Acharya Tulsi Award: દેશના નામાંકિત પત્રકારોને પત્રકારત્વ ક્ષેત્રે અને સામાજિક કાર્યકર્તાઓને સમાજ ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પ્રદાન બદલ અપાતા આચાર્ય તુલસી સન્માનથી આ વર્ષે ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોનીને નવાજવામાં આવ્યા છે. અમદાવાદના શાહીબાગ ખાતે આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા આયોજિત વિશેષ સમારોહમાં આ સન્માનની જાહેરાત કરવામાં આવી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અતિથિ વિશેષ રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંશજીની ઉપસ્થિતિમાં દીક્ષિત સોનીને સન્માન એનાયત કરવામાં આવ્યું. તો યુવા સામાજિક કાર્યકર્તા મનીષ બરડિયાને પણ આચાર્ય તુલસી સન્માનથી નવાજવામાં આવ્યા છે. અહિંસા યાત્રાના પ્રણેતા આચાર્ય શ્રી મહાશ્રમણજીના પાવન સાનિધ્યમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચના અધ્યક્ષ રાજકુમાર પુગલિયાજી આયોજિત આ કાર્યક્રમમાં નવનીતના સંપાદક વિશ્વનાથ સચદેવ, અનેક જાણીતા પત્રકારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સન્માન સુપ્રસિદ્ધ સંત આચાર્ય શ્રી તુલસીજીના નામ પર આપવામાં આવે છે. ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોનીને પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ આ પુરસ્કાર સન્માનથી નવાજવામાં આવ્યા છે. લેખન અને પત્રકારત્વમાં તેમની પ્રતિબદ્ધતા, નિર્ભીકતા, મૂલ્ય આધારિત ચિંતનશીલતા અને માનવ મૂલ્યો પ્રત્યેની તેમની આસ્થા બદલ આચાર્ય તુલસી સન્માન એનાયત કરવામાં આવ્યું છે. 



આચાર્ય તુલસી સન્માન પુરસ્કાર એ આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચની પહેલ છે. આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચના અધ્યક્ષ રાજકુમાર પુગલિયાએ કહ્યું કે ''ZEE 24 કલાકના ચીફ એડિટર અને આ પહેલાં એક વરિષ્ઠ પત્રકારના રૂપમાં દીક્ષિત સોનીએ પત્રકારત્વ ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું છે. તેમને આ સન્માન પુરસ્કાર પ્રદાન કરવો અમારા માટે સૌભાગ્યની વાત છે.''


માનવીય મૂલ્યોના મૂળ સિદ્ધાંતોનું જતન કરીને અને ગુણાત્મક માહિતી પ્રદાન કરીને પત્રકારત્વના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાનને માન્યતા આપવા માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. પુરસ્કાર મેળવનારને 1 લાખ રૂપિયા રોકડ, એક શાલ અને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવે છે. અત્યાર સુધી 17 વર્ષોમાં દેશના વિભિન્ન વરિષ્ઠ પત્રકારોને આ સન્માન આપવામાં આવ્યું છે. 



આ પુરસ્કાર તેરાપંથ આચાર્ય શ્રી મહાશ્રમણજીની શુભ ઉપસ્થિતિમાં આપવામાં આવ્યું, જેઓ હાલમાં તેમની ધવલ સેના સાથે અમદાવાદના પ્રવાસે છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ હાજરી રહી. 


આચાર્ય તુલસી એવોર્ડ
આ ઉપરાંત વિશ્વનાથ સચદેવ, ડો. રામ મનોહર ત્રિપાઠી, બાળ કવિ બૈરાગી, પત્રિકા ગ્રુપના ચેરમેન ગુલાબ કોઠારી, નંદકિશોર નૌટિયાલ, રમેશચંદ્ર અગ્રવાલ, જગદીશચંદ્ર, શચિન્દ્ર ત્રિપાઠીને આ એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે 2014માં હરિવંશજીને અને સ્વ. ભૂપત વડોદરિયાને આ સન્માન મળ્યું હતું,  2016માં એડિયર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના મહાસચિવ તથા દૈનિક ભાસ્કર ગ્રુપના એડિટર પ્રકાશ દુબેને મળ્યું હતું. જ્યારે 2018માં કુમારપાળ દેસાઈને મળ્યું હતું


જાણો કોણ હતા જૈનાચાર્ય આચાર્ય તુલસી
જૈનાચાર્ય આચાર્ય તુલસી 1914માં રાજસ્થાનના નાગૌર જિલ્લાના લાડનુમાં જનમ્યા હતા. 1997માં રાજસ્થાનના ગંગાશહેરમાં તેઓ નિર્વાણ પામ્યા. આચાર્ય તુલસી જૈન ધર્મના શ્વેતાંબર તેરાપંથના નવમા આચાર્ય હતા. તેઓ અણુવ્રત અને જૈન વિશ્વ ભારતી યુનિવર્સિટીના પ્રવર્તક છે અને 100થી વધુ પુસ્તકો લખ્યાં હતાં. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પોતાના પુસ્તક લિવિંગ વિથ પર્પઝમાં આચાર્ય તુલસીજીને વિશ્વના 15 મહાન લોગોમાં સામેલ કર્યા હતા. તેમને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ વી. વી. ગિરિએ 1971માં એક કાર્યક્રમમાં યુગ પ્રધાનની પદવીથી વિભૂષિત કર્યા હતા.


આચાર્યશ્રી તુલસીજીએ આ જગતને અણુવ્રતથી આરંભીને અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતનાં સિદ્ધાંતોનો ખ્યાલ આપ્યો છે. આચાર્યશ્રીએ વૈશ્વિક ચેતનાના જાગરણનો પ્રયોગ કર્યો અને એના ચાર આયામો છે. સામાજિક જાગરણ, ધાર્મિક જાગરણ, આધ્યાત્મિક જાગરણ અને માનવઆત્માનું જાગરણ.