ગાંધીનગરઃ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. વિશ્વ સહિત ભારત અને ગુજરાતમાં પણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં મહિલા દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવાની જાહેરાત કરી છે. દરેક મહિલા ધારાસભ્યોને હવે 1.25 કરોડની વધુ ગ્રાન્ટ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા દિવસ પર મુખ્યમંત્રીની મોટી જાહેરાત
ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસ નિમિતે મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવાનો મોટો નિર્ણય કર્યો છે. હવે દરેક મહિલા ધારાસભ્યોને 1.25 કરોડની વધુ ગ્રાન્ટ મળવાની છે. મહત્વનું છે કે અત્યાર સુધી દરેક ધારાસભ્યોને દર વર્ષે 1.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી. એટલે કે દરેક ધારાસભ્યોને પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન પોતાના વિધાનસભા ક્ષેત્રના વિકાસ માટે 7.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી. હવે મહિલા ધારાસભ્યોને આ ગ્રાન્ટ ઉપરાંત 1.25 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળશે. 


મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી સમય પૂર્વે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે, રાજ્યના મહિલા ધારાસભ્યોને ધારાસભ્ય તરીકે લોકહિતના કાર્યો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં સવા કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવશે. તદ્દઅનુસાર હવે, જનપ્રતિનિધિઓને મળતી વાર્ષિક દોઢ કરોડની ગ્રાન્ટમાં રાજ્યના મહિલા વિધાયકોને વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે. મુખ્યમંત્રીએ વિધાનસભાનું ગરિમામય અધ્યક્ષ પદ સંભાળી રહેલા પ્રથમ મહિલા અધ્યક્ષા ડૉ. નીમાબહેન આચાર્ય તેમજ ગૃહના સૌ મહિલા ધારાસભ્યોને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube