લોકડાઉનમાં ઘરે બેસવામાં કીડી ચટકતી હોય તો વાંચી લો રાજકોટનો આ ખાસ કિસ્સો
સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનાર લોકો સામે પોલીસ ખાસ નજર રાખી રહી છે અને એવા લોકો સામે કાર્યવાહી કરી રહી છે.
રાજકોટ : કોરોના વાયરસ (Coronavirus)ને કારણે રાજ્યમાં જાહેર કરાયેલા લોકડાઉનનું પાલન કરવા પોલીસ દિવસ અને રાત એક કરી રહી છે ત્યારે રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી છે કે કેટલાક લોકો વિવિધ બહાના હેઠળ બિનજરૂરી રીતે બહાર નીકળીને લોકડાઉનનો ભંગ કરે છે.રાજકોટમાં મયૂર પરમાર નામનો યુવક 3 દિવસમાં 21 વખત બહાર ફરતા જોવા મળ્યા હતા. દરેક વખતે પોલીસે તેમને પૂછપરછ કરી ત્યારે તેમણે દવા લેવા જવાનું બહાનું કાઢ્યું હતું.
આવા બહાનેબાજ લોકોને કાબૂમાં લેવા પોલીસે પણ ખાસ ટેકનિક અપનાવી છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સોફ્ટવેરની મદદથી પોલીસે આ વ્યક્તિને ટ્રેસ કરી હતી અને તેની દરેક મૂવમેન્ટ ઉપર નજર રાખી હતી. તેઓ ખોટા બહાના દર્શાવીને બહાર નીકળ્યા હોવાનું જણાતા તેની સામે કાર્યવાહી કરાઇ છે. શિવાનંદ ઝાએ જણાવ્યું કે લોકડાઉનના ચુસ્ત અમલ માટે પોલીસ ડ્રોન, સીસીટીવી કેમેરા અને નંબર પ્લેટ આધારે ઓળખ થાય તેવા સોફ્ટવેરની મદદથી કાર્યવાહી કરી રહી છે.
આ સિવાય સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનાર લોકો સામે પોલીસ ખાસ નજર રાખી રહી છે અને એવા લોકો સામે કાર્યવાહી કરી રહી છે. નોંધનીય છે કે અમદાવાદીઓની ડિમાન્ડને લઈ શહેર પોલીસ દ્વારા એક whatsapp નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે અને જે નંબર 6359627500 છે. જેમાં પબ્લિક પોલીસની મદદ પણ કરી શકાશે. આ નંબર પર કોઈ પણ વ્યક્તિ જાહેરનામાનું ભંગ કરતો હોય તેવા લોકોના વિડીયો, ફોટો અને ગેધરિંગ કરતા લોકો વિષે પોલીસને માહિતી મોકલી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube