અમદાવાદ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી આજે ર-નવેમ્બર શુક્રવારે સવારે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની સાથે આ મુલાકાતમાં રાજય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે જોડાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી યુ.પી.-સી.એમ.ની વેલી ઓફ ફલાવર્સ, ટેન્ટ સિટી, મ્યૂઝિયમ અને પ્રદર્શની મુલાકાત નિરીક્ષણમાં પણ સાથે રહેવાના છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમાનો બુધવારે લોકાર્પણ કર્યા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી દેશના પ્રથમ મુખ્યમંત્રી છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે ઉત્તરપ્રદેશના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓ પણ આ સમગ્ર પરિસરની મુલાકાતમાં જોડાવાના છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીને લખનૌ જઇને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આપેલા નિમંત્રણનો સ્વીકાર કરીને તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનીટીની પોતાની આ મુલાકાતનું આયોજન કર્યુ છે.

આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ, ઉદ્યોગપતિઓ લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક એવા સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી તા. ૧૫મી ડિસેમ્બરે આવશે. નિરમા યુનિવર્સિટી ખાતે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, વાઇબ્રન્ટ સમિટ પહેલા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પધારનાર છે તે અંતર્ગત આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેવડિયા ખાતે સરદાર સાહેબના દર્શન કરવા માટે આવશે. 


વિજય રૂપાણીએ કહ્યું હતું  કે, આવનારા દિવસોમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રના મંત્રીઓ, વરિષ્ઠ સચિવઓ, ઉદ્યોગપતિઓ તથા સમાજના અગ્રગણ્ય નાગરિકો તથા કલાકારો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબને શ્રધ્ધાસૂમન અર્પણ કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે.