અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતીઓને હવે મન ભરીને વરસાદ માણવાના દિવસો આવી રહ્યાં છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 6, 7, 8 જુલાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે. જેમાં 8 અને 9 જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી છે. તો સાથે જ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત વરસાદની સંભાવના છે. સાથે જ લોકોને ફરી એકવાર વાવાઝોડા જેવો અનુભવ થશે. કારણ કે આ દિવસોમાં પવનની ગતિ પણ તેજ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરિયામાં લો પ્રેશર, તેજ પવન ફૂંકાશે
હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેશર બન્યું છે. આ લૉ પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. છઠ્ઠી જુલાઈથી આખા ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે. મધ્યપ્રદેશમાં સેન્ટ્રલમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગયુ છે, તેની અસર ગુજરાતમાં જોવા મળશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. જેમાં વરસાદની સાથે પવનની ગતિ પણ તેજ રહેશે. 


આ પણ વાંચો : દીવ જવાના હોય તો ખાસ ધ્યાન રાખજો, આ ત્રણ દિવસ નહિ થઈ શકે ‘છાંટાપાણી’ 


ક્યાં વરસાદ રહેશે 
6,7,8 જુલાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો 8 અને 9 જુલાઈ અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. તો અમદાવાદમાં દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદ રહેશે. તેમજ અમદાવાદ શહેરમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. આવતીકાલે 6 જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. પરંતુ ત્યારબાદ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આમ, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. અત્યાર સુધી ગુજરાતમાં 117 મીમી વરસાદ અને 22 મીમી વરસાદની ઘટ છે. હજુ સુધી જોઈએ એવો વરસાદ ગુજરાતમાં વરસ્યો નથી. 


આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિ.માં ભણતા તમારા સંતાનોને પરીક્ષા આપતા તમે લાઈવ જોઈ શકશો, આ લિંક પર કરો ક્લિક


વાવાઝોડુ આવે તે પહેલા ગીર-સોમનાથનું તંત્ર સજ્જ
લો પ્રેશરને પગલે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે લોકોના જાનમાલના રક્ષણ માટે સરકાર સાથે તંત્ર પણ સતર્ક બન્યું છે. વિશાળ સમુદ્ર કાંઠો ધરાવતા ગીર સોમનાથમાં પણ તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે મીડિયા સાથેની ખાસ વાતમાં માહિતી આપતા જણાવ્યું કે, સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ગીર-સોમનાથ જિલ્લામાં NDRF ની અત્યાધુનિક સાધનો સાથે 25 જવાનોની ટીમ તૈનાત કરાઈ છે. જિલ્લામાં 29 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. જિલ્લા કંટ્રોલ રૂમ ઉપરાંત તમામ તાલુકા મથકે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે. તેમજ અધિકારીઓ ને હેડક્વાર્ટર ના છોડવાના આદેશ પણ કરી દેવામાં આવ્યા છે. તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રેસ્કયૂ ટીમ તૈયાર કરાઈ છે. દરેક તાલુકામાં ક્લાસ વન અધિકારીની લાઈઝનિંગ અધિકારી તરીકે નિયુક્તિ કરાઈ છે, જે ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિ સમયે જે તે તાલુકામાં સ્ટેન્ડબાય રહેશે. 
 
આ વચ્ચે આજે રાજ્યના 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવીમાં 2.5 ઈંચ, મુંદ્રામાં 2 ઈંચ વરસાદ રહ્યો. તો સુરત અને વલસાડમાં પણ જળબંબાકાર વરસાદ નોંધાયો. તો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, 24 કલાકમાં 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે.