યુવરાજસિંહની વધી શકે છે મોટી મુશ્કેલી! ફાર્મહાઉસના માલિક નીતિન પટેલ માનહાનિનો કેસ કરશે
હેડ ક્લાર્કનું પેપર લીક કરવાનો માસ્ટર માઈન્ડ જયેશ પટેલ હોવાનો ખુલાસો થયો છે. તેના બે ભત્રીજાએ પેપરલીકનું ષડયંત્ર કર્યું હતું. પેપર દેવલ નામનો વ્યક્તિ લઈ આવ્યો હતો.
ઝી ન્યૂઝ/ બ્યુરો: હેડ ક્લર્કની ભરતી પરીક્ષાનું પેપર ફોડવાના કેસમાં ગુજરાત પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 11 આરોપીઓની અટકાયત કરી હતી. તેમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી છે, તો કૌભાંડીઓ સામે પહેલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ZEE 24 કલાક પર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પેપર લીક કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આધારભૂત સૂત્રો તરફથી આ સમાચાર મળી રહ્યા છે.
યુવરાજસિંહની મુશ્કેલી વધી શકે છે
જાણવા મળી રહ્યું છે કે આપના નેતા યુવરાજસિંહની મુશ્કેલી વધી શકે છે. ઊંછા ગામના અક્ષરમ ફાર્મ હાઉસના માલિકે માનહાનિનો કેસ કરવાની તૈયારી કરી નાંખી છે. અક્ષરમ ફાર્મ હાઉસના માલિક નીતિન પટેલે જણાવ્યું છે કે યુવરાજસિંહે ફોટો જાહેર કરતા મારા પરિવારની બદનામી થઈ છે. મે આજે એસપીને મળીને પણ આ અંગે રજૂઆત કરી છે. યોગ્ય સમયે હું યુવરાજસિંહ સામે અને ફોટો પાડનારા સામે કેસ કરીશ.
પેપર લીક કરનાર માસ્ટર માઈન્ડના નામનો ખુલાસો
હેડ ક્લાર્કનું પેપર લીક કરવાનો માસ્ટર માઈન્ડ જયેશ પટેલ હોવાનો ખુલાસો થયો છે. તેના બે ભત્રીજાએ પેપરલીકનું ષડયંત્ર કર્યું હતું. પેપર દેવલ નામનો વ્યક્તિ લઈ આવ્યો હતો. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડક્લાર્કના પેપર લીક થવા મુદ્દે ઉંછાના જયેશ પટેલની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ઊંછા ખાતેના જયેશ પટેલના નિવાસસ્થાને ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા છે. જયેશ પટેલના નિવાસસ્થાને કોઈ વ્યક્તિ મળ્યું નથી. રામજી મંદિર પાસેના મુખી વાસમાં જયેશ પટેલનું મકાન આવેલું છે. પરંતુ હાલ મકાન બંધ જોવા મળ્યું છે.
આવતી કાલે સવારે 10 વાગ્યે ગૃહ રાજ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરશે
આવતી કાલે (શુક્રવારે) સવારે 10 વાગ્યે ગૃહ રાજ્યમંત્રી એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દે મોટી જાણકારી આપશે. પેપર કાંડ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મીડિયાને જાણકારી આપશે. હેડ ક્લર્કની પરીક્ષાના પેપર કૌભાંડ અંગે અનેક મોટા ખુલાસાઓ થાય તેવી સંભાવના જોવામાં આવી છે. ZEE 24 કલાક પર સૌથી પહેલાં સચોટ અને સત્તાવાર ખબર પ્રકાશિત કરવામાં આવી હતી. હવે પેપર લીક મામલે આવતી કાલે સવારે 10 વાગ્યે સરકાર બોલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube