રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોની બનશે સરકાર? નીતિન પટેલે કરી ભવિષ્યવાણી
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખો કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. આ વચ્ચે રાજસ્થાનના સહપ્રભારી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આમદાવાદઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન થશે. તો છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23 નવેમ્બર, મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બર અને તેલંગણામાં 30 નવેમ્બરે મતદાન થશે. જ્યારે પાંચેય રાજ્યોનું ચૂંટણી પરિણામ 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ત્યારે રાજસ્થાનના સહપ્રભારી અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે.
નીતિન પટેલની પ્રતિક્રિયા
પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજસ્થાનના સહપ્રભારી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે કહ્યુ કે ગુજરાતના બે પાડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અમારી સરકાર બને તે અમારી જવાબદારી છે. નીતિન પટેલે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારની કામગીરીથી પ્રજામાં રોષ છે. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયેલી છે. સ્ત્રીઓ સામે અત્યાચારના કેસો વધી રહ્યાં છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના લોકો કનૈયાલાલની ઘાતકી હત્યા હજુ ભૂલ્યા નથી.
આ પણ વાંચોઃ બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં જમીન અધિગ્રહણનું કામ 100 ટકા પૂર્ણ, NHSRCL એ આપી માહિતી
બંને રાજ્યોમાં અમારી સરકાર બનશેઃ નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું કે રાજસ્થાન સરકાર સતત ધ્રુવીકરણ માટે કામ કરે છે. નીતિન પટેલે બંને રાજ્યોમાં ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પ્રજા નરેન્દ્ર મોદીએ કરેલા કામોને જોઈને મત આપશે. તેમણે કહ્યું કે અમારૂ સંગઠન સતત સક્રિય છે અને હજુ પણ કામગીરી કરશે.
રાજસ્થાન અંગે આપી પ્રતિક્રિયા
રાજસ્થાનમાં મુખ્યમંત્રી ચાહેરો જાહેર ન કરવા મામલે પ્રતિક્રિયા પણ આપી. નીતિન પટેલે કહ્યું કે કેન્દ્રીય નેતાગીરી નવી રણનીતિ સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણી જીતીને સરકાર બનાવવી અગત્યની છે. તેમણે કહ્યું કે આ માટે અમારૂ સંગઠન સતત સક્રિય છે, મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે. તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર કટાક્ષ કરતા કહ્યું કે, ડૂબતો માણસ તણખું પણ ઝાલે તેમ અશોક ગેહલોત વર્તી રહ્યાં છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની માનસિકતા દેશ વિરોધી છે. તેમણે કહ્યું કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી પણ એજ વિચારધારાનો ભાગ છે. લોભામણી જાહેરાતો માટે પણ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો સામે લાલ આંખ કરી છે. જે રાજ્યની જેટલી શક્તિ હોય એટલો ખર્ચ કરવો જોઈએ.
આ પણ વાંચોઃ રાજસ્થાન, છત્તીસગઢ, MP... કોની બનશે સરકાર, ઓપિનિયન પોલના ચોંકાવનારા પરિણામો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube