ઝિમ્બાબ્વેના ડેપ્યૂટી ઉદ્યોગ મંત્રીનું ગુજરાત કનેક્શન, જાણો કોણ છે આ શખ્સ
ઝિમ્બાબ્વેના કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ડેપ્યુટી મિનિસ્ટર રાજેશ કુમાર મોદી તેમના દેશમાં ભારતીય રોકાણકારોને આકર્ષવા માટે ભારતના પ્રવાસે આવેલા છે. દિલ્હીમાં કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુ સાથે મુલાકાત કર્યા બાત છેલ્લા બે દિવસથી તેઓ ગુજરાતના પ્રવાસે છે અને બુધવારે તેમના વતન રાજપીપળા આવ્યા હતા.
જયેશ દોશી/ રાજપીપળા: રાજપીપળાના રાજ મોદી આજથી 30-35 વર્ષ પહેલા પોતાનું વતન છોડી પારકા દેશ ઝિમ્બાબ્વેમાં ધંધા અર્થે ગયા હતા. વર્ષ 2018માં ઝિમ્બાબ્વેમાં યોજાયેલી ચૂંટણીમાં તેઓએ ભારે બહુમતથી જીત હાંસલ કરી અને ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના નાયબ પ્રધાન બન્યા અને રાજપીપળાનું નામ રોશન કર્યું છે.
રાજપીપળાના સામાન્ય કુટુંબમાં જન્મેલા રાજેશકુમાર ઇન્દુભાઇ મોદી (રાજ મોદી) રાજપીપળાની ધરતી છોડી આફ્રિકાના ઝીમ્બાબ્વેમાં સ્થાયી થયા હતા. બાદ શરૂઆતમાં નાની નોકરી તથા પોતાનો નાનો ધંધો શરૂ કર્યો હતો. પોતાની આગવી સુઝબુઝ અને સાહસિકતાની શક્તિનો ઉપયોગ કરી સમાજ સેવા સાથે ઝીમ્બાબ્વે દેશની આમ જનતામાં લોકપ્રિય બન્યા હતા. ગત 2018ના ઝિમ્બાબવે દેશની ચૂંટણીમાં (રાજકીય ક્ષેત્રે) આમ જનતાની ઇચ્છાથી પગ મૂકયા અને વિશાળ બહુમતીએ ચૂંટાઇ આવ્યા હતા.
ઝીમ્બાબ્વેની સરકારમાં ઝીમ્બાબ્વે દેશના ડેપ્યુટી મીનીસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના પ્રધાન તરીકે ખાતું સોપવામાં આવ્યું છે. આ રાજપીપળા માટે ગૌરવની વાત કહેવાય જેથી રાજપીપળા વણિક સમાજ દ્વારા એમનું જાહેર સન્માન કરાયું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળાની ગલીઓમાં ઉછરી ધંધા અર્થે ઝિમ્બાબવે ગયેલા એક વણિક યુવાને એવું તો નહિ જ વિચાર્યું હોય એક એક દિવસ તેઓ એ જ દેશના ઉચ્ચ હોદ્દા પર બેસશે, પણ હાલ તો નર્મદા જિલ્લા માટે અને ખાસ કરીને રાજપીપળા માટે તો આ ગૌરવ લેવા જેવી વાત છે અને જો તમે મહેનત કરો તો સફળતા તમારા પગોને ચુંબન કરે એ વાત પણ એટલીજ સાચી છે.
આજે રાજપીપળા ખાતે આવેલા આ રાજમોદીએ જણાવ્યું કે, હું ઝિમ્બાબ્વેમાં પ્રથમ ભારતીય છું કે જે ઝિમ્બાબ્વે સંસદમાં નાયબ મંત્રી બન્યા છે, તેનું મને ગૌરવ છે. અહીં આવવાનો મારો ઉદેશ્ય એ છે કે, ભારત અને આફ્રિકાના ધંધાકીય સંબંધ વધે અને આ માટે હું વ્યાપાર ઉદ્યોગ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ સાથે દિલ્હીમાં બેઠક પણ કરી હતી, અને ભારત સરકાર ખુબજ સકારત્મક વલણ ધરાવે છે. જેથી હું ભારતના લોકોને ઝિમ્બાબ્વેમાં વ્યાપાર માટે રોકાણ કરવા આવકારું છું.
ઝિમ્બાબ્વે એક પરિચય
ઝિમ્બાબ્વે દક્ષિણ આફ્રિકાને અડીને આવેલો એક નાનકડો દેશ છે. દક્ષિણ આફ્રિકા ઉપરાંત બોત્સવાના, ઝામ્બિયા અને મોઝામ્બિક દેશોની સરહદ તેને સ્પર્શે છે. માત્ર 16 લાખની વસતી ધરાવતા આ દેશની રાજધાની હરારે છે. ઝિમ્બાબ્વેમાં 16 ભાષાઓ બોલવામાં આવે છે.
ઝિમ્બાબ્વેમાં ગુજરાતી
ઓક્ટોબર, 2016ના આંકડા મુજબ ઝિમ્બાબ્વેમાં 9,000 જેટલા નાગરિકો મૂળ ગુજરાતી છે. મોટાભાગના ગુજરાતીઓ અહીં વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લા કેટલાક વર્ષથી ઝિમ્બાબ્વેના મંત્રીમંડળમાં પણ ગુજરાતીઓ ચૂંટાતા આવ્યા છે. ભારતીય મૂળના ભરત પટેલ અને અહેમદ ઈબ્રાહિમ ઝિમ્બાબ્વેની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. વર્તમાનમાં ભારતમાં ઝિમ્બાબ્વેની નવી ઔદ્યોગિક નીતિઓના પ્રચાર માટે આવેલા રાજેશ કુમાર મોદી પણ મૂળ રાજપીપળાના છે અને ઝિમ્બાબ્વેની વર્તમાન સરકારમાં કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર છે.