આ પાણીની ટાંકી બની ગઈ છે ગમે ત્યારે ફાટી શકે એવો `બોંબ` કારણ કે...
બે હજારની વસ્તી ધરાવતા જેસલપુર ગામમાં આવનારા સમયમાં મોટી હોનારત થઇ શકે છે
જયેશ દોશી/નર્મદા : બે હજારની વસ્તી ધરાવતા જેસલપુર ગામમાં આવનારા સમયમાં મોટી હોનારત થઇ શકે છે અને આ હોનારત સર્જશે ગામને પાણી પુરૂ પાડતી પાણીની ટાંકી. આ પાણીની ટાંકી નર્મદાના નાંદોદ તાલુકાના જેસલપુર ગામમાં વસતા બે હજાર લોકોને પાણી પુરૂ પાડે છે. આખા ગામને પાણી પુરૂ પાડતી આ ટાંકી હવે ગામલોકો માટે જોખમી બની ગઇ છે. આ ટાંકી 1982માં બનાવવામાં આવી હતી અને ત્યાર બાદથી આ ટાંકીની સાફસફાઇ કરવામાં આવી નથી.
બનાસકાંઠામાં માતા-પિતાએ બાળકોને સ્કૂલે મોકલવાનું કરી દીધું બંધ !
હવે આ ટાંકી તોડીને બીજી બીજી નવી બનાવવાની અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. જો આ ટાંકી પડી જાય તો મોટી હોનારત સર્જી શકે છે અને સાથે જ આખા ગામને પાણીની તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. આ સંજોગોમાં જર્જરિત થઇ ગયેલી આ ટાંકી તાત્કાલિક નહી બને તો ગામલોકોએ આંદોલન કરવાની ચીમકી આપી છે. આ વિવાદાસ્પદ મામલે પાણીપુરવઠા વિભાગે જવાબ આપવાનું ટાળ્યું છે. પાણીપુરવઠા વિભાગનો સંપર્ક કરતા ઝી 24 કલાક સાથેની વાતચીતમાં પાણીપુરવઠાના કાર્યપાલક ઇજનેરે બિલકુલ સરકારી જવાબ આપતા જણાવ્યું કે આ ટાંકી 1982માં બની હતી પણ અમારે માત્ર બનાવી આપવાની હતી. આ ટાંકીનું મેન્ટેનેન્સ તો પંચાયતે કરવાનું હોય અને જર્જરિત થઇ ગઈ હોય તો તોડવાની સત્તા પણ પંચાયતની છે. આ માટે અમે આ બાબતે કંઈ ના કરી શકીએ.
એક તરફ સરકાર ગામડાઓના વિકાસના દાવા કરે છે ત્યારે બીજી તરફ ગામડાઓમાં પાયાની સુવિધાઓ પણ લોકોને નથી મળતી. હવે સરકાર કયા ગામડાઓનો વિકાસ કરી રહી છે તે તો સરકાર જ જાણે.