અમદાવાદને કરોડોની લોન આપતા પહેલા વર્લ્ડ બેંકની ટીમ લેશે મુલાકાત, 10 દિવસ રોકાણ કરશે
world bank team in ahmeabad : આવતીકાલ એટલે કે 4 એપ્રિલથી 13 એપ્રિલ સુધી વર્લ્ડ બેંકની ટીમ અલગ અલગ વિષયોને લઈ સ્થળ મુલાકાત લેવાથી લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત સરકારના અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :આવતીકાલથી વર્લ્ડ બેન્કની ટીમ દસ દિવસ માટે અમદાવાદની મહેમાન બનશે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરનાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરાંત વેસ્ટ વોટર મેનેજમેન્ટ સહિતના પ્રોજેક્ટસનું આ મુલાકાત દરમ્યાન ભવિષ્ય નકકી થશે. અલગ-અલગ વિષય ઉપર બેઠક તથા પ્રેઝન્ટેશન તેમજ સાઈટ વિઝીટ પણ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની નાણાંકીય સ્થિતિની સમીક્ષા કરવામાં આવ્યા બાદ કયા તબક્કા માટે માટે કેટલી લોન આપવી એ અંગેનો નિર્ણય પણ કરાશે. નોંધનીય છે કે આ પહેલા વિશ્વ બેંકે રૂ.3000 કરોડ જેટલી મોટી રકમની લોન એએમસી માટે મંજૂર કરી છે.
જે પ્રોજેક્ટ માટે લોન માંગી તેની સમીક્ષા કરશે
અમદાવાદ શહેરના વિવિધ પ્રોજેકટસ માટે વર્લ્ડ બેંક દ્વારા ત્રણ હજાર કરોડની લોનને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. આવતીકાલ એટલે કે 4 એપ્રિલથી 13 એપ્રિલ સુધી વર્લ્ડ બેંકની ટીમ અલગ અલગ વિષયોને લઈ સ્થળ મુલાકાત લેવાથી લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત સરકારના અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. કોર્પોરેશન તરફથી શહેરના ભવિષ્યના પ્રોજેક્ટસ સંબંધી તૈયાર કરવામાં આવેલા પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવશે.
આ પણ વાંચો : માર્ચમાં દેશમાં ગરમીએ 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ગુજરાતને એપ્રિલ-મે કાઢવા આકરા બની રહેશે
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વેસ્ટ વોટર મેનેજમેન્ટનું નિરીક્ષણ કરશે
શહેરમાં માઈક્રોટનલ પધ્ધતિથી સુએજ તથા ડ્રેનેજ લાઈન નાંખવા ઉપરાંત ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ માટે પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં હાલમાં આશ્રમરોડ પર માઇક્રો ટનલ ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ પણ થઇ ગઇ છે. હાલમાં શહેરમાં કાર્યરત એવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા બંધ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત લેવામાં આવશે. સુએજ સિસ્ટમની હાલની વ્યવસ્થાને અપગ્રેડ કરવા અંગે પણ બેઠકમાં નિષ્ણાંતોનુ માર્ગદર્શન મેળવવામાં આવશે.
આ પણ વાંચો : સંવેદનશીલ મુખ્યમંત્રી બાદ ગુજરાતને સંવેદનશીલ ગૃહ રાજ્યમંત્રી મળ્યા, યુવતીને મોતના મુખમાંથી બચાવી
મુખ્યમંત્રી સાથે પણ બેઠક કરશે
મળતી માહિતી મુજબ 8 એપ્રિલે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ વર્લ્ડ બેંકની ટીમની એક ખાસ બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા સહિત સંબંધિત અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. એએમસીની નાણાંકીય સ્થિતિની સમીક્ષા કરવા અંગે પણ એક ખાસ સેશન કરવામાં આવશે, જેમાં નાણાંકીય સ્થિતિની સમીક્ષા કરવામાં આવ્યા બાદ કયા પ્રોજેક્ટના કયા ફેઝ માટે કેટલી લોન આપવી એ અંગેનો નિર્ણય કરવામાં આવશે.
આ પણ વાંચો : ક્રાઈમ સિટીમાં ગુનાનો વધુ એક હાઈટેક પ્રકાર જોવા મળ્યો, લોન આપનાર એજન્ટોએ કંપનીનો ખેલ પાડ્યો
અમદાવાદ પૂર્વના મોટા ભાગના વિસ્તારને આવરી લેતી ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ માટે મ્યુનિસિપલ કમિશનરે આ વર્ષના બજેટમાં 900 કરોડની રકમની ફાળવણીની જાહેરાત કરી છે. આ રકમ પૈકી 400 કરોડ વર્લ્ડ બેન્ક, 300 કરોડ રાજ્ય સરકાર તથા 100 કરોડ એએમસી ફાળવશે. આ ઉપરાંત વાસણા ખાતે બનનારા 240 અને 375 એમએલડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા અનટ્રીટ પાણીને લઈ જીપીસીબીના અધિકારીઓ સાથે પણ બેઠક કરવામાં આવશે.