વાવથી કોણ ગાંધીનગર પહોંચશે? ન ભાજપ ન કોંગ્રેસ, અપક્ષ ઉમેદવાર બની રહ્યાં છે હુકમનો એક્કો
Mavji Patel : વાવમાં જીત એ વટનો સવાલ છે... ગુજરાતમાં હવે આવ્યું `બટેગેં તો કટેગે`... અપક્ષના માવજી પટેલનો ધૂંઆધાર પ્રચાર... માવજી પટેલે કહ્યું, `ન બટેગેં, ન કટેગેં`... ચૌધરી સમાજ સાથે હોવાનો દાવો
Vav Assembly By Election 2024 અલ્કેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠાની વાવ બેઠક પર મહાસંગ્રામ જામ્યો છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બન્ને પાર્ટી માટે આ બેઠક પ્રતિષ્ઠાનો સવાલ બની ગઈ છે. વાવમાં નેતાઓના ધડા ઉતર્યા છે. તો છેલ્લા કેટલાક સમયથી દેશમાં ચર્ચામાં રહેલો શબ્દ બટેગેં તો કટેગે હવે ગુજરાતમાં પણ આવી ગયો છે. હા, વાવથી ભાજપ-કોંગ્રેસને મજબૂત ટક્કર આપી રહેલા અપક્ષના માવજી પટેલે એક એવું નિવેદન આપ્યું કે તે ગુજરાતમાં ટોક ઓફ ટાઉન બન્યું છે...ત્યારે જુઓ વાવના રણસંગ્રામનો આ ખાસ અહેવાલ....
- ગુજરાતમાં હવે આવ્યું 'બટેગેં તો કટેગે'
- વાવની ચૂંટણીનો જામ્યો બરાબર જંગ
- અપક્ષના માવજી પટેલનો ધૂંઆધાર પ્રચાર
- ચૌધરી સમાજને એકજૂટ કરી રહ્યા છે માવજી પટેલ
- માવજી પટેલે કહ્યું, 'ન બટેગેં, ન કટેગેં'
વાવ વિધાનસભા ચૂંટણીનો જંગ આ વખતે દિવસેને દિવસે રોચક બની રહ્યો છે. એટલો રોચક થઈ રહ્યો છે કે આજદીન સુધી વાવમાં ક્યારેય નથી થયો. ભાજપ, કોંગ્રેસ વચ્ચે તો ટક્કર છે જ. પણ આ વખતે અપક્ષના ઉમેદવાર એવી ટક્કર આપી રહ્યા છે કે ભાજપ, કોંગ્રેસ બનેની ઉંઘ હરામ થઈ ગઈ છે. ભાજપે ટિકિટ ન આપતા નારાજ થયેલા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી જોરદાર ટક્કર આપતા જોવા મળી રહ્યા છે.
ભાજપ, કોંગ્રેસના નેતાઓ ખાટલા બેઠકો યોજી મતદારોને રિઝવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યાં અપક્ષના માવજી પટેલે વિશાળ રોડ શો યોજી મતદારોને આકર્ષવા માટે પ્રચાર કરી રહ્યા છે. માવજી પટેલે ઢીમા ગામથી દેવ દર્શન કરીને રોડ શોની શરૂઆત કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. માવજી પટેલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી તેમાં તેમણે એક એવું નિવેદન આપ્યું કે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. દેશમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું એક નિવેદન સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ જ નિવેદનની હવે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે.
યોગી અને માવજી પટેલના નિવેદનમાં આમ તો ઘણો વિરોધાભાસ છે. માવજી પટેલે આ નિવેદન પોતાના ચૌધરી સમાજમાં મતના ભાગલા નહીં પડે તેને લઈ આપ્યું. વાવમાં ભાજપે ઠાકોર સમાજના સ્વરૂપજી ઠાકોરને ફરી મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસમાંથી ક્ષત્રિય સમાજના ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં છે. જ્યારે ચૌધરી સમાજના માવજી પટેલ અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે. વાવમાં સૌથી વધુ ઠાકોર સમાજના મત છે. ત્યારબાદ ચૌધરી અને ત્યારપછી અન્ય સમાજના મત છે. માવજી પટેલ ભાજપમાંથી વાવથી ચૂંટણી લડવા માગતા હતા પરંતુ તેમને ટિકિટ ન મળતાં તેમણે નારાજ થઈને અપક્ષ લડવાનું નક્કી કર્યું છે. પોતાના પ્રચારમાં વિસ્તારના વિકાસની વાતો તેઓ કરી રહ્યા છે.
વાવનો રણસંગ્રામ
- ભાજપમાંથી ઠાકોર સમાજના સ્વરૂપજી ઠાકોર
- કોંગ્રેસમાંથી ક્ષત્રિય સમાજના ગુલાબસિંહ રાજપૂત
- ચૌધરી સમાજના માવજી પટેલ અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે
- વાવમાં સૌથી વધુ ઠાકોર સમાજના મત છે
- ઠાકોર પછી ચૌધરી અને ત્યારપછી અન્ય સમાજના મત
- માવજી પટેલ ભાજપમાંથી વાવથી ચૂંટણી લડવા માગતા હતા
- ટિકિટ ન મળતાં નારાજ થઈને માવજી પટેલે અપક્ષ લડવાનું નક્કી કર્યું
તો માવજી પટેલને ચૌધરી સમાજનો હાલ મજબૂત સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. ચૌધરી સમાજના કેટલાક લોકો કહી રહ્યા છે કે ભાજપ અને કોંગ્રેસે અહીં કંઈ જ નથી કર્યું...અમે ઘણી વખત બન્ને પાર્ટીના મોટા નેતાઓ પાસે જઈને આવ્યા છીએ પણ કંઈ નથી થયું...તેથી આ વખતે માવજી પટેલ જીતશે તે નક્કી છે.
વાવમાં આ વખતે જંગ ત્રિપાંખિયો છે એ તો નક્કી જ છે. ભલે બન્ને પાર્ટીના નેતાઓ ખુલ્લીને ન બોલતા હોય. પરંતુ ભાજપના નેતા અને બનાસકાંઠના પૂર્વ સાંસદ તથા ચૌધરી સમાજમાંથી જ આવતા પરબત પટેલે થોડાક દિવસ પહેલા જ નિખાલસતાથી સ્વીકાર કર્યો હતો કે અપક્ષને કારણે જંગ મજબૂત બન્યો છે. જો કે જીત તો ભાજપની જ થશે તેવું પણ તેમણે કહ્યું હતું.
વાવમાં જંગ ત્રિપાંખીયો છે તે નક્કી છે. પરંતુ ચૂંટણી એક એક સમાજના સમર્થનથી જીતી શકાતી નથી...અપક્ષના માવજી પટેલ ચૌધરી સમાજના સમર્થનથી ઉત્સાહિત છે પરંતુ વાવમાં અન્ય સમાજના પણ મજબૂત મતો છે. ત્યારે જોવાનું રહેશે કે વાવમાં ઠાકોર, ક્ષત્રિય કે ચૌધરીમાંથી કોણ ગાંધીનગર પહોંચે છે?