તેજસ દવે, મહેસાણાઃ ગુજરાતમાં ભાજપનું શાસન છે અને ભાજપના શાસનમાં વિકાસના કામ તો અનેક થાય છે પરંતુ વિકાસના તે કામની યોગ્ય જાળવણી થતી નથી...જેના પરિણામે સુખ સુવિધાનું કામ દુવિધામાં બદલાઈ જાય છે. ઉત્તર ગુજરાતના પ્રવેશદ્વાર અને નેતાઓની નગરી મહેસાણામાં લાખો રૂપિયાના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું. તળાવમાં વિવિધ રાઈડ્સ અને હરવાફરવા માટેની સુવિધાઓ તૈયાર કરાઈ...પરંતુ હાલ આ લેકની તમે દશા જોશો તો ચોંકી જશો....કેવી છે હાલ સ્થિતિ?...જુઓ આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફરવા માટેનો લેક છે કે ખંડેર?
લાખોના આંધણ પછી આવી દશા કેમ?
સુવિધા કેમ બની શહેરીજનો માટે દુવિધા?
નેતાઓની નગરી મહેસાણામાં આવું કેમ?
શું લાખોના વેડફાટમાં થયો મોટો ભ્રષ્ટાચાર?


આ આકરા સવાલ અમારે એટલા માટે મહેસાણા નગરપાલિકાના નઘરોળ શાસકોને કહેવા પડી રહ્યા છે કે તેમના શાસનમાં શહેરની શોભામાં વધારો કરતા આ તળાવની દુર્દશા જુઓ....જુઓ આળસુ અધિકારીઓ અને નઘરોળ શાસકોએ પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ કરીને પણ પ્રજાને શું મળ્યું?...સાવ બિસ્માર લેક?...હા...લાખોનો ધુંમાડો કરીને મહેસાણા પાલિકાના ભાજપી શાસકોએ સ્વામી વિવેકાનંદ લેકનું બ્યુટિફેકેશન કરાવ્યું હતું...મહેસાણાના હાર્દ સમાન પરા વિસ્તારમાં આવેલા આ તળાવનું લાખોના ખર્ચે બ્યુટિફિકેશન કરી મોટી મોટી વાતો કરવામાં આવી...પરંતુ ત્યારબાદ ખાનગી એજન્સીને કામ સોંપી દેવામાં આવ્યું...એજન્સીએ શહેરીજનો પાસેથી ટિકિટનો દર વસુલ્યો પણ લેકની કોઈ જાળવણી ન કરતાં હાલ આ લેક ખંડેર જેવો બની ગયો છે...


કેવી છે લેકની સ્થિતિ?
પરા વિસ્તારમાં તળાવનું લાખોના ખર્ચે બ્યુટિફિકેશન કરાયું હતું
ખાનગી એજન્સીને કામ સોંપી દેવામાં આવ્યું
એજન્સીએ શહેરીજનો પાસેથી ટિકિટનો દર વસુલ્યો 
એજન્સીએ લેકની કોઈ જાળવણી ન કરતાં લેક બન્યો ખંડેર


બિસ્માર પડેલા મહેસાણાના પરા તળાવનું બ્યુટિફિકેશન કરીને તેને સ્વામી વિવેકાનંદ લેક નામ આપવામાં આવ્યું હતું...નગરપાલિકાએ કામ તો શહેરીજનોની સુખાકારી અને હરી-ફરી શકાય તે માટે કર્યું હતું...પણ હાલ શહેરીજનો માટે આ લેક પહેલા જેવું જ તળાવ બની ગયું હોય તેમ લાગી રહ્યા છે. ખાનગી એજન્સીના પાપે થયેલી આ દશા છતાં એજન્સીને પાલિકા છાવરતી હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે. જે લેકમાં બોટિંગની સુવિધાની મોટી મોટી વાતો કરવામાં આવી હતી ત્યાં હાલ જંગલી વેલે સામ્રાજ્ય જમાવી દીધું છે...જે વોક વે બનાવ્યો હતો ત્યાં જાડી જાંખરા ઉગી નીકળ્યા છે...શહેરની જનતા માટે લેક પર બનાવેલા શૌચાલયમાં ખંભાતી તાળા લટકી રહ્યા છે...જેના કારણે વિપક્ષ આકરા પાણીએ થયું છે. અને ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવી રહ્યું છે. 


તો આ મામલે જ્યારે અમે મહેસાણા નગરપાલિકાના પ્રમુખને મળીને તેમને બિસ્માર લેકની માહિતી આપી તો તેમણે કહ્યું કે, એજન્સીને મૌખિક સુચના આપી દેવામાં આવી છે. તળાવ વચ્ચે રહેલી વેલ દૂર કરવા અને યોગ્ય નિભાવ કરવાનું કહેવામાં આવ્યું છે. જો આગામી સમયમાં કંઈ નહીં થાય તો નોટિસ આપવામાં આવશે. 


મહેસાણા હોય કે અન્ય કોઈ શહેર....શહેરીજનો તગડો ટેક્ષ સારી સુવિધા મળી રહે તે માટે ફરતાં હોય છે. પરંતુ જેને શહેરને સાચવવાની જવાબદારી છે તે શાસકો અને અધિકારીઓ સારો વહીવટ નથી કરી શકતા તે ફરી એકવાર સાબિત થયું છે. મહેસાણા તો આમ પણ રાજકીય વગદાર શહેર રહ્યું છે. છતાં પણ મહેસાણા જેવા શહેરની જો આવી દશા હોય તો પછી અન્ય અંતરિયાળ શહેરની તો કલ્પના પણ ન કરી શકાય....જોવું રહ્યું કે આગળ શું થાય છે.