકા ખાઈ, લસરપટ્ટી સહિતની વિવિધ રમતો બાળકોને રમાડી શિક્ષણમંત્રીએ બાળપણને યાદ કર્યું હતું.


https://bit.ly/3AoRlxy