• રાજ્યમાં આગામી વર્ષે થનારા વિધાનસભા ઈલેક્શનમાં પાટીદાર સમુદાયને ધ્યાનમાં રાખીને માંડવિયા અને રૂપાલાને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો

  • દર્શના જરદોશ રાષ્ટ્રીય મહિલા મોરચાની મહાસચિવ રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2009, 2014 અને 2019 માં સતત ત્રણવાર સાંસદ બન્યા હતા


ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ (Modi Cabinet expansion) થઈ ગયું છે. ત્યારે આ મંત્રીમંડળમાં ગુજરાતમાંથી ત્રણ નવા ચહેરા સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે પહેલાથી મંત્રીમંડળ (Modi Cabinet) માં સામેલ બે મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. ગુજરાતમાંથી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા પહેલાથી કેન્દ્રમાં છે, જેમને પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે મંત્રી હર્ષવર્ધનના રાજીનામા બાદ આરોગ્ય મંત્રી તરીકે મનસુખ માંડવિયાની પસંદગી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને સુરતના સાંસદ દર્શના જરદોશને પણ રાજ્યમંત્રી તરીકે મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. આમ કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતના પ્રતિનિધિની સંખ્યા 6 થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદારોને સાચવ્યા
માંડવિયા અને રુપાલા બંનેને પ્રમોશન આપવામાં આવ્યા છે. બંને નેતા પાટીદાર સમુદાયના છે અને સૌરાષ્ટ્રમાંથી આવે છે. રાજ્યમાં આગામી વર્ષે થનારા વિધાનસભા ઈલેક્શનમાં પાટીદાર સમુદાયને ધ્યાનમાં રાખીને બંનેને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. માંડવિયા (Mansukh Mandaviya) અને રૂપાલા બંને મોદીના નજીકના નેતાઓ ગણવામાં આવ્યા છે. માંડવિયા 28 વર્ષની ઉંમરમાં ધારાસભ્ય બન્યા હતા અને 38 વર્ષની ઉંરમાં રાજ્યસભા સદસ્ય બન્યા હતા. 2012 માં રાજ્યસભા સાંસદના રૂપમાં પસંદ કરાયેલા માંડવિયાને મોદીએ પહેલીવાર પોતાના કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા આપી હતી. તો બીજી તરફ, રૂપાલા (Purshottam Rupala) એ કેશુભાઈની સાથે સાથે મોદીના મુખ્યમંત્રી કાળમાં પણ મંત્રી રહી ચૂક્યા છે. પહેલીવાર 2008 માં તેઓ રાજ્યસભા સદસ્ય પસંદ કરાયા હતા. ત્યારે આ બે નેતાઓને પ્રમોશન અપાતા પાટીદારોની મુખ્યમંત્રી બનવાની માંગ પર અસર થઈ શકે છે. 


સુરતના સાંસદ દર્શના જરદોશ (Darshana Jardosh) ને રાજ્ય કક્ષાના ટેકસટાઇલ અને રેલવે મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. 21 જાન્યુઆરીનો રોજ સુરતમાં જન્મેલા દર્શના જરદોશ રાષ્ટ્રીય મહિલા મોરચાની મહાસચિવ રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2009, 2014 અને 2019 માં સતત ત્રણવાર સાંસદ બન્યા હતા. 4 દાયકાથી સાર્વજનિક જીવનમાં રહીને સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. 


સુરેન્દ્રનગર લોકસભા સીટથી પહેલીવાર સાંસદ બનેલા 52 વર્ષીય ડો.મહેન્દ્ર મુંજપુરા (Dr Mahendra Munjapara) ને પણ મોદી મંત્રાલયમાં જગ્યા મળી છે.  સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાને રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને આયુષ મંત્રાલયની જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેઓ વ્યવસાયે ડોક્ટર અને કોળી સમાજમાંથી આવે છે. 1968 માં સુરેન્દ્રનગરમાં જન્મેલા મુંજપુરાએ અમદાવાદની એનએચએલ મેડિકલ કોલેજમાંથી એમડીની ડિગ્રી મેળવી છે. તેઓ ત્રણ દાયકા સુધી કાર્ડિયોલિજિસ્ટ તેમજ પ્રોફસરના રૂપમાં કાર્યરત હતા. બે રૂપિયામાં દવા આપનારા ડો.મુંજપુરા દિલથી સમાજસેવક અને સેવા શિબિરમાં 8 લાખ લોકોની સેવા કરી ચૂક્યા છે.


તો દેવુસિંહને પહેલીવાર મોદી મંત્રીમંડળમાં જગ્યા આપવામાં આવી છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ (Devusinh Chauhan) ને રાજ્ય કક્ષાના કમ્યુનિકેશન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.ઓલ ઈન્ડિયા રેડિયોમાં એન્જિનિયરના રૂપમાં કામ કરી ચૂકેલ ચૌહાણને ગુજરાતની રાજનીતિમાં યુવાઓની પસંદગીના નેતા માનવામાં આવે છે. ચૌહાણની મધ્ય ગુજરાતના કદાવર નેતા તરીકે પસંદગી થાય છે. તેમણે દિનશા પટેલ જેવા કોંગ્રેસના કદાવર નેતાને ચૂંટણીમાં હરાવ્યા હતા.