જેને ગુજરાતનું શિક્ષણ સારૂ ન લાગતું હોય તે રાજ્ય છોડીને જ્યાં સારૂ લાગે ત્યાં જતા રહેઃ જિતુ વાઘાણી
જિતુ વાઘાણીએ પત્રકારો અને અન્ય લોકોની હાજરીમાં જાહેરમાં કહી દીધુ કે જેને ગુજરાતનું શિક્ષણ સારૂ ન લાગે તે બીજા દેશ કે રાજ્યમાં જઈ શકે છે.
રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષના અંત સુધી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતની ચૂંટણીની તૈયારી કરી રહી છે. આપ દ્વારા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી બે દિવસથી રાજકોટના પ્રવાસે છે. તેમણે અહીં 3.40 કરોડના ખર્ચે બનેલ સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર-16ની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કર્યુ હતું. ત્યારબાદ જિતુ વાઘાણીએ કહ્યુ કે, જે લોકોને ગુજરાતનું શિક્ષણ સારૂ ન લાગતું હો તે ગુજરાત છોડીને બીજી જગ્યાએ જતા રહે.
રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, તમારો જન્મ ગુજરાતમાં થયો, અહીં કામ-ધંધો કર્યો, છોકરાઓ અહીં ભણાવ્યા. હવે જો બીજે સારૂ લાગતું હોય તો મારી તમને વિનંતી છે. જેને બીજી જગ્યાએ સારૂ લાગતું હોય તેઓ છોકરાના સર્ટિફિકેટ લઈ દેશ કે જે રાજ્યમાં સારૂ હોય ત્યાં જતા રહે. ત્યાં તમારા ઘર-પરિવારને ફેરવી નાખો. અહીં તો બધુ પૂરુ થઈ ગયું છે.
આ પણ વાંચોઃ રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં થયો ઘટાડો, અમદાવાદ રેલ મંડળે કરી જાહેરાત
જાહેરમાં બોલ્યા વાઘાણી
જિતુ વાઘાણીએ પત્રકારો અને અન્ય લોકોની હાજરીમાં જાહેરમાં કહી દીધુ કે જેને ગુજરાતનું શિક્ષણ સારૂ ન લાગે તે બીજા દેશ કે રાજ્યમાં જઈ શકે છે. આપણે તો કહ્યુ છે કે ગુજરાત આવો, અહીંની વ્યવસ્થા જુઓ. શિક્ષણને લગતા સૂચનો હોય તો કરો પરંતુ તે લોકોએ ટીકા કરવી છે. આમ જિતુ વાઘાણીએ આડકતરી રીતે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો હતો.
યુવરાજ સિંહના મુદ્દે પણ બોલ્યા વાઘાણી
રાજ્યમાં અનેક પેપર લીક મામલાને ઉઘાડા પાડનાર યુવરાજ સિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે જ્યારે પત્રકારોએ જિતુ વાઘાણીને સવાલ કર્યો તો વાઘાણીએ કહ્યુ કે, કોણ યુવરાજસિંહ? ત્યારબાદ વાઘાણી બોલ્યા કે કાયદો દરેક પર લાગુ પડે છે. કોઈ ખોટુ કરશે તો તેને સજા અપાવવા રાજ્ય સરકાર તૈયાર છે. પરંતુ મને ઈચ્છા થાય કે પેપર ફૂટી ગયું કે ફોડી નાખુ તેમ સરકાર ચાલે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube