યુવરાજ સિંહે VIDEO જાહેર કરી કૌભાંડીઓને લલકાર્યા, કહ્યું; `કોઈને છોડીશ નહીં, સત્ય સામે લાવીને જ રહીશ`
ભાવનગરના ડમીકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ભાવનગરમાં શિક્ષણ વિભાગે ડમી કાંડ મામલે મોટી કાર્યવાહી કરી છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: ડમી ઉમેદવાર કાંડમાં યુવરાજસિંહે પૈસા લીધા હોવાના આરોપો બાદ યુવરાજે ફરી એકવાર કૌભાંડીઓ સામે વળતો પ્રહાર કર્યો છે. યુવરાજસિંહ જાડેજાએ આજે ફરી સોશિયલ મીડિયા પર આવી નિવેદન આપ્યું છે. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે મે કોઈની પાસેથી ક્યારેય રૂપિયા લીધા નથી. કોઈને પણ હેરાન કરવાથી હકીકત નહીં બદલાય. મને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ગમે તે થાય હું બીજા પણ કૌભાંડો બહાર લાવવાનો છું. મને જેલમાં નાખી દેશો તો પણ સત્ય બહાર આવશે.
યુવરાજસિંહ જાડેજાનો વીડિયો વાયરલ
યુવરાજસિંહ જાડેજાએ વીડિયો મારફતે જણાવ્યું છે કે મેં કોઈની પાસેથી ક્યારેય રૂપિયા લીધા નથી. કોઈને હેરાન કરવાથી હકીકત બદલાઈ નહીં જાય. મેં ચાર ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં અને પોલીસે 36 ઉમેદવારો સામે ફરિયાદ નોંધી છે. પરંતુ 36 ઉમેદવારો નહીં આવા સીત્તેર ડમી ઉમેદવારોનાં નામ ખુલશે. તો શું અત્યારે 36 ઉમેદવારોનાં નામ જ પોલીસ જાહેર કરી શકી છે તો એવું કહી શકાય કે પોલીસે પણ પૈસા લીધા છે? એટલે કે પૈસા લેવાના આરોપો લગાવનારા સામે જ યુવરાજે સવાલ ઉઠાવ્યો છે.
તેમણે જણાવ્યું કે, છેલ્લા 12 વર્ષમાં કેટલાય નેતા બદલાયા, મંત્રીઓ બદલાયા, મુખ્યમંત્રીઓ બદલાયા તો શું મારે એવું માની લેવાનું કે આ બધાએ પૈસા ખાધા હશે. ડમી કાંડ વ્યાપમ કરતા પણ મોટું કોંભાડ છે. એ કોઈને નથી દેખાતું, એની કોઈને ગંભીરતા નથી. પરંતુ હદ તો એ છે યાર કે આ લોકો એ સાબિત કરવા માટે પૂરી સિસ્ટમને લગાવી દીધી છે કે યુવરાજસિંહે પૈસા ખાધા છે, યુવરાજસિંહે નામ છુપાવ્યું છે.
એટલું જ નહીં, યુવરાજસિંહે બીજાં કૌભાંડો પરથી પણ પડદો ઉઠાવવાનું એલાન કર્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે રાજ્યની ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં પણ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. જેના પુરાવા એકઠા કરીને તેઓ કૌભાંડીઓનો પર્દાફાશ કરશે. યુવરાજસિંહે વધુમાં જણાવ્યું કે, અત્યારે પકડાયું છે, આ ડમીકાંડમાં ઘુસેલા 70 કરતા પણ વધારે વ્યક્તિઓ છે, તો 36 લોકોની જ કેમ માહિતી બહાર આવી? તો હું એવું માની લઉં કે તમે પૈસા ખાધા છે. છેલ્લા 12 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું, કોઈ ભરતી બાકી નથી રાખી.
ઉલ્લેખનીય છે કે, ભાવનગરના ડમીકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ભાવનગરમાં શિક્ષણ વિભાગે ડમી કાંડ મામલે મોટી કાર્યવાહી કરી છે. આરોપી શરદ પનોદને શિક્ષકના પદ પરથી સસ્પેન્ડ કરાયો છે. જ્યારે પ્રકાશ ઉર્ફે પી.કે.દવેને BRC કો-ઓર્ડિનેટરમાંથી સસ્પેન્ડ કાયો છે. ડમીકાંડમાં નામ સામે આવ્યા બાદ DEO કિશોર મૈયાણીએ કાર્યવાહી કરી છે. આ વચ્ચે ફરી એકવાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આરોપ લગાવ્યા છે.