ગુજરાતની એક અભણ મહિલા એવી આત્મનિર્ભર બની કે, કલા થકી વિદેશમાં ડંકો વગાડ્યો
આજે એક એવી મહિલાની વાત કરીએ જેઓ શિક્ષિત નથી, પણ તેમની કલા થકી તેમણે વિશ્વભરમાં ડંકો વગાડ્યો
પ્રેમલ ત્રિવેદી/અમદાવાદ :અડગ મનના માનવીને હિમાલય પણ રોકી નથી શકતો. આ કહેવતને સાર્થક કરતી એક એવી મહિલાની આજે વાત કરીશું, જેઓ શિક્ષિત તો નથી, પરંતુ તેમની કલા બોલે છે. ભરત ગૂંથણની કલા કારીગરી કારણે આજે તેએ પગભર બની પરદેશમા પણ વ્યવસાય કરી દેશનું નામ રોશન કરી રહ્યા છે. તો સાથે શિક્ષિત અને સરકારી નોકરિયાત કરતા પણ વધુ કમાણી કરે છે. ગઈકાલે મહિલા દિવસ હતો, ત્યારે તેમની આ કલા વિશે ખાસ જાણીએ.
આજના યુગમાં શિક્ષણ હોવું અનિવાર્ય બની ગયું છે. પરંતુ શિક્ષણ ના હોય તો કાંઈ ના કરી શકીએ, તે વાત પાટણની મહિલાએ ખોટી સાબિત કરી છે. પાટણ જિલ્લાના છેવાડા અને રણ કાંઠાને અડીને આવેલ સાંતલપુર તાલુકાના બકુત્રા ગામમા રહેતા ગૌરીબેને પોતાના ભરત કામની કલા થકી વિશ્વ ફલક પર આગવી ઓળખ અને નામના મેળવી છે. આજથી 30 વર્ષ પહેલા ગૌરીબેન તેમના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયા હતા. પછાત વિસ્તારમાં વર્ષો પહેલા મહિલાઓને શિક્ષણ માટે કોઈ પ્રોત્સાહન પૂરું પાડતું ન હતું. તેથી ગૌરીબેન શિક્ષણથી વંચિત રહ્યા હતા. તેઓ આ પછાત વિસ્તારમાં રહેતા હોવા છતાં કાંઈ કરી છૂટવાની અને સ્વરોજગારી મેળવવાની નેમ સાથે તેમને હાથ વણાટ ભરતકામ શરુ કર્યું અને તેના થકી સારી રોજગારી મળવાની શરૂ થઈ.
આ પણ વાંચો : ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, અમદાવાદમાં એકતરફી પ્રેમમાં યુવકે યુવતી પર એસિડ ફેંક્યું
આ કામમા અન્ય મહિલાઓ પણ રોજગારી મેળવી પગભર બને તે માટે ગામની 350 મહિલાઓને પણ ભરતકામની કલાકારીગરી સાથે જોડી તેમને પણ ભરતકામ શીખવાડી સ્વરોજગારી મળે તે દિશામાં પ્રેરણા પૂરી પાડી. આ કામ થકી અંદાજે રૂપિયા 6 થી 7 હજાર મહિને ગામની એક મહિલા રોજગારી મેળવતી થઇ છે. હાથ વણાટ દ્વારા રંગબેરંગી દોરાઓ થકી કાપડ પર સુંદર કલા કારીગરીની પરદેશમાં પણ તેની કદર થવા લાગી. જેને લઇ ગૌરીબેને વિશ્વ ફલક પર પણ તેમને વિવિધ દેશોનો પ્રવાસ ખેડીને કલાને જીવંત રાખવાના પ્રયાસ કર્યા છે. ગૌરી બેનમાં શિક્ષણનો અભાવ હોવા છતાં તેમણે અમેરિકા, સીડન, આફ્રિકા, ઈટલી સહિત અનેક દેશોમાં ભરત ગુંથણના પ્રદર્શન યોજી રોજગારી મેળવવા તેમજ કલા ને વિશ્વ ફલક પર લઇ જવા માટેના પ્રયાસો કર્યા છે.
ગૌરીબેનને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે બેસ્ટ હેન્ડીક્રાફટનો એવોર્ડ પણ મળ્યો છે. સાથે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમા શાહરુખ ખાન સહિત અનેક અભિનેતા સાથે મુલાકાત કરી છે. અનેક દેશોના પ્રતિભાશાળી વિશિષ્ટ વ્યક્તિઓ સાથે પણ મુલાકાત કરી છે. ગૌરીબેન કાપડ પર હાથવણાટથી કુર્તો, ચણિયા ચોલી, વોલપીસ, પુશન કવર, સ્ટોલ સહીત અનેક ચીજ વસ્તુ બનાવી તેનું દેશ અને પરદેશમાં વેચાણ કરે છે. સાથે જ ગામની બીજી મહિલાઓને પણ રોજગારી મેળવતી કરી છે.